રાજ્યમાં 2022 ના અંત સુધીમાં જ્યાં ઘર હશે, ત્યાં નળ હશે: સીએમ રૂપાણી
‘નલ સે જલ’ યોજના અંતર્ગત વિધાનસભાગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં સહભાગી થતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, આગામી વર્ષ 2022 ના અંત સુધીમાં રાજ્યમાં ‘જ્યાં ઘર હશે ત્યાં નળ હશે’ તેવા સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છીએ
ગાંધીનગર: ‘નલ સે જલ’ યોજના અંતર્ગત વિધાનસભાગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં સહભાગી થતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, આગામી વર્ષ 2022 ના અંત સુધીમાં રાજ્યમાં ‘જ્યાં ઘર હશે ત્યાં નળ હશે’ તેવા સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. માત્ર ગ્રામ્ય વિસ્તારમાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત 10 લાખ 20 હજાર જેટલાં નળ કનેક્શન આપી દેવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં શુદ્ધ પાણી મળી રહે અને ઘરે ઘરે નળમાંથી પાણી પ્રાપ્ત થાય તેવા સંકલ્પ સાથે ‘નલ સે જલ’ યોજના શરૂ કરી છે. આ યોજનાને વર્ષ 2022 સુધીમાં જ ગુજરાત રાજ્યમાં પૂર્ણ કરી દેવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે તેમ જણાવી મુખ્ય મંત્રીએ ઉમેર્યું કે, હાલના તબક્કે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 17 લાખ જેટલાં નળ કનેક્શન બાકી રહ્યા છે તે માટે ઝુંબેશ સ્વરૂપે દર મહિને એક લાખ નળ કનેક્શન આપવાના લક્ષ્યાંક સાથે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે એટલે 17 મહિનામાં રાજ્યના પ્રત્યેક ઘરમાં ‘નલ સે જલ’ હશે.
આ પણ વાંચો:- ડિજિટલ ગુજરાતની દિશામાં મહેસૂલ વિભાગ, i-ORA પ્લેટફોર્મ પર વિવિધ સેવાઓ: કૌશિક પટેલ
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, રાજ્યના પાંચ જિલ્લાઓમાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત 100 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. પોરબંદર, આણંદ, ગાંધીનગર, બોટાદ અને મહેસાણા મળીને પાંચ જિલ્લાઓમાં 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને બાકીના વિસ્તારોમાં ખૂબ જ ઝડપી એટલે કે વર્ષ 2022 ના અંત સુધીમાં આ યોજના હેઠળ કામગીરી પૂર્ણ કરી દેવાશે તેવો અમારો મક્કમ નિર્ધાર છે.
આ પણ વાંચો:- ગુજરાતીઓ માટે ફરી વધ્યો ખતરો, 1000 એ પહોંચવા આવ્યો કોરોનાનો આંકડો
ગૃહમાં પૂછાયેલા જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત અપાયેલા કનેક્શન સંદર્ભે જવાબ આપતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે, જૂનાગઢ જિલ્લામાં વર્ષ 2019 માં 94 અને વર્ષ 2020 માં 2067 નળ કનેક્શન આપવામાં આવ્યા. તે અંતર્ગત કુલ રૂપિયા 1521.55 લાખ ખર્ચ કરવામાં આવ્યો. જ્યારે ભાવનગર જિલ્લામાં વર્ષ 2019 માં 4894 અને વર્ષ 2020 માં 20364 નળ કનેક્શન અપાયા. તેની પાછળ કુલ રૂપિયા 5730.35 લાખ ખર્ચ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube