વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા શરૂ, CM રૂપાણીએ કહ્યું ખતરો હજુ સુધી ટળ્યો નથી
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વાવાઝોડાની સ્થિતિ જાણવા માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચી ગયા છે. રાજ્યના મુખ્યમંત્રીએ NDRF ના ડેપ્યુટી કમાન્ડર તેમજ વાવાઝોડાના લેન્ડફોલ અને વહિવટી તંત્રની તૈયારી બાબતે સમિક્ષા બેઠક કરી
હિતલ પારેખ/ ગાંધીનગર: ગુજરાતના દરિયા કિનારા નજીક તૌકતે વાવાઝોડું આવી પહોંચ્યું છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વાવાઝોડાની સ્થિતિ જાણવા માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચી ગયા છે. રાજ્યના મુખ્યમંત્રીએ NDRF ના ડેપ્યુટી કમાન્ડર તેમજ વાવાઝોડાના લેન્ડફોલ અને વહિવટી તંત્રની તૈયારી બાબતે સમિક્ષા બેઠક કરી હતી.
તૌકતે વાવાઝોડું ગુજરાતની નજીક આવી પહોંચ્યું છે. ત્યારે ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. એવામાં તૌકતે વાવાઝોડાની અસર ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં જોવા મળી રહી છે. રાજ્યના અલગ અલગ શહેરમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. તૌકતે વાવાઝોડાની અસરથી રાજ્યના 52 તાલુકામાં વરસાદ પડી રહ્યો છે.
આ પણ વાંચો:- Tauktae Live: રાજ્યમાં વાવાઝોડાની અસર શરૂ, દીવ અને ઉના વચ્ચે ટકરાયું તૌકતે
જો કે, ત્યારબાદ ગુજરાતના દરિયા કિનારે નજીક પહોંચેલા તૌકતે વાવાઝોડાના મામલે સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની લેન્ડફોલની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને તે દીવ અને ઉના વચ્ચે ટકરાશે. હજુ સંપૂર્ણ પ્રોસેસ પસાર થતા દોઢથી બે કલાક લાગશે. આ સંપૂર્ણ પ્રોસેસ રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રહેશે. વાવાઝોડાની આંખ પસાર થાય ત્યારે ગતિ ઓછી થયા છે. ત્યારે એવું ના માનવું કે ખતરો ટળી ગયો છે પરંતુ આ ચાર કલાકની પ્રોસેસ છે. હવામાન વિભાગના સંપર્કમાં છીએ.
ખાસ કરીને ચાર જિલ્લા- ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર વિશેષ અસર જોવા મળશે. પવનની ગતિ 150 કિમી આસપાસ રહેશે. બાકીના અમુક જિલ્લાઓમાં 100 કિલોમીટરની આસપાસ અસર જોવા મળશે. જૂનાગઢ, જામનગર અને રાજકોટમાં 100 કિમીની ઝડપે પવન ફૂંકાશે. આણંદ, ભરૂચ અને અમદાવાદના ધોલેરા વિસ્તાર તેમજ પોરબંદર સુધી તેની અસર જોવા મળશે. અત્યારે કંટ્રોલ રૂમમાં મારી સાથે તમામ અધિક મુખ્ય સચિવ હાજર છે.
આ પણ વાંચો:- રાજ્ય સરકારે આ મામલે લગાવ્યો પ્રતિબંધ, હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી
અમે પણ રાતના મોડા સુધી વાવાઝોડાની આ ઘટનાઓની સમિક્ષા કરવા કંટ્રોલમાં રહેવાના છીએ. બીજે પણ બધા જ લોકો સ્ટેન્ડ-ટુ રાખવામાં આવ્યા છે. રાત્રે મોડા સુધી સંપર્ક કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. વાવાઝોડાની અસરો ઓછામાં ઓછી થાય તે માટે અમે બધા સજ્જ છીએ. ઝાડ પડવા, વીજળી જતી રહે એવી ઘટનાઓ બની રહી છે.
ગૃહ વિભાગ દ્વારા જે રાત્રિ કર્ફ્યૂ તેમજ આંશિક નિયંત્રણ મૂકવામાં આવ્યા છે તે પૂર્ણ થઈ રહ્યા છે. પરંતુ વાવાઝોડાની વિશિષ્ટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે નિર્ણય કર્યો છે કે, મંગળ બુધ અને ગુરૂ એમ ત્રણ દિવસ આ નિયંત્રણો યથાવત રાખવામાં આવશે. રાત્રિ કર્ફ્યૂ ચાલુ જ રહેશે. બજારો અને 50 ટકા ઓફિસ ચલાવવાની છે ત્યાં સુધી યથાવત રાખીએ છીએ. ત્રણ દિવસ પછી નિર્ણય કરવામાં આવશે.
આ પણ વાંચો:- વાવાઝોડાથી ગુજરાતના આ જિલ્લા સૌથી વધુ પ્રભાવિત, ભારત સરકારે તમામ મદદની આપી ખાતરી
કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવામાં આવશે. પાણીમાં લોકો ફસાયા હોય ત્યારે એક મિટિંગ મહત્વની છે જેના માટે વાયુ સેના દિલ્હીથી અને અહીંથી વ્યવસ્થા ઉભી કરી છે. જેમ જરૂરિયાત ઉભી થશે તેમ વાયુ સેનાનો ઉપયોગ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિતભાઈએ પણ સંપર્ક કર્યો હતો. તેઓ ગુજરાતની પરિસ્થિતિની સમીક્ષા કરી અને જાણકારી મેળવી અને કેન્દ્ર તરફથી પૂરતી મદદ કરવાની ખાતરી આપી છે. નરેન્દ્ર મોદી અને અમિતભાઈ ગુજરાતની વિશેષ નોંધ લઈ રહ્યા છે.
આ પણ વાંચો:- તૌકતે વાવાઝોડાનો સામનો કરવા તંત્ર સજ્જ, 1.50 લાખ નાગરિકોનું 930 શેલ્ટર હોમમાં સ્થળાંતર
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડાની સ્થિતિની છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિનો તાગ મેળવવા આજે રાત્રે ગાંધીનગરમાં સ્ટેટ કન્ટ્રોલ રૂમ પહોંચીને દરિયા કાંઠાના જિલ્લાઓ સહિત રાજ્યની સ્થિતિની સમિક્ષા કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સથી કરી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મૂકીમ મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કૈલાસ નાથન, મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર સહિતના વરિષ્ઠ સચિવો જોડાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube