• મુખ્યમંત્રીએ કહ્યું કે તમે લોકો નસીબદાર છો કારણકે 3 હજાર બાયોડેટામાંથી તમને ટીકીટ મળી અને પછી તમે જીત્યા

  • કોન્ટ્રાકટરગીરી કરતા જે પણ કોર્પોરેટર દેખાશે, તેનું રાજીનામું લેતા નહીં અચકાય તેવી પણ ચીમકી મુખ્યમંત્રીએ આપી


બ્રિજેશ દોશી/ગાંધીનગર :અમદાવાદ મહાનગરપાલિકામાં 160 કોર્પોરેટરો સાથે સત્તા મેળવ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણીએ કોર્પોરેટરોને પ્રમાણિકતાના પાઠ ભણાવ્યા. ગાંધીનગરના ખાનગી ફાર્મમાં ભાજપના નવા કોર્પોરેટરોની ગઈકાલે મળેલી ટિફિન બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણી શિક્ષકની ભૂમિકામાં નજરે પડ્યા. પોતાના વિસ્તૃત સંબોધનમાં તેમણે કોર્પોરેટરોને અનેક સૂચનાઓ આપવા સાથે સફળ રાજકીય જીવન માટે મંત્ર પણ આપ્યો હતો. મુખ્યમંત્રી રૂપાણી (vijay rupani) એ પોતાનું ઉદાહરણ આપીને કોર્પોરેટરથી મુખ્યમંત્રી સુધીની સફર કેવી રહી તે સમજાવ્યું. પક્ષથી મોટું કોઈ નથી અને પક્ષના યોગદાનને યાદ રાખીને પ્રજાલક્ષી કામગીરી કરવા મુખ્યમંત્રી રૂપાણીએ કોર્પોરેટરોને તૈયાર કર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : કોરોનાકાળમાં આ કિસ્સા ભારે ચગ્યા, આજીવન નહિ ભૂલો આ ઘટનાઓને...


પહેલીવાર ચૂંટાયેલા કોર્પોરેટરોને સીએમની ખાસ સૂચના 
મોટાભાગના કોર્પોરેટરો પહેલીવાર ચૂંટાયા હોવાથી રાજકીય કારકિર્દી લાંબી ચાલે અને સ્વચ્છ રહે તે માટે મુખ્યમંત્રીએ વિશેષ ધ્યાન આપ્યું. મુખ્યમંત્રીએ કહ્યું કે તમે લોકો નસીબદાર છો કારણકે 3 હજાર બાયોડેટામાંથી તમને ટીકીટ મળી અને પછી તમે જીત્યા. કાર્યકરો અને પક્ષના કારણે તમારી જીત થઈ છે ત્યારે કાર્યકરોને સાથે રાખીને ચાલવાની પહેલી ફરજ છે. કાર્યકરોનું માન, સન્માન જળવાય તેની તકેદારી રાખવી. પ્રજાના કામોને પ્રાથમિકતા આપવી અને કોન્ટ્રાકટર સિસ્ટમથી દૂર રહેવું. જાહેર જીવનમાં પ્રામાણિકતાના રસ્તે ચાલવાથી જ સફળતા મળે, કદાચ સફળતા મોડી મળે પણ ચોક્કસ મળે છે. કોન્ટ્રાકટરગીરી કરતા જે પણ કોર્પોરેટર દેખાશે, તેનું રાજીનામું લેતા નહીં અચકાય તેવી પણ ચીમકી મુખ્યમંત્રીએ આપી હતી. 


સાથે જ તેમણે કોર્પોરેટરોને લાંબી રાજકીય કારકિર્દી માટે કામ કરવાનો મંત્ર આપ્યો. તેમણે કહ્યું કે, જો કોર્પોરેટર તરીકે તમારું કામ સારું હશે તો સૌ કોઈ નોંધ લેશે અને ધારાસભ્ય, સાંસદ બનવાનો પણ મોકો મળશે. પોતે પણ કોર્પોરેટર તરીકે કામ કરી ચૂક્યાનું ઉદાહરણ આપીને તેમણે કોર્પોરેટરોને સતત પક્ષ માટે કામ કરવા સમજાવ્યા. 


આ પણ વાંચો : આશિંક લોકડાઉન તરફ ગુજરાત : શનિ-રવિ કરફ્યૂની અફવાઓએ જોર પકડતા ખરીદી કરવા લોકોની ભીડ ઉમટી  


પહેલીવાર ચૂંટાયા પછી પણ મહાનગરપાલિકાના ટોપ 5 હોદાઓ માટે થયેલા લોબિંગ અંગે મુખ્યમંત્રીએ નારાજગી વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, પક્ષે તમને ટીકીટ આપી, તમે જીત્યા પછી જે તે હોદા માટે સીધી માંગણી કરવી યોગ્ય નથી. આ અંગેનો નિર્ણય પક્ષને કરવા દો. પક્ષને યોગ્ય લાગશે તેને જવાબદારી આપશે. જાહેર જીવનમાં સફળતા મેળવવા પ્રામાણિકતા જરૂરી છે અને લોકો વચ્ચે રહીને કામ કરવું એક જ વિકલ્પ છે. લોકોના કામ કરવાથી સમર્થન મળશે અને પક્ષમાં પણ નોંધ લેવાશે એટલે કાર્યકરોને સાથે રાખીને લોકોના કામ કરતા રહો તો આગળ વધશો.


કોર્પોરેટરોની ટિફિન બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણી ઉપરાંત શહેર ભાજપ પ્રભારી આઈ કે જાડેજા, શહેર પ્રમુખ જગદીશ પંચાલ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી એ કોર્પોરેટરોને પ્રજાલક્ષી કામગીરી સાથે ધારાસભ્ય બનવાનો પણ રસ્તો બતાવ્યો હતો. અમદાવાદના વિકાસ માટે તમામ લોકો સાથે મળીને કામ કરે અને પોતાને પ્રજાએ આપેલી જવાબદારી નિભાવે તે જરૂરી છે. 


આ પણ વાંચો : કોરોનાનું 365 દિવસનું સરવૈયું : બદલાયું કંઈ નહિ, પણ બમણા જોરથી ફરી પાછો આવ્યો કોરોના


સામાન્ય રીતે ચૂંટાયા બાદ ઘણા કોર્પોરેટરો નિષ્ક્રિય થઈ જતા હોય છે ત્યારે મુખ્યમંત્રીએ મહિલા કોર્પોરેટરોને પણ સક્રિય રહીને કામ કરવા સૂચના આપી હતી. હવે જોવાનું એ રહેશે મુખ્યમંત્રીના પ્રમાણિકતાના પાઠ કેટલા કોર્પોરેટરો ગંભીરતાથી પાળે છે.