Corona : સ્થિતિ વધારે બગડશે તો પણ પહોંચી વળાશે, સીએમ વિજય રૂપાણીનો દાવો
મુખ્યમંત્રીએ તબલિગો વિશે કમેન્ટ કરતા કહ્યું કે કમનસીબે દિલ્હીથી નિઝામુદ્દીનથી જે તબલિગો ભેગા થયા અને ત્યાંથી કોરોનાનો ચેપ બધે ફેલાયો અને ગુજરાતને પણ ચેપ લાગ્યો.
અમદાવાદ : હાલના તબક્કે ગુજરાતમાં કોરોના પોઝિટિવની સંખ્યા ઝપાટાભેર આગળ વધી રહી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મીડિયા પર પોતાના પ્રજાજોગ સંદેશમાં રાજ્યમાં કોરોનાની ગંભીર સ્થિતિ અંગે વાત કરતા જણાવ્યું કે, જો લોકોએ ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, કોરોનાના કેસોમાં 85 ટકા લોકો ઝડપથી સાજા થાય છે અને બાકીના 15 ટકામાંથી મૃત્યુદર 3થી 4 ટકા જ છે, બાકીના બધા સાજા થઈને ઘરે જાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાત કોરોના સામે જંગ જીતી જશે. મુખ્યમંત્રીએ તબલિગો વિશે કમેન્ટ કરતા કહ્યું કે કમનસીબે દિલ્હીથી નિઝામુદ્દીનથી જે તબલિગો ભેગા થયા અને ત્યાંથી કોરોનાનો ચેપ બધે ફેલાયો અને ગુજરાતને પણ ચેપ લાગ્યો.
સ્થિતિ વધુ બગડે તો ગુજરાત પહોંચી વળશે તેવા પૂછાઈ રહેલા સવાલ પર રૂપાણીએ કહ્યું કે, માર્ચ મહિનાની 20 તારીખની આસપાસ ગુજરાત સરકારે આગોતરું આયોજન કરીને સાડા નવ હજાર બેડની વ્યવસ્થા ઉભી કરી હતી. જેમાંથી એકલા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ, SVPમાં 500 બેડ, સુરત, રાજકોટ, વડોદરા એમ તાત્કાલિક ધોરણે સાડા નવ હજાર બેડની વ્યવસ્થા ઉભી કરી હતી. હજુ કોરોનાના દર્દી 2500 સુધી જ પહોંચ્યા છે. જ્યારે આપણી પાસે પૂરતા બેડની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત 25000 બેડની વ્યવ્સ્થા કરવાનું પણ આયોજન છે.’
સીએમ રૂપાણીએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં જેટલા કેસ છે, તેમાંથી આશરે 70થી 80 ટકા અમદાવાદ, વડોદરા, સુરતના છે. એમાંથી 60 ટકા કેસ એકલા અમદાવાદમાં છે. ગુજરાતમાં મૃત્યુદર વધુ હોવા અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘જે લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે તેમાંથી મોટાભાગના લોકો અન્ય બીમારીઓથી પણ પીડિત હતા. હાઈ બ્લડ પ્રેશર, કેન્સર, ડાયાબિટીઝવાળા દર્દીઓ પણ સારવાર લેવા આવ્યા છે. આ લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટી જવાના કારણે વધારે નુકસાન ભોગવવું પડ્યું છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની અત્યંત જરુરી છે.’
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube