હિતલ પારેખ/ગાંધીનગર : રાજ્યભરમાં ગુજરાત STનાં 45 હજાર કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જતા 7000 બસના પૈડા થંભી ગયા છે. જેની સીધી અસર 25 લાખ મુસાફરોને અસર થઈ છે. આ કારણે મુસાફરોની હાલાકી વધી રહી છે. અનેક મુસાફરોએ આ કારણે પોતાનો પ્રવાસ રદ કર્યો છે, તો કેટલાક એસટી ડેપો પર અટવાઈ પડ્યા છે. કેટલાક ખાનગી વાહનોની દાદાગીરીનો ભોગ બની રહ્યા છે. આવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એસટીના કર્મચારીઓને અપીલ કરી છે કે, પ્રજા વર્ગોને મુશ્કેલી ન પડે તે માટે એસટી કર્મચારીઓ હડતાળ પરત ખેંચે. રાજ્ય સરકાર કર્મચારીઓની સમસ્યાના સમાધાન માટે સાથે મળીને યોગ્ય ચર્ચા કરી ઉકેલ લાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ST કર્મચારીઓની હડતાળને લઈને મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી કે, એસટીના કર્મચારીઓએ હડતાળ પાડીને ગુજરાતના લાખો ઉતારુઓની મુશ્કેલી વધારી છે. સાતમો પગારપંચ તેમની માંગણી છે. સરકારની નીતિ છે કે જે નિગમ નફો કરતા હોય તે ચોક્કસ આપે. મારી તેમને વિનંતી છે કે આવુ ન કરે. સાથે બેસીને યોગ્ય સમયે વસ્તુ બની શકે છે. હડતાળથી કેવી રીતે ઉતારુઓને પડતી મુશ્કેલી દૂર કરી શકાય તે અંગે તંત્ર વિચારશે. ST નિગમ નિયમ અનુસાર પગારપંચ લાગુ કરશે. 


તો બીજી તરફ, મુખ્યમંત્રીના આવા જવાબથી એસટી કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 


સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, રાજ્ય સરકારે હડતાળને કારણે મુસાફરોની હેરાન ગતિના મામલાને ગંભીરતાથી લીધી છે. રાજ્ય સરકારની સાતમા પગાર પંચની નીતિ મુજબ, એસટીના કર્મચારીઓને સાતમુ પગાર પંચ આપવું મુશ્કેલ છે. જોકે પગાર પંચ સિવાયની માગણીઓ મામલે સરકાર હકારાત્મક છે. બે દિવસમાં પગાર પંચ સિવાયના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી શક્યતા છે. રાજ્ય સરકાર દ્વારા પગાર પંચના મુદ્દે એસ.ટી.યુનિયન સાથે વાટાઘાટો કરવા તૈયાર છે. ત્યારે આજે અથવા આવતીકાલે સરકાર દ્વારા યુનિયનને વાટાઘાટો માટે બોલાવવામાં આવી શકે છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.