અમદાવાદ : જિલ્લાના  સાણંદ તાલુકાના ચેખલા ગામ સ્થિત કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુખ્યમંત્રી વિજય રૂપણીએ મુલાકાત લીધી હતી. મારે ગામાડાઓને બચાવવા છે – સુરક્ષિત કરવાં છે એટલે જ આ અભિયાન શરૂ કર્યું છે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું. સૌ સાથે મળીને કોરોના સામે જંગ લડીશું તો જીત નિશ્ચિત છે. સાફ નિયત અને સાચી દિશાના પ્રયત્નો થી ગુજરાતને કોરોનામુક્ત કરીશું. ચેખલાના ચોરે રાજ્યના ગ્રામજનોને સકારાત્મક સંદેશો પણ આપ્યો હતો. ગામડાઓને કોરોના મુક્ત રાખવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આખી સરકાર-સંસાધનો કોરોનાની સામે અને પ્રજાની પડખે છે. કોરોનાને હરાવવા સરકાર રાજ્ય સરકાર કટિબદ્ધ છે - જરૂર છે સક્રિય લોક સહયોગની જરૂર છે. તાવ,શરદી,ખાસી જેવા લક્ષણો ને અવગણવાને બદલે સત્વરે ટેસ્ટ કરાવીએ છીએ. ગામમાં શંકાસ્પદ કે કોરોના પોઝિટિવ દર્દીઓ આઇસોલેસન સેન્ટરમાં જ રહે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા અને ગામડાઓને કોરોનામુક્ત રાખવા હાથ ધરેલા રાજ્યવ્યાપી "મારુ ગામ કોરોના મુક્ત ગામ" અભિયાન અંતર્ગત આજે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકા સ્થિત ચેખલા ગામ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ચેખલા ગામના ચોરેથી સમગ્ર રાજ્યને હૈયાધારણા આપતા કહ્યું કે, આખી સરકાર અને સંસાધનો કોરોનાની સામે અને પ્રજાની પડખે છે. રાજ્યમાં તમામ સુવિધાઓ, સંસાધનો ઉપલબ્ધ છે એટલે કોઈએ પણ ડરવાની કે ગભરાવાની જરૂર નથી .કોરોનાને હરાવવા સરકાર કટિબદ્ધ છે જરૂર છે માત્ર લોકોના સક્રિય સહયોગની તેવો ભાવ મુખ્યમંત્રી  એ વ્યક્ત કર્યો હતો. 


મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે , સંક્રમણની બીજી લહેર વ્યાપક અને ઘાતક છે. આ લહેરમાં આખાને આખા પરિવારો સંક્રમિત થવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે સાવચેતી એ સૌથી મહત્વનું પાસું છે. દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ સક્રિય છે અત્યારે રોજ નોંધાતા કેસોમાં દેખાયોલો ઘટાડો પુરવાર કરે છે કે આ અભિયાન થકી આપણા પ્રયાસો સાચી દિશામાં છે. આપણે સૌએ સાથે મળીને કોરોના સામે જંગ લડવાની છે અને સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવાનું છે તેના થકી જ આપણે કોરોના સામે લડત આપી શકીશું અને વિજય મેળવી શકીશું તેમ મુખ્યમંત્રીએ કહ્યુ હતુ. કોરોનાથી ગામડાઓને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવાના હેતુથી જ “મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન સાચી દિશા અને સાચી નિયત સાથેનું અભિયાન છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.


આ અભિયાન અંતર્ગત રાજ્યના ૧૬૦૦૦ થી વધુ ગામોમાં “ગ્રામ યોધ્ધા કમિટી” ની રચના કરાઇ છે.અંદાજે ૫૦ લાખથી વધુ લોકોનું વ્યક્તિગત સર્વેલન્સ હાથ ધરાયું છે જે અંતર્ગત  ૫ હજાર જેટલા દર્દીઓ આઇસોલેશનમાં છે. મુખ્યમંત્રીએ મીડિયા સાથેના સંવાદમાં જણાવ્યું હતુ કે, હાલ રાજ્યમાં પ્રતિદિન ૧.૪૦ લાખ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી પણ પૂરતિ સુવિધાઓ મળી રહી છે. હાલ રાજ્યમાં ઓક્સિજનની જરૂરીયાત રોજ ૧ હજાર ટનની છે અને સંભવિત મહત્તમ વિકટ પરિસ્થિતિમાં ઓક્સિજનની જરૂરિયાત વધશે તો તેને પહોંચી વળવા પણ પૂરતી તૈયારી છે. આ માટે કેન્દ્ર સરકાર પણ પૂરતી મદદ કરી રહી છે.


મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટે અમદાવાદ,વડોદરા,સૂરત,રાજકોટ ખાતે અલાયદા વોર્ડની રચના કરવામાં આવી હોવાનું જણાવી તેની સારવાર માટે જરૂરી તમામ ઇન્જેકશન અને દવાઓના ઓર્ડર પણ આપી દેવામાં આવ્યું હોવાનું મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ. રાજ્યભરના ૫૦ લાખથી વધુ ઘરોમાં ઘરે ઘરે જઈને સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જણાવી ગામમાં જ કોરોનાને સંપૂર્ણપણે પરાસ્ત કરવાનો સંકલ્પ હોવાનું મુખ્યમંત્રી  એ કહ્યુ હતુ. સાથે- સાથે સર્વેલન્સ દરમિયાન શંકાસ્પદ જણાઇ આવતાં દર્દીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને પોઝિટિવ આવતા દર્દીઓને આઇસોલેશન કરીને સત્વરે સારવાર મળી રહે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા હાથ ધરવામાં આવી હોવાનું મુખ્યમંત્રી  એ ઉમેર્યુ હતુ. 


રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થઈને ઘરે પરત થયા છે આજે દાખલ થનાર દર્દીઓના કેસ કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે જે સૂચવે છે કે કોરોના સામેના  નિયંત્રણમાં સરકાર ના પ્રયાસો સફળ રહ્યા છે. તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો જણાઈ આવતા ટેસ્ટ કરાવવા અને ટેસ્ટમાં આવતા ગામમાં ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં જ પ્રાથમિક સારવાર મેળવવા મુખ્યમંત્રીએ અપીલ કરી હતી.


કોરોના સામેની લડતમાં રસીકરણ અમોધ શસ્ત્ર હોવાનું જણાવી સમગ્ર રાજ્યભરના ગ્રામ્ય ક્ષેત્રોમાં કોરોના રસીકરણની કામગીરી ઝડપથી થાય અને ગ્રામજનો કોરોના રસીકરણ કરાવીને કોરોના સામેનું સુરક્ષિત બને તેવી હાર્દભરી અપીલ મુખ્યમંત્રી  એ કરી હતી.રાજ્યના તમામ મંત્રીઓ, અધિકારીઓ , પદાધિકારીઓ કોરોના સામેની લડતમાં કાર્યરત હોવાનું જણાવી “મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનને રાજ્યવ્યાપી બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ હોવાનું કહ્યું હતુ.


રાજ્યમાં ઓક્સિજન બેડ થી લઇ ઓક્સિજનનો જથ્થો પૂરતો  છે અને કોરોના સામેની લડતમાં જરૂરી તમામ સંસાધનો પૂરતા પ્રમાણમાં હોઇ રાજ્યના કોઇપણ નાગરિકે ડરવાની કે ગભરાવાની જરૂર નથી તેવી અપીલ મુખ્યમંત્રીએ કરી હતી.કોરોના  સામેની લડતમાં સારવાર અને સુવિધા અંગેની વિગતવાર માહિતી આપતા મુખ્યમંત્રી  એ જણાવ્યું કે, છેલ્લા બે મહિનાથી દરરોજ રાજ્યની હોસ્પિટલોને ૧૦૦૦ ટનથી વધુ ઓક્સિજનના પ્રવાહનો વપરાશ હોસ્પિટલોમાં થઇ રહ્યો છે જેની પૂરતી વ્યવસ્થા રાજ્ય સરકાર પાસે છે. એક માસમાં સાત લાખ રેમડેસિવીર ઇન્જેકશન પુરા પાડવામાં આવ્યા છે . 15 માર્ચે રાજ્યભરમાં 45000 કોરોના  બેડ હતા જે આજે એક લાખ સુધી પહોચ્યા છે. 


ગ્રામ વિકાસ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, 'મારું ગામ કોરોના મુક્ત ગામ' રાજ્યવ્યાપી અભિયાન કોરોનાનુ સંક્રમણ અટકાવવા માટે સૌથી મહત્વનું અભિયાન પુરવાર થશે. દેશ આખામાં ગુજરાતે સર્વપ્રથમ આ અભિયાન હાથ ધર્યું છે એ અર્થમાં ગુજરાતે લીડ લીધી છે તેનું અનુકરણ દેશના અન્ય રાજ્યો પણ કરશે. તેમણે જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત ગામના દર્દીઓને સ્થાનિક સ્તરે જ ટેસ્ટિંગ, આઇસોલેશન અને સારવાર મળી રહે જેને પગલે કોરોનાનું સંક્રમણ આગળ વધતું અટકાવી શકાય તેવો મુખ્ય ઉદ્દેશ રહેલો છે.


અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે એ અમદાવાદ જિલ્લામાં કોરોના સંક્રમણની ખાળવા માટે થઇ રહેલી કામગીરીથી મુખ્યમંત્રી  ને વાકેફ કરતા જણાવ્યું હતુ કે, જિલ્લાના તમામ ગામોમાં ગ્રામ યોદ્ધા સમિતિ કાર્યરત કરાઇ છે.જેના દ્વારા લોકોને લોકોની અવર જવર પર અંકુશની સાથે કોરોના ટેસ્ટિંગ, પ્રાથમિક સારવાર, રસીકરણ અને કોરોનાની ગાઈડલાઈનના પાલન અંગેની જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં કુલ ૪૬૬ કોવિડ કેર સેન્ટરમાં ૨૯૨૪ બેડની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે એટલું જ નહીં જરૂરી દવાઓ પલ્સ ઓક્સિમીટર મીટર , થર્મલ ગન, સ્કીન વેપરાઇઝર જેવા સાધનો ઉપલબ્ધ કરાયા છે.યોગા અને આયુર્વેદિક દવાઓના ઉપયોગની સમજ પણ આપવામાં આવી રહી છે.


રાજ્યના અન્ય જિલ્લાઓની સાપેક્ષમાં અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી ચાર લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૫૯૮૯ વ્યક્તિ  કોવિડ પોઝિટિવ જણાયા છે જેમને સધન સારવાર આપવામાં આવી છે.જુદા-જુદા તાલુકાઓમાં “મોબાઈલ લેબોરેટરી વાન” અને “ટેસ્ટિંગ વાન” પણ કાર્યાન્વિત  કરાઈ છે. રસીકરણ એ સામેનું  અમોઘ શસ્ત્ર છે ત્યારે અમદાવાદ જિલ્લો રસીકરણ ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યું છે. ૯૫૪૬ આરોગ્ય કર્મીઓ, ૩૯૦૮૨  ફ્રન્ટલાઈન વર્કર્સને રસી અપાઇ છે એ અર્થમાં ૯૯% રસીકરણનો લક્ષ્યાંક આ બંને વર્ગમાં સિદ્ધ કરાયો છે.જ્યારે  ૪૫ વર્ષથી ઉપરના ૩૧૪૪૭૩, લોકોને રસી આપીને ૮૬ ટકા લક્ષ્યાંક સિધ્ધ કરાયો છે.જિલ્લા કલેક્ટર એ અમદાવાદ જિલ્લામાં ઓક્સિજનના પુરવઠાને ઉપલબ્ધ કરાવવા માટે ઓક્સિજન બેંકની વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવ્યુ હોવાનું જણાવ્યુ હતુ. 
 
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતુ કે , જિલ્લામાં સેનિટાઇઝેશન  કામગીરીને વ્યાપક કામગીરી કરાઈ છે. આરોગ્ય અને સ્થાનિક સ્વરાજ્યની ટીમો દ્વારા અંદાજે ૭.૫૦ લાખ ઘરોમાં સેનિટેશન કરવામાં આવ્યું છે.જિલ્લામાં તમામ તાલુકામાં ઉકાળાના એક લાખ પેકેટ તથા એક લાખ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે ૩૦ ધન્વંતરી રથ દ્વારા ૫૫૫૬૬૭ આયુર્વેદિક ઉકાળા-દવા ,૪૮૪૬૦૧ હોમીયોપેથીક દવાનું વિતરણ કરીને ૧૦ લાખથી વધુ લોકોને સારવાર આપવામાં આવી છે.


જિલ્લામાં કોવિડ બેડની સંખ્યા ૩૦૦ થી વધારીને ૧૭૭૯ કરવામાં આવી છે.જેમા આઇ.સી.યુ. વેન્ટિલેટર ના ૭૬ બેડ,૬૬૨ ઓક્સિજન બેડનો પણ સમાવેશ થાય છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ૪૫૦ બેડ ઉપરાંત , જિલ્લાની ૪૦ ખાનગી હોસ્પિટલમાં ૮૬૫ બેડની સાથે તમામ ૯ તાલુકામાં કુલ ૪૦૪ બેડ સાથે કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયા છે. ગઈ કાલ સુધી માં ૧૧૯૩૨ રેમડેસિવીર ઈન્જેકશનની ફાળવણી સરકારી અને ખાનગી ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ  કરવામાં આવી છે. કેન્દ્રિય ગૃહમંત્રી  અમિત શાહની ગ્રાન્ટ માંથી જિલ્લાના સાણંદ અને બાવડા વિસ્તાર માં ૭ એમ્બ્યુલન્સ વાન , મોબાઈલ લેબોરટરી વાન,૨ ડિજિટલ એકસ-રે મશીન  ૨ સોનોગ્રાફી કલર મશીન,૧૨ બાઇનોક્યુલર માઈક્રોસ્કોપ,૬ ઓક્સિજન કન્સનટ્રેટર મશીન સહિત અન્ય સાધનો ફાળવવામાં આવ્યાં છે.


આગામી સમયમાં જિલ્લામાં ૧૦૦ ઓક્સિજન કન્સનટ્રેટર,૫૪ બાય પેપ મશીન, બિરલા ફાઉન્ડેશનના સહયોગથી ૨ ઓક્સિજન પ્લાન્ટ ઉપરાંત ટાટા ફાઉન્ડેશન , ઝાયડસ ફાઉન્ડેશન મારુતિના સહયોગથી ૧૦૦-૧૦૦ બેડનું આયોજન અને ૩૦ વેન્ટિલેટરનું પણ આયોજન  હાથ ધરવામાં આવશે.ચેખલા ગામ ખાતેના મુખ્યમંત્રી  ના  ગ્રામયોધ્ધા કમિટીની સાથેના સંવાદ કાર્યક્રમમાં ધારાસભ્ય   કનુભાઇ પટેલ, મહામંત્રી  પ્રદિપસિંહ વાધેલા, અમદાવાદ જિલ્લા ભા.જ.પ. પ્રમુખ  હર્ષદગીરી ગોસ્વામી સહિતના અધિકારી અને પદાધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube