ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
IMD Weather Forecast: ગુજરાતમાં અત્યારે વહેલી સવારે અને મોડી રાત્રે લોકોને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ શનિવારથી રાજ્યમાં ઠંડી વધવાની છે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે.
અમદાવાદઃ રાજ્યમાં બે દિવસ બાદ ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ રાજ્યમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમરેલી અને વડોદરા સહિતના શહેરોમાં તાપમાન 14 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જ્યારે અન્ય શહેરોની તાપમાન 15 થી 18 ડિગ્રી વચ્ચે છે. આગામી બે દિવસ રાજ્યનું વાતાવરણ આવું જ રહેશે. જ્યારે બે દિવસ બાદ તાપમાન એકથી બે ડિગ્રી ઘટશે. પવનની દિશા બદલવાના કારણે ઠંડીમાં વધારો થશે. એટલે કે તાપમાન 11 થી 14 ડિગ્રી વચ્ચે રહે તેવી શક્યતા છે.
બે દિવસ બાદ ગુજરાતમાં ઠંડી વધશે
રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે શનિવારથી રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે. પવનની દિશા બદલાવાને કારણે ઠંડી વધશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે. ગુજરાતમાં અત્યારે વિવિધ શહેરોનું તાપમાન 15થી 18 ડિગ્રી વચ્ચે છે. પરંતુ બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થતાં લોકોને ઠંડીનો અનુભવ થશે.
આ પણ વાંચોઃ નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ
અંબાલાલ પટેલની આગાહી
દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈછે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે. બીજી બાજુ બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થશે આ તોફાનની અસર તામિલનાડુ પાંડેચેરી અને ચેન્નઈના ભાગોમાં 29 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી થવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 28 નવેમ્બર સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે. 2 ડિસેમ્બરથી બાંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે. તો 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમત વર્ષા થશે. 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે.