ભાવનગર : ભાવનગરનાં લીલાસર્કલ નજીક આવેલી સત્યમ સોસાયટીમાં રહેતા અને અલંગમાં સ્ક્રેપનો વેપાર કરતા એક વેપારીએ આર્થિક સંકડામણના કારણે તેની પત્ની અને પુત્ર સાથે ઝેરી દવા પી જઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવના પગલે એસ.પી., ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરમાં ગત રાત્રીના સમયે અલંગમાં સ્ક્રેપનો ખાડો ધરાવતા નીલેશભાઈ હસમુખભાઈ ઉપાધ્યાયે તેમની પત્ની હિરલ અને પુત્ર ભાવિકને સાથે રાખી ઝેરી દવા પી જઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. નીલેશભાઈ તેમની પત્ની-પુત્ર-પુત્રી તથા માતાપિતા સાથે લીલાસર્કલ નજીક સત્યમ સોસાયટીમાં "બુટ ભવાની કૃપા" બંગલોમાં રહેતા હતા. ત્યારે સાંજે તેમના માતા પિતા કોઈ કારણોસર બહાર ગયા હતા ત્યારે નીલેશભાઈએ તેમની પત્ની અને પુત્ર સાથે ઝેરી દવા પી લીધી હતી. જોકે તેમની સાથે રહેતી માસુમ પુત્રી મિસરીને તેમાંથી બાકાત રાખી હતી. સાંજના સમયે નીલેશભાઈએ પોતાનું મકાન બંધ કરી આ આપઘાતનું પગલું ભર્યું હતું. 


જયારે તેમની બહેન પણ સાંજે ઘરે આવી હતી અને દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ કોઈએ ના ખોલતા આરામમાં હશે તેમ માની ત્યાંથી રવાના થઇ હતી. મોડી સાંજ સુધી આ મકાનનો દરવાજો ના ખુલતા કઈ અજુગતું બન્યું હોવાની શંકાના આધારે આસપાસમાં રહેતા લોકોએ પોલીસને જાણ કરતા અને બારીના કાચ તોડી મકાનનો દરવાજો ખોલતા તમામના હોંશ ઉડી ગયા હતા અને અતિ ઝેરી દવાના કારણે લીલા થઇ ગયેલા ત્રણેયની લાશ જોતા તાકીદે પોલીસ વડાને જાણ કરવામાં આવી હતી. 


ત્યારબાદ તેમના માતા પિતા અને અન્ય ને જાણ કરતા તેઓ પણ ઘરે પરત ફર્યા હતા અને પોતાના પરિજનોની લાશ જોઈ આભ ફાટી પડ્યું હતું. જ્યારે લાશને પીએમ માટે મોકલી આપવામાં આવી છે અને આ બનાવમાં આર્થીક સંકડામણ જવાબદાર હોવાનું પોલીસે જણાવ્યું હતું. નીલેશભાઈ તેમજ તેમની પત્નીની લાશ રૂમમાંથી મળી હતી જ્યારે ઝેરી દવા બાદ પુત્ર ભાવિક તરફડીયા મારતો પાણી માટે બહાર આવ્યો હશે અને રસોડામાં તેનું મોત નિપજ્યું હોય તેવી શંકા પોલીસ સેવી રહી છે. વેપારીના ઘરેથી સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જયારે આ બનાવના પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.