ચેતન પટેલ/સુરત :સુરતના કોવિડ કમ્યુનિટી આઈસોલેશન સેન્ટરોની રાજયસ્તરે આગવી ઓળખ બની છે. હાલ સુરતમાં ૩૦ થી વધુકોવિડ કમ્યુનિટી આઈસોલેશન સેન્ટરો કાર્યરત છે. 1500 બેડ સાથે કાર્યરત સેન્ટરોમાં કોરોનાના પીક સમયે 950 થી વધુ બેડ ફુલ થઈ ગયા હતા. જ્યારે હાલની પરિસ્થિતિમાં 549 ઓક્સિજન બેડ ખાલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના સંક્રમણને નાથવા માટે શહેરમાં કોવિડ કમ્યુનિટી આઈસોલેશન સેન્ટર મધ્યમ વર્ગીય પરિવાર માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે. જ્યાં તેઓને કોરોનાને માત આપવા માટે જરૂરી તમામ પ્રકારની સારવાર તેમજ સાયકોલોજીકલ સારવાર પણ આપવામાં આવી છે. ત્યારે સુરતમાં મ્યુનિ. કોર્પોરેશન કોવિડ-૧૯ અંતર્ગત ૩૦ થી વધુ કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરાયેલ છે. જેમાંથી 20 થી વધુ ઓક્સિજન બેડની સુવિધાઓવાળા સેન્ટર છે. મહત્વની વાત એ છે કે આ આઈસોલેશન સેન્ટરોનો 


ડેથ રેશિયો ઝીરો છે અને રિકવરી રેટ 100% છે. કારણ કે ક્રિટિકલ દર્દીઓને સમયસર સિવિલ, સ્મીમેર કે અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. આ દરેક સેન્ટરો મળીને આશરે ૩૦૦૦ લોકો સારવાર લઈ ચુક્યા છે. હાલ આ દરેક આઈસોલેશન સેન્ટર મળીને 1500 જેટલા બેડ માંથી 954 બેડ રૂમ એરના તેમજ 549 ઓક્સિજન બેડ ખાલી છે. ઓક્સિજન બેડની જો વાત કરવામાં આવે તો 47% ઓક્સિજન બેડ ઓક્યુપાઈડ છે, જ્યારે બાકીના અવેલેબલ છે.


આજની તારીખ સુધીમાં 525 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે, તેમાંથી 380 દર્દીઓ સુરતના છે. જ્યારે 145 દર્દીઓ સુરત બહારના છે. જો ટકાવારીમાં ગણતરી કરવામાં આવે તો સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી 73% સુરતના, ૧ % સુરત રૂરલના, ૧૧ ટકા સૌરાષ્ટ્રના, જ્યારે ૧૦ % ગુજરાતના અન્ય જિલ્લાઓના દર્દીઓ છે. સુરતના આઈસોલેશન સેન્ટરોની ખાસ વાત એ છે કે મૂળ ઉત્તરાખંડ, કોલકત્તા ,બિહાર ,યુપી, ઝારખંડ અને રાજસ્થાન વગેરે રાજ્યના દર્દીઓને પણ સારવાર આપી સાજા કરાયા છે. આશરે ૩૦૦૦થી વધુ દર્દીઓ અત્યાર સુધી આ સેન્ટરોમાંથી સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. 


કોવિડ કમ્યુનિટી આઈસોલેશન સેન્ટરના સુપરવાઈઝર દિનેશ રબારી એ કહ્યું કે, ૩૦ થી વધુ કોવિડ આઈસોલેશન સેન્ટરમાંથી ૨૦થી વધુ ઓક્સિજન બેડવાળા છે. શરૂઆતમાં કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે માટે સમાજના આગેવાનોએ સામે આવીને કમ્યુનિટી સેન્ટરો શરૂ કર્યા હતા. અમારો રિકવરી રેટ ૧૦૦% ટકા છે, કોઈ પણ ડેથ થઈ નથી. કારણકે ક્રિટિકલ દર્દીઓને સમયસર સિવિલ, સ્મીમેર કે અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. ૧૫૦ થી ૨૦૦ દર્દીઓને અત્યંત સુધી શિફ્ટ કરાયા છે. અત્યાર સુધી આશરે ૩૦૦૦ દર્દીઓ રિકવર થયા છે. દર્દીઓને દવાથી લઇને ઓક્સિજન આપવા માટેની મદદ કરાય છે. 


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઓક્સિજનની અછતના સમયે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઓક્સિજન ઓડિટ શરૂ કરાયું હતું તેવી જ રીતે સીસીઆઈસીમાં પણ ડોક્ટરોને ત્રણ ટીમ હતી, જે ઓક્સિજન ક્યાંથી બચાવી શકાય એ અંગે કામકાજ કરી રહી હતી. ખાસ કરીને સુરતના દર્દીઓએ સારવાર મેળવી છે. તેમજ સૌરાષ્ટ્ર, નવસારી, તાપી રીજનના પણ ઘણા દર્દીઓને સારવાર મેળવી છે. સાથે જ યુપી, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાંથી કામ અર્થે આવેલા દર્દીઓને પણ સારવાર અપાય છે. દર્દીઓને અને પોઝિટિવિટી મળી રહે તે માટે સ્ક્રીન પણ લગાડવામાં આવી હતી. જેમાં ધાર્મિક તેમજ અન્ય પ્રોગ્રામ બતાવામાં આવતા હતા. કેટલાક સેન્ટરોમાં યોગા તો કેટલાક સેન્ટરોમાં પુસ્તકો પણ આપવામાં આવ્યા હતા. અનેક વૃદ્ધો અને યુવાઓએ આઈસોલેશન સેન્ટરમાં રહીને કોરોનાને માત આપી છે.