કિંજલ મિશ્રા/અમદાવાદઃ ભાજપ યુવા મોરચાના મંત્રી રાહુલ સોની સામે હિપોલીનના પૂર્વ ડિરેક્ટરને બંદૂક બતાવી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે. યુવા મોરચાના મંત્રીએ ફરિયાદીના ઘરે જઈ તોડફોડ કરી અને બંદૂક બતાવી વ્યાજના પૈસા પરત આપવની માગ કરી હતી. જે  બાબતે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્યામલ ખાતે થોડા દિવસો પહેલા ફાયરિંગ કર્યાનો ખોટો મેસેજ કરી પોલીસને દોડતી કરનાર ભાજપ યુવા મોરચાના મંત્રી રાહુલ સોની સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાહુલ સોની સામે હિપોલીનના પૂર્વ ડિરેક્ટર વિવેક સુભાષભાઇ શાહએ ફરિયાદ નોંધાવી છે. ૨૦ મેના રોજ આરોપી રાહુલ સોની ફરિયાદીના ઘરે ગયો હતો અને બંદૂક બતાવી વ્યાજે આપેલા રૂપિયા પરત માગ્યા હતા.  જો નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે વિવેક શાહે  આનંદનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 


હિપોલીનના પૂર્વ ડિરેક્ટર વિવેક શાહે ભાજપ યુવા મોરચા મંત્રી રાહુલ સોની પાસેથી 80 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની ઉઘરાણી માટે રાહુલ અવાર નવાર વિવેક શાહને દબાણ કરતો હતો તથા 23મી મેંના રોજ પોતાના શ્યામલ પાસે આવેલા નિશાંત બંગલોમાં વિવેક શાહે તેના પર ફાયરિંગ કર્યું છે તેવી પોલીસ ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસ તપાસમાં ઘટના ખોટી સાબિત થઇ હતી. રાહુલ સોનીએ પોતેજ ફરિયાદી વિવેક શાહને ગન બતાવી હતી અને વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી હતી. જે બાબતે આનંદ નગર પોલીસે રાહુલ સોનીની ધરપકડ કરી હતી  અને જામીન પર મુક્ત કર્યો હતો. રાહુલની સાથે સાથે યુવા મોરચા સાથે સંકળાયેલા લોકો પણ સમાધાન કરાવવામાં અને મિલકતો પડાવવામાં હાજર હોવાનો પણ ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે.


હાલ તો સમગ્ર મામલે હિપોલીનના પૂર્વ ડિરેક્ટરની ફરિયાદ લઇ આનંદ નગર પોલીસે રાહુલ સોની સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.