અમદાવાદના આવા ડોક્ટરોથી ચેતજો, ઘરે સારવાર આપવાના બહાને તમને લૂંટી લેશે
- હોમ ક્વોરેન્ટાઈન રહેલા દર્દીઓને ખાનગી સારવાર કરાવનાર માટે ચેતવણી રૂપ કિસ્સો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી સામે આવ્યો
- પરિવારને શંકા જતા તેમણે ડોક્ટર પાસેથી તેમના તબીબ હોવાના પુરાવા માંગ્યા હતા. આખરે બોગસ તબીબનો ભાંડો ફૂટ્યો હતો
ઉદય રંજન/અમદાવાદ :કોરોનામાં તમામ તબીબો ભગવાન સમાન હોય છે. પણ આવામાં કેટલાક લોકો એવા પણ હોય છે જે આવા ભગવાનનું રૂપ લઈને લોકોને લૂંટવાનો ધંધો કરે છે. આવા લેભાગુ તબીબોથી બચીને રહેવુ જરૂરી છે. અમદાવાદમાંથી આવો ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં કોરોના પેશન્ટની સારવારના નામે લૂંટ ચલાવતો બોગસ તબીબ ઝડપાયો છે. જે દર્દીને ઘરે સારવાર આપવાના નામે ઠગાઈ કરતો હતો.
અમદાવાદમાંથી બોગસ ડોક્ટરની ટોળકી ઝડપાઈ છે. જે એક દિવસના 10 હજાર રૂપિયાનો ચાર્જ લઈ દર્દી સાથે દોઢ લાખની ઠગાઈ આચરી છે. ત્યારે આ ડોક્ટર બોગસ હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સાથે જ બોગસ તબીબ સાથે નર્સ તરીકે આવતી મહિલા ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હોવાનું ખૂલ્યુ છે. આમ હોમ ક્વોરેન્ટાઈન રહેલા દર્દીઓને ખાનગી સારવાર કરાવનાર માટે ચેતવણી રૂપ કિસ્સો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી સામે આવ્યો છે.
આ પણ વાંચો : મુખ્યમંત્રી રૂપાણીની સ્પીચ સાથે ચેડા કરનાર યુવક પકડાયો, મેકડોનાલ્ડવાળી મજાક કરી હતી
આ મામલે અમરાઈવાડી પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં જાણવા મળ્યું કે, ખોખરામાં રહેતા મેઘાબહેન સિરસાટના પતિ વિશાલભાઈ કોરોના પોઝિટિવ આવતાં તેમણે ઘરે સારવાર કરાવવાનું નક્કી કર્યું હતું. જેમાં પાડોશી મારફતે ડોક્ટર નરેન્દ્ર પંડ્યાનો સંપર્ક કર્યો હતો. ડોક્ટરની સાથે રીનાબેન નામની યુવતી તથા સાહિલ નામનો એક યુવક પણ આવતો હતો. જોકે 15 દિવસ સુધી સારવાર કરાવ્યા છતાં તબિયત બગડતી જતી હતી. આવામાં સિરસાટ પરિવારને શંકા જતા તેમણે ડોક્ટર પાસેથી તેમના તબીબ હોવાના પુરાવા માંગ્યા હતા. આખરે બોગસ તબીબનો ભાંડો ફૂટ્યો હતો.
મેઘાબહેન સિરસાટે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોઁધાવી છે. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, નરેન્દ્ર પંડ્યા ડોક્ટર નથી, પરંતુ ખાનગી હોસ્પિટલમાં કંમ્પાઉન્ડર છે તેની સાથે રીના નર્સ તરીકે કામ કરે છે. જ્યારે સોહિલ કોઈ તબીબી ડિગ્રી ધરાવતો નથી.