મોટો પ્લાન : બીજેપીના આ ભૂતપૂર્વ નેતાને કોંગ્રેસ કોઈપણ ભોગે કરવા માગે છે પોતાના પક્ષે
લોકસભાની ચૂંટણી મામલે કોંગ્રેસ સક્રિય થઈ છે
ગૌરવ પટેલ/અમદાવાદ : 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ હવે સક્રિય થઈ છે. તે ભાવનગરના દમદાર નેતા ડો. કનુભાઈ કલસરિયાનો કોઈપણ ભોગે પક્ષમાં સમાવેશ કરવા માગે છે અને આ માટેના ચક્રો ગતિમાન થઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે ખેડૂતોના નેતા ગણાતા કનુભાઈને મનાવવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે જેના પગલે કનુભાઈ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
ડો.કનુભાઈ કલસરિયા બીજેપીના પૂર્વ ધારાસભ્ય છે અને તેઓ 2014માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેઓ 2014માં કોગ્રેસમાં જોડાવાના હતા પણ તેમણે આમ આદમી પાર્ટી પસંદ કરી હતી. જોકે હવે 2019ની ચૂંટણી માટે કોંગ્રેસે ફરી તેમનો સંપર્ક કર્યો છે.
એક સમયે ડોક્ટર મિત્ર વલ્લભભાઇ કથીરિયા અને ડોક્ટર પ્રવીણ તોગડિયાના મિત્ર રહી ચૂકેલા કનુભાઇ કલસરિયાએ 1998માં બીજેપીમાં જોડાઈને રાજકારણમાં પ્રવેશવાની શરૃઆત કરી હતી. બીજેપીના મહુવાના આ ધારાસભ્યે પોતાના મતવિસ્તારમાં નિરમા સિમેન્ટ પ્લાન્ટ સામે પક્ષ અને સરકારની સામે પડીને એવું જનઆંદોલન ચલાવ્યું કે છેવટે એ પ્લાન્ટની મંજૂરી રદ્દ થઈ ગઈ. જોકે આખરે પક્ષ સાથે મતભેદો વધતા તેમણે બીજેપી છોડીને સદ્ભાવના મંચની જાહેરાત કરી હતી. આખરે તેઓ 2014માં આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા અને 2017માં અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી લડી હતી. હાલમાં તેઓ પર્યાવરણના મુદ્દાઓ માટે જાગૃતિનું કામ કરી રહ્યા છે.