નવસારીઃ ગુજરાતમાં 7 મેએ લોકસભાની ચૂંટણીમાં મતદાન થવાનું છે. મતદાન પહેલા દરેક ઉમેદવારો ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. ચૂંટણી દરમિયાન નવી-નવી સ્ટાઈલમાં પ્રચાર કરી ઉમેદવારો પોતાના તરફ જનતાનું ધ્યાન ખેંચતા હોય છે. ત્યારે નવસારીથી કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈ ગાંધી પહેરવેશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. નવસારીમાં નૈષધ દેસાઈ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ સામે મેદાનમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધી પહેરવેશમાં ન્યાયયાત્રા
કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈ ગાંધી પરિવેશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. તેમણે આજે નવસારીના રાજમાર્ગો પર ન્યાય યાત્રા યોજી પરિવર્તન માટે મતની માંગ કરી હતી. નવસારી લોકસભામાં કોંગ્રેસમાંથી નૈષધ દેસાઈ તો ભાજપમાંથી સીઆર પાટીલ ચૂંટણી લડી રહ્યાં છે. કોંગ્રેસના ઉમેદવાર ગાંધીવાદી માર્ગે લોકો પાસેથી મત માંગી રહ્યાં છે અને ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. 


આ પણ વાંચો- ગુજરાતમાં 25 વર્ષ બાદ મહિલા VS મહિલાનો મહામુકાબલો : ગેનીબેન ઠાકોર રચી શકે છે ઈતિહાસ


નવસારી લોકસભા બેઠક પર ભાજપના કદ્દાવર નેતા અને ઉમેદવાર સી. આર. પાટીલ સામે કોંગ્રેસે પોતાના પીઢ કાર્યકર નૈષધ દેસાઈને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. નૈષધ દેસાઈનું નામ જાહેર થતાની સાથે જ તેમણે ગાંધી પ્રવેશ ધારણ કરી, હાલની મોદી સરકાર સામે ન્યાય મેળવવા ગાંધી વિચારોને આધારે સત્યાગ્રહ કરી, ચૂંટણી લડવાનું મન બનાવ્યું છે. આજે નવસારી વિજલપોર શહેરમાં ફુવારા સ્થિત મહાત્મા ગાંધીજીને સુતરની આંટી પહેરાવી વંદન કર્યા હતા અને ત્યારબાદ પરિવર્તન માટે ન્યાય યાત્રા યોજી હતી. જે શહેરના રાજમાર્ગો સાથે નવસારીના મુખ્ય બજાર એવા મોટા બજારમાં પણ ફરી હતી. 


કોંગી ઉમેદવાર નૈષધ દેસાઈએ દુકાને દુકાને ફરી દુકાનદારો સાથે પરિવર્તન કરવા અને કોંગ્રેસની સરકાર બની, તો વેપારીઓ માટે મુશ્કેલી રૂપ સાબિત થયેલ જીએસટીને નાબૂદ કરવા માટેનો વાયદો કર્યો હતો. જ્યારે નૈષધ દેસાઈએ આ ન્યાય માટેની યાત્રા હોવાનું જણાવ્યું હતુ અને લોકો તેમને પરિવર્તન માટે મત આપશે એવી આશા પણ વ્યક્ત કરી હતી. બીજી તરફ કોંગ્રેસ જિલ્લા પ્રમુખે જીએસટીના કારણે વેપારીઓને ઘણું આર્થિક નુકસાન વેઠવા પડ્યું હતું. ત્યારે આ એમનો છેલ્લો પ્રયાસ છે કે વેપારીઓ જાગૃત થાય અને કોંગ્રેસને પરિવર્તન માટે મત આપે.