અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2022-23ના રૂ.8807 કરોડના બજેટને મંજૂરી આપવા આજે બજેટની સામાન્ય સભા બેઠક મળી હતી. બજેટ સત્ર દરમ્યાન વી.એસ હોસ્પિટલના બજેટની ચર્ચામાં વી.એસ હોસ્પિટલ વિશે શાસક પક્ષ દ્વારા સારી સારી વાતો અને સર્વશ્રેષ્ઠ સારવાર અપાતી હોવાનું વાસણાના કોર્પોરેટરે જણાવ્યું હતું. જોકે દરિયાપુરના કોંગ્રેસના જ કોર્પોરેટર સમીરા શેખ પોતાની માતાને વી.એસ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે તેમને બચાવી શક્યા નહોતા. આ વાતને યાદ કરી તેઓ સભામાં જ રડી પડ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના દરિયાપુરના કોર્પોરેટર સમીરા શેખે કહ્યું કે, વી.એસમાં યોગ્ય સારવાર ન મળી અને તેના કારણે મારી માતાતનું અવસાન થયું. પાંચ દિવસ પહેલા જ મારી માતાનું અવસાન થયું છે. આટલું કહેતા કહેતા જ કોર્પોરેટર સમીરા શેખ ચોધાર આંસુએ રડી પડ્યાં હતા. જેના પગલે સભાગૃહમાં થોડીવાર માટે ગમગીની છવાઈ હતી. અને વી.એસની વાહવાહી કરનાર શાસક પક્ષ અને તેના કોર્પોરેટર ખાસીયાણા પડી ગયા હતા. કોંગ્રેસના તમામ કોર્પોરેટરોએ તેઓને સાંત્વના આપી હતી. 


કોર્પોરેટર સમીરા શેખે જણાવ્યું કે, પાંચેક દિવસ પહેલા તેમના માતાની તબિયત બગડતાં ડાયાલીસીસ કરાવવાનું હતું. જેથી તેઓને સારવાર માટે SVP હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે SVP હોસ્પિટલમાં માં કાર્ડ ચાલતું નહી હોવાના કારણે સારવારનો ઇન્કાર કરી દીધો હતો. જેથી  તેઓને VS હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં ડોકટરોએ ડાયાલિસિસ ન થઈ શક્તું હોવાથી SVPમાં જ લઈ જવાનું કહ્યું હતું અને આ રીતે સારવાર ન મળતાં તેઓ મૃત્યુ પામ્યા હતા.