ગુજરાત કોંગ્રેસના નેતાઓએ અહેમદ પટેલના નિધન પર કહ્યું, અમે મોભી અને માર્ગદર્શક ગુમાવ્યા
- સવારે 10 વાગ્યે તેમનો કોરોના રિપોર્ટ આવશે, જેના બાદ તેમની દફનવિધિનો નિર્ણય લેવાશે. જો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવશે તો દિલ્હીમાં દફનવિધી કરાશે, અને રિપોર્ટ નેગેટિવ આવશે તો પૈતૃક ગામ પીરામણ લવાશે
ઝી મીડિયા/બ્યૂરો :અહેમદ પટેલ (Ahmed Patel) ના નિધનથી રાજનીતિએ લોકનેતા ગુમાવ્યા છે. જેઓને મળવા માટે ક્યારેય એપોઈન્ટમેન્ટની જરૂર ન પડતી તેવા દિગ્ગજ નેતાને આજે કોંગ્રેસે ગુમાવ્યા છે. ત્યારે કોરોનાગ્રસ્ત આ નેતાના નિધન કોરોનાનો રિપોર્ટ કાઢવામા આવ્યો છે. સવારે 10 વાગ્યે તેમનો કોરોના રિપોર્ટ આવશે, જેના બાદ તેમની દફનવિધિનો નિર્ણય લેવાશે. જો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવશે તો દિલ્હીમાં દફનવિધી કરાશે, અને રિપોર્ટ નેગેટિવ આવશે તો પૈતૃક ગામ પીરામણ લવાશે. રિપોર્ટ નેગેટિવ આવશે તો દિલ્હીથી ચાર્ટડ પ્લેન દ્વારા તેમના મૃતદેહને વડોદરા લવાશે. વડોદરાથી અંકલેશ્વરના પિરામણ ગામે મૃતદેહને લઇ જવાશે. તેમના નિધનના સમાચાર સાંભળ્યા બાદ તેમના ઘરે ધીરે ધીરે કાર્યકરો અને સ્થાનિક લોકો ભેગા થઈ રહ્યા છે.
આ પણ વાંચો : કરફ્યૂ અને લોકડાઉનને લઈને ગુજરાત સરકારનું મોટું નિવેદન
વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલિ આપી
સીએમ વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલિ આપતી ટ્વીટ કરી કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શ્રી અહેમદભાઈ પટેલના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા અને તેમના સામાજીક કાર્યો હંમેશા યાદ રહેશે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ
વતન પીરામણમાં માતાપિતાની કબરની બાજુમાં અહેમદ પટેલની દફનવિધિ કરાશે
દરેક દુખોની દવા અહેમદ પટેલ હતા - શંકરસિંહ વાઘેલા
શંકરસિંહ વાઘેલાએ અહેમદ પટેલ વિશે કહ્યું કે, 42 વર્ષથી મારે તેમની જોડે સંબંધ હતો. તેઓ મારા જૂના મિત્ર હતા. જે માણસ આખી જિંદગી પાર્ટી માટે અને પાર્ટીના કાર્યકર્તાઓ માટે જીવ્યા, કોંગ્રેસને કોઈ તકલીફ પડે તો માણસ પડખે ઉભો રહ્યો અને પાર્ટીની ગાડી પાટા પર લઈ જાય એવું વ્યક્તિત્વ તેમન હતું. તેમના નિધનથી ન પૂરાય એવી ખોટ પડી છે. પબ્લિક લાઇફમાં પડ્યા પછી પણ સત્તાથી વિમુખ રહી શકે એવા માણસ હતા. કોઈ હોદ્દો માટે ક્યારેય કોઇ ઇચ્છા વ્યક્ત નથી કરી એવા અહેમદ પટેલના દુખદ અવસાનથી ઘેરા શોકની લાગણી વ્યક્ત થાય છે. 1978થી અમે બંને લોકસભાના સાંસદ હતા ત્યારથી અમારે ખૂબ અંગત સંબંધો હતા. દરેક દુઃખોની દવા એટલે અહેમદ પટેલ હતા.
તેમના નિધનથી ગુજરાતને મોટી ખોટ પડશે - સીઆર પાટીલ
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે શોક વ્યક્ત કરતા કહ્યું કે, નાના ગામમાંથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરીને દિલ્હીમાં મહત્વના પદ સુધી પહોંચીને તેમણે તેમની કાબેલિયત સાબિત કરી હતી. કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે ગુજરાતને ઘણા લાભ આપવાના સફળ પ્રયત્નો કર્યા હતા. પોતાના વિસ્તારમાં બાબુભાઈના નામે જાણીતા હતા. તેમના દુઃખદ અવસાનથી કોંગ્રેસને મોટી ખોટ પડવાની છે. તેમના અવસાનથી ગુજરાતને પણ મોટી ખોટ પડશે.
આ પણ વાંચો : Ahmed Patel નું નિધન : પીએમ મોદીથી લઈને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કરતા કહ્યું કે....
ભરતસિંહ સોલંકીએ કહ્યું કે...
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, વર્ષોથી તેઓએ કોંગ્રેસને મજબૂત અને એક કરવા પ્રયત્નો કર્યા છે. જ્યારે પણ મુશ્કેલી આવી તેના ઉકેલ અને રસ્તો કાઢવા કુશળતાપૂર્વક કામ કર્યું છે. કોંગ્રેસ અન દેશને આજે મોટી ખોટ પડી છે. કાર્યકરોને પણ મોટી ખોટ પડી છે. હું જ્યારે કોવિડમાં સારવારમાં હતો, ત્યારે મદદ કરવામા, મને પ્રોત્સાહિત કરવામાં સતત કાળજી લીધી. કોંગ્રેસને આગળ વધારવામાં તેઓનો મોટો ફાળો રહ્યો છે.
આ પણ વાંચો : કોંગ્રેસે ચાણક્ય ગુમાવ્યા... હવે કોણ બનશે પાર્ટી માટે Ahmed Patel જેવા કિંગમેકર?
હાર્દિક પટેલે શ્રદ્ધાંજલિ આપી
તો ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને અમારા નવયુવાનોના માર્ગદર્શક અહેમદ પટેલનું નિધન થયું છે. દિવંગત આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું. અહેમદભાઈએ મને સામાજિક, રાજકીય અને વૈચારિક રૂપથી મજબૂત બનાવવાનું કામ કર્યું હતું. ગુજરાતની જનતાના તેઓ હમદર્દ હતા. જ્યારે પણ હું દિલ્હી તેમને મળવા જતો તો મને જમ્યા વગર મોકલતા નહિ. વાયદા અને મિત્રતા નિભવનાર વ્યક્તિનું અચાનક જતા રહેવું આપણા સૌ માટે દુખદાયક છે. તેમના પરિવારને ભગવાન હિંમત આપે.
તો કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી નિશિત વ્યાસે કહ્યું ક, પરિવારના મોભી ગુમાવ્યા હોય તેવી લાગણી થાય છે. તેઓ સતત નાનામાં નાના કાર્યકરની ચિંતા કરનાર નેતા હતા. તો કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમ્મરે પણ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, અહેમદભાઈ જેવા નેતા કોંગ્રેસને મળવા કઠિન છે. દેશે એક સંનિષ્ઠ નેતા ગુમાવ્યા છે. ગુજરાત કોંગ્રેસને મોટું નુકસાન થયું છે.