વિધાનસભામાં જીતુ વાઘાણીની અનામત મુદ્દે ટિપ્પણીથી થયો ભારે હોબાળો
જીતુ વાઘાણીએ કહ્યું કે, કોંગ્રેસ અનામતના નામે લોકોને ગેરમાર્ગે દોરી રહી છે, આટલું કહેતાં જ કોંગ્રેસીઓએ મચાવ્યો જોરદાર હોબાળો, અધ્યક્ષે દરમિયાનગિરી કરીને વિરોધ પક્ષના ધારાસભ્યોને શાંત પાડવામાં આવ્યા
ગાંધીનગરઃ વિધાનસભામાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. બીજા દિવસે સવારે કોંગ્રેસના ધારાસભ્યો મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં એમએલએ નિવાસથી વિધાનસભા સુધી સાઈકલ ચલાવીને વિધાનસભા પર પહોંચ્યા હતા. વિધાનસભા સત્ર દરમિયાન ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા અનામત મુદ્દે કરવામાં આવેલી ટિપ્પણીથી વિરોધ પક્ષના ધારાસભ્યો લાલઘુમ થઈ ગયા હતા અને તેમણે ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો. જેના કારણે થોડા સમય માટે વિધાનસભાની કાર્યવાહી અટકાવવી પડી હતી.
વિધાનસભામાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન ભાજપના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ એવા જીતુ વાઘાણીએ ગૃહમાં જણાવ્યું કે, કેટલાક લોકો અનામતના નામે આંદોલન ચલાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ખોટી રીતે અનામતની માગણી કરી રહ્યા છે.
જીતુ વાઘાણી દ્વારા આવું નિવેદન કરવાની સાથે જ કોંગ્રેસના તમામ ધારાસભ્યો પોતાની જગ્યા પર ઊભા થઈ ગયા હતા અને ગૃહમાં બુમાબુમ મચાવી દીધી હતી. કોંગ્રેસના ધારાસભ્યો તેમની જગ્યાએ ઊભા થઈ જતાં ભાજપના ધારાસભ્યો પણ જીતુ વાઘાણીના સમર્થનમાં ઊભા થઈને વિરોધ પક્ષના ધારાસભ્યો સામે આક્ષેપબાજી કરવા લાગ્યા હતા. જેના કારણે થોડા સમય માટે ગૃહનું વાતાવરણ ગરમાઈ ગયું હતું.
ગૃહનું કામકાજ થોડા સમય માટે ખોરવાઈ ગયું હતું. ગૃહમાં મોટો હોબાળો થઈ જતાં અધ્યક્ષને દરમિયાનગીરી કરવી પડી હતી. તેમના દ્વારા વિરોધ પક્ષના ધારાસભ્યોને શાંત કરાયા બાદ ગૃહનું કામકાજ ફરીથી શરૂ થયું હતું.
જીતુ વાઘાણીના નિવેદન મુદ્દે કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે જણાવ્યું કે, હાર્દિક પટેલે ઉપવાસ માટે સરકાર પાસે મંજૂરી માગી હતી, પરંતુ ભાજપ સરકારે મંજુરી આપી ન હતી. હવે, કૉંગ્રેસ પક્ષ પર ખોટી ટીકા કરવામાં આવી રહી છે. રાજ્યમાં કોઈ પણ વ્યક્તી સાચી લડત લડતો હશે તો કૉંગ્રેસ પક્ષ તેની પડખે ઉભો રહેશે.