ઉપવાસ પર ઉતરેલા હાર્દિકના સમર્થનમાં કોંગ્રેસે યોજી રામધૂન
પવાસ પર ઉતરેલા હાર્દિકના સમર્થનમાં કોંગ્રેસે વૈષ્ણોદેવી ખાતે આવેલા હનુમાન મંદિરમાં રામધૂનનું આયોજન કર્યું હતું.
મૌલિક ધામેચા, અમદાવાદ: આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલના ઉપવાસનો આજે સાતમો દિવસ છે. આજે હાર્દિક પટેલની મુલાકાત લેવા કોંગ્રેસના કનુભાઈ કળસરિયા આવી પહોચ્યા હતા. કનુભાઈએ હાર્દિકની તબિયતની જાત તપાસ કરી હતી. મુલાકાત બાદ કનુભાઈએ પોલીસ બંદોબસ્તને લઈને રોષ પણ પ્રગટ કર્યો હતો. કનુભાઈએ જણાવ્યું હતું કે જે રીતે બંદોબસ્ત ગોઠવાયો છે તે લોકશાહીનું હનન જ કહી શકાય. બીજી બાજુ હાર્દિકનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે કોંગ્રેસ દ્વારા રામધૂનનું પણ આયોજન કરાયું. જેમાં અનેક કોગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતાં.
ઉપવાસ પર ઉતરેલા હાર્દિકના સમર્થનમાં કોંગ્રેસે વૈષ્ણોદેવી ખાતે આવેલા હનુમાન મંદિરમાં રામધૂનનું આયોજન કર્યું હતું. કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયા સહિત કોંગ્રેસના નેતાઓએ રામધૂન યોજી હતી. બદરૂદ્દીન શેખ અને ધારાસભ્ય ઈમરાન ખેડાવાળા પણ રામધૂનમાં જોડાયા હતાં. હાર્દિકનું સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર ઉતરેલો છે. તેના ઉપવાસનો આજે સાતમો દિવસ છે. મેડીકલ ચેકઅપમાં હાર્દિકના બ્લડ અને યુરિનના સેમ્પલ લેવા જરૂરી છે એમ ડોક્ટરોએ જણાવ્યું પરંતુ હાર્દિક તેની ના પાડે છે. ગઈ કાલ કરતા હાર્દિકના વજનમાં 700 ગ્રામનો તફાવત આવ્યો છે. હાલ હાર્દિકનું વજન 71.9 છે. હાર્દિકને હોસ્પિટલાઈઝ થવાની પણ સલાહ અપાઈ છે. ડોક્ટરોના કહેવા મુજબ હાર્દિકના પેટમાં લિકવિડ અને અનાજ જવું જરૂરી છે. પાણી બંધ થવાથી શ્વાસ અને હ્રદયના ધબકારામાં પણ ફેરફાર આવે.
હાર્દિક પટેલના વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસમાં સમર્થન માટે આજે નીચેના નેતાઓ કરશે મુલાકાત
બપોરે 2.30 વાગે ગુજરાત યુથ કોંગ્રેસના ડેલિગેશન તરીકે ગુલાબસિંહ રાજપૂત (પ્રમુખ ગુજરાત યુવક કોંગ્રેસ)
મનિષા પરીખ (ઉપપ્રમુખ ગુજરાત યુવક કોંગ્રેસ)
પાર્થિવરાજસિંહ કઠવાડિયા (મહામંક્ષી ગુજરાત યુવક કોંગ્રેસ)
પુનિત શર્મા (મહામંત્રી ગુજરાત યુવક કોંગ્રેસ
દેવર્ષી શાહ (મહામંત્રી ગુજરાત યુવક કોંગ્રેસ)
આ ઉપરાંત આ અગાઉ અર્જૂન મોઢવાડિયા (પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ) ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર, હિંમતસિંહ પટેલ પણ મુલાકાતે આવ્યાં હતાં.