રાજીનામાં આપનાર 5 ધારાસભ્યોને કોંગ્રેસે કર્યાં સસ્પેન્ડ, વિધાનસભા થઈ ખંડિત
રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્યોના રાજીનામાં આપવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. અત્યાર સુધી પાંચ ધારાસભ્યો રાજીનામાં આપી ચુક્યા છે.
ગાંધીનગરઃ રાજ્યમાં ચાર સીટો પર રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ આ પહેલા એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી વિધાનસભાના અધ્યક્ષે પાંચ કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાંનો સ્વીકાર કરી લીધો છે. જેમાં ગઢડાના ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા, લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલ અને ડાંગના ધારાસભ્ય મંગળભાઈ ગાવિતનો સમાવેશ થાય છે. હવે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ પાંચેય નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાં છે.
કોંગ્રેસે પક્ષમાંથી કર્યાં સસ્પેન્ડ
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સોમાભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, જેવી કાકડિયા, પ્રવિણભાઈ મારૂ, મંગળભાઈ ગાવિતને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસે પોતાની અખબારી યાદીમાં જણાવ્યું કે, તમે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલા સભ્ય છો. હાલમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે તમે રાજીનામાં આપીને પક્ષની અવહેલના કરી છે. જેથી તાત્કાલિક અસરથી આ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અબડાસાના ધારાસભ્યે પ્રદ્યુમનસિંહ જાડેજાએ આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ...
ગુજરાત વિધાનસભામાં 5 સીટો ખાલી
કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપતા વિધાનસભા ભરી ખંડિત થઈ છે. હાલ વિધાનસભાની પાંચ સીટો ખાલી છે. વિધાનસભા સચિવાલય દ્વારા તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગઢડા, અબડાસા, દારી અને લીંબડીના ધારાસભ્યોએ 14 માર્ચે અને ડાંગના ધારાસભ્યએ 15 માર્ચે રાજીનામાં આપ્યા હતા. આ તમામના રાજીનામાં વિધાનસભા અધ્યક્ષ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...