અબડાસાના ધારાસભ્યે પ્રદ્યુમનસિંહ જાડેજાએ આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ...
ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર સીટોને લઈ રાજકારણ ગરમાયું છે. તેવામાં તમામ અટકળોને અંતે રાજ્યના પ્રથમ અબડાસા મતવિસ્તારના ધારાસભ્યે સત્તાવાર રાજીનામું ધરી દીધું છે, જેને લઈને અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર, કચ્છ: કચ્છના અબડાસા મતવિસ્તારમાં વિકાસના કામો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાતરી આપતા પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામું આપી દીધું છે. વિકાસના કામની ખાતરી મળતા ધારાસભ્ય રાજીનામુ આપે તેવી વાતથી તર્ક વિતર્કો વહેતા થયા છે.
ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર સીટોને લઈ રાજકારણ ગરમાયું છે. તેવામાં તમામ અટકળોને અંતે રાજ્યના પ્રથમ અબડાસા મતવિસ્તારના ધારાસભ્યે સત્તાવાર રાજીનામું ધરી દીધું છે, જેને લઈને અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા. જેના અનુસંધાને અબડાસાના પૂર્વ ધારાસભ્યે અટકળોનો અંત લાવી રાજીનામાં પાછળના કારણો સ્પષ્ટ કર્યા છે. તેઓના જણાવ્યા અનુસાર રાજીનામાં પાછળ ન કોઈ આંતરિક ખટરાગ કે ન કોઈ નાણાંકિય વ્યવહાર પરંતુ પોતાના મત વિસ્તારનો સર્વાંગી વિકાસ તે એક માત્ર હેતુને પ્રાથમિકતા આપી છે.
અબડાસામાં નર્મદાનું પાણી મળી રહે, નખત્રાણાની જીએમડીસી કોલેજને ગ્રાન્ટેડ કોલેજનો દરજ્જો મળી રહે, અબડાસા વિસ્તારના અનેક ઘર અને મકાનો જે વર્ષોથી નોંધણી વગરના છે. તેની કાયદેસર આકારણી કરવામાં આવે, બહારથી આવેલી અને અબડાસા તેમજ આસપાસના વિસ્તારોમાં સ્થપાયેલી કંપનીઓમાં સ્થાનિક બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે, પાછલા લાંબા સમયથી ગંભીર બની રહેલો ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા નખત્રાણા પાસે બાયપાસ રોડ બને આ તમામ મુદ્દાને ધ્યાનમાં લઈને સરકારે ઉકેલની ખાતરી આપતા રાજીનામું આપ્યું છે. અબડાસા મતવિસ્તારના અબડાસા,લખપત અને નખત્રાણાની જનતાના વિકાસને ધ્યાને રાખી નીંર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.
Live TV:-
અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ જવાની વાત કરી છે. બે દિવસની ચર્ચાઓના દોર વચ્ચે પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ભુજમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. ચાલુ પત્રકાર પરિષદમાં ટેબલ પર બંગડીઓ મૂકી વિરોધ નોંધાવી કોંગ્રેસના મહિલા કાર્યકરોએ સુત્રોચાર પોકાર્યા હતા. આ સાથે અબડાસાની જનતાના ગદ્દાર નેતા સાથે સરખામણી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે