ક્યાંક રિપીટ, ક્યાંક નો રિપીટ, તો ક્યાંક નેતા પુત્ર... કકળાટ વચ્ચે કોંગ્રેસની યાદીમાં થઈ મોટી નવાજૂની
- અમદાવાદ મહાનગર પાલિકા માટે નો રિપીટ થિયરી અપનાવી
- ગુજરાત કોંગ્રેસની ભાવનગર મહાનગર પાલિકામાં રિપીટ થીયરી જોવા મળી
- વડોદરામાં કોંગ્રેસે વર્તમાન 14 માંથી 11 કોર્પોરેટરને ફરી ટિકિટ આપી
ઝી મીડિયા/બ્યૂરો :ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં જ કોંગ્રેસમાં ભારે અસંતોષ અને અરાજકતા જોવા મળી. કોંગ્રેસ પ્રવેશ મોવડીઓ ઉમેદવારોના નામ પર સમયસર મહોર મારી ન શક્યા, જેને પગલે ઉમેદવારોની છેલ્લા સમયે દોડાદોડી થઈ. તો બીજી તરફ, અનેક કાર્યકર્તા રોષે ભરાયા. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની યાદી પર એક નજર કરીએ તો સ્પષ્ટ દેખાય છે કે ગુજરાત કોંગ્રેસે અનેક મહાનગરપાલિકામાં રિપીટ થિયરી અપનાવી છે. તો અનેક મહાનગરપાલિકામાં રિપીટ થિયરી પર કોંગ્રેસે કામ કર્યું છે.
આ પણ વાંચો : કોંગ્રેસ vs પાટીદારની લડાઈ આરપારની બની, સુરતમાં મોડી રાત્રે PAASની બેઠકમાં કંઈક મોટું રંધાયું
કોંગ્રેસની અમદાવાદ મહાનગર પાલિકા માટે નો રિપીટ થિયરી અપનાવી છે. અમદાવાદ કોંગ્રેસમાં વર્તમાન 48 પૈકી 20 કોર્પોર્ટરના પત્તા કપાયા છે. જેમાં 4 કોંગી નેતાના વોર્ડ બદલાયા છે. જેમાં શાહનવાજને જમાલપુરથી ખાડિયા, દિનેશ શર્માને ઇન્ડિયા કોલોનીથી ચાંદખેડા, મોના પ્રજાપતિને દરિયાપુરથી શાહપુર અને રઝીયાબાનુ સૈયદને જમાલપુરથી ખાડિયામાં ટ્રાન્સફર કર્યાં છે. તો બીજી તરફ, કોંગ્રેસે ચાર નેતા પુત્રોને ટિકિટ આપી છે. દરિયાપુરમાં સુરેન્દ્ર બક્ષીના પુત્ર નીરવ બક્ષીને ટિકિટ આપી. તૌફીક ખાન પઠાણના પુત્ર ઝુલ્ફીખાન પઠાણને ટિકિટ આપી છે. ધારાસભ્ય લાખાભાઈ ભરવાડના પુત્ર મેહુલ ભરવાડેન ટિકિટ આપી. તો કોર્પોરેટર બળદેવ દેસાઈના પુત્ર વિજય દેસાઈની ટિકિટ આપી છે.
આ પણ વાંચો : આજે અમિત શાહ ગુજરાતમાં, ચૂંટણી પહેલા ઉમેદવારો અને કાર્યકર્તાઓને બળ આપશે
તો બીજી તરફ, ગુજરાત કોંગ્રેસની ભાવનગર મહાનગર પાલિકામાં રિપીટ થીયરી જોવા મળી છે. વર્તમાન 18 પૈકી 8 કોર્પોર્ટરના પત્તા કપાયા છે. તો 10 રિપીટ થયા છે. 1 કોંગી નેતાનો વોર્ડ બદલાયો છે. ચિત્રા ફુલસર વોર્ડ 1 ના પૂર્વ કોર્પોરેટર અરવિંદ પરમારને કુંભારવાડા વોર્ડ 2 માં ટિકિટ આપી છે. કોંગ્રેસે 1 નેતા પુત્રને પણ ટિકિટ આપી છે. કુંભારવાડા વોર્ડ 2 માં કોંગ્રેસે આકાશ ચુડાસમાને ટિકિટ આપી છે. આકાશ ચૂડાસમા એ કુંભારવાડાના પૂર્વ કોર્પોરેટર અને ફોન પર લાંચ માંગવા માટે વિવાદમાં આવેલા ઘનશ્યામ ચુડાસમાનો પુત્ર છે.
આ પણ વાંચો : કચ્છ પોલીસની કસ્ટડીમાં 2 યુવકોનું મોત થતા ગઢવી સમાજ રોષે ભરાયો
ગુજરાત કોંગ્રેસની વડોદરા કોર્પોરેશન માટે રિપીટ થીયરી અપનાવી છે. વર્તમાન 14 માંથી 11 કોર્પોરેટરને ફરી ટિકિટ આપી છે. વડોદરામાં કોંગ્રેસ 2 કોર્પોરેટરના વોર્ડ બદલ્યા છે. અતુલ પટેલને વોર્ડ 1 ના બદલે વોર્ડ 2માં ટિકિટ આપી છે. તો હેમાંગીની કોલ્હેકરને વોર્ડ 16 ના બદલે વોર્ડ 14 માં ટિકિટ આપી છે. વોર્ડ 6 ના કોંગ્રેસ કોર્પોરેટર ફરીદ કટપીસવાલાએ સામેથી ચૂંટણી લડવાની ના પાડી હતી. તો કોંગ્રેસે બે નેતાઓના પુત્રોને ટિકિટ આપી છે. જેમાં વડોદરા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિનુ પટેલના પુત્ર સંદીપ પટેલને વોર્ડ 3માં ટિકિટ આપી. તેમજ કોંગી નેતા ગુણવંત પરમારના પુત્ર કિરણ કાપડિયાને વોર્ડ 5માં ટિકિટ આપી છે.