ગુજરાતમાં કોંગ્રેસ 12 સીટો જીતશે, ધોળા દહાડે આ કોંગ્રેસી નેતા જોઈ રહ્યાં છે સપનાં
Loksabha Election 2024: ગુજરાતમાં 7 મેએ લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની તમામ 26 સીટો પાંચ લાખ કરતા વધુ મતથી જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. આ વચ્ચે કોંગ્રેસના મોટા નેતા અમિત ચાવડાએ પણ દાવો કર્યો કે તેમની પાર્ટી આ વખતે 12 સીટ જીતશે.
અમદાવાદઃ ગુજરાતમાં ભાજપ 26માંથી 26 લોકસભા સીટો એ પણ 5 લાખની લીડથી જીતવા માટે કમરકસી રહી છે ત્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડા ધોળે દહાડે સપનાં જોઈ રહ્યાં છે. આજે કોંગ્રેસી નેતાએ કહ્યું છે કે કોંગ્રેસ સત્તામાં આવી રહી છે અને ગુજરાતમાં 26માંથી કોંગ્રેસ 12 સીટ જીતી રહી છે. કડવી વાસ્તવિકતા એ છે કે, કોંગ્રેસ હજુ સુધી 7 ઉમેદવાર જ જાહેર કરી શકી છે. ભાજપે 22 ઉમેદવાર જાહેર કર્યા છે અને 4 બેઠક પર કોંકડું ગૂચવાયું છે. ભાજપનો વોટશેર સતત વધતો જાય છે. 2004 અને 2009ની લોકસભા સમયે ભાજપ અને કોંગ્રેસના વોટશેરમાં વધારે તફાવત નહોતો પણ મોદી 2014માં દિલ્હી ગયા બાદ આ વોટશેરમાં સતત વધારો થયો છે. આજે પણ 33 ટકા ગુજરાતીઓ કોંગ્રેસને મત આપે છે પણ સંગઠનના ઠેકાણા ન ધરાવતી કોંગ્રેસ આ મતબેંકને સીટમાં ફેરવી શકતી નથી એટલે છેલ્લી 2 લોકસભા ચૂંટણીમાં ભાજપે 26માંથી 26 બેઠકો જીતી છે. કોંગ્રેસના ઉમેદવારો 5-5 લાખની લીડથી હાર્યા છે. ગુજરાતમાં સરકાર અને સંગઠન પર પક્કડ ધરાવતી ભાજપને હરાવવું મુશ્કેલ છે પણ કેટલીક સીટો પર દબદબો ધરાવતી કોંગ્રેસે પગ પર કુહાડો ફટકાર્યો છે. કેટલાક નેતાઓએ સત્તાની લાલચમાં પદ ન છોડતાં કોંગ્રેસ માટે મરણિયો પ્રયાસ કરનાર નેતાઓ કોંગ્રેસ છોડીને જતા રહ્યાં છે. છેલ્લા 2 દાયકામાં 100થી વધારે નેતાઓ ભાજપમાં જોડાયા છે. ગુજરાતમાં કોંગ્રેસ પાસે સક્ષમ ઉમેદવારો નથી ત્યાં અમિત ચાવડા દિન દહાડે જીતનાં સપનાં જોઈ રહ્યાં છે.
ભાજપ જીતે એના કારણો છે. કોંગ્રેસ પાસે હાલમાં એવો કોઈ નેતા નથી જેના પર ભરોસો મૂકી ગુજરાતી પ્રજા કોંગ્રેસને વોટ આપે... ગુજરાતમાં કોંગ્રેસને આકરા પડકારનો સામનો કરવો પડે છે ત્યાં પણ પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવાનું ટાળી રહ્યા છે. આ યાદીમાં પહેલું નામ ભરતસિંહ સોલંકીનું છે અને ત્યારપછી બીજુ નામ પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું છે. બંને નેતાઓ ચૂંટણી લડવા માંગતા નથી. ગુજરાતમાં વિધાનસભા પક્ષના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પણ ચૂંટણી લડવામાં રસ નથી. પૂર્વ સીએમના પુત્ર તુષાર ચૌધરીની પણ આવી જ હાલત છે. જેને પગલે પક્ષને લોકસભા માટે ઉમેદવાર મળી રહ્યાં નથી. વર્ષોથી કોંગ્રેસમાં ચીટકીને બેઠેલા નેતાઓને ડર છે કે હારીશું તો પાર્ટીમાં હાલમાં રહેલો મોભો ઓછો થશે. નહીં લડીએ તો ખુલાસા કરવાનો તો મોકો મળશે. હવે આણંદથી અમિત ચાવડા લડે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ચૂંટણીમાં લડવાને બદલે કોંગ્રેસ નેતાઓએ પહેલેથી જ હાર સ્વીકારી લીધી છે.
ગુજરાતમાં હેટ્રીક ફટકારવાના ભાજપનાં સપનાં પણ આ પડકારો ભાજપને અપાવી શકે છે ટેન્શન
છેલ્લી ચાર ચૂંટણીમાં બંને પક્ષોનો વોટ શેર-
લોકસભા ચૂંટણી કોંગ્રેસ વોટ ટકાવારી ભાજપ વોટ ટકાવારી
2004 43.9 47.4
2009 43.4% 46.5
2014 32.9% 59.1%
2019 32.11% 62.21%
ગુજરાતમાં કોંગ્રેસની ખરાબ સ્થિતિ છે એવું પણ નથી લોકસભામાં કોંગ્રેસને 33 ટકા ગુજરાતીઓ મત આપે છે. 2004 અને 2009ની સ્થિતિ જોઈએ તો કોંગ્રેસને 43 ટકા મત મળતા હતા. કોંગ્રેસની વોટબેંક સતત ઘટતી ગઈ છે અને ભાજપે મોદી દિલ્હીમાં પીએમ બન્યા બાદ પોતાની વોટબેંકને વધારી છે. ભાજપ સંગઠન અને સરકારે મતબેંકમાં વધારો કરવા માટે મહેનત કરી છે. સામે કોંગ્રેસનો વોટશેર 2 દાયકામાં 10 ટકા ઘટ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ એના અસ્તિત્વ સામે ઝઝૂમી રહી છે. એવું પણ નથી ગુજરાતમાં સત્તા વિરોધી લહેર નથી પણ ગુજરાતીઓ પાસે વિકલ્પ નથી.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે આ મામલે વિરોધ કરવાની તક છે પણ કોંગ્રેસ આ પડકારોને કઈ રીતે સરકાર સામે લોકો સમક્ષ લઈ જઈ શકે એ તો આગામી સમય જ બતાવશે પણ હાલમાં તમામ સરવે કહી રહ્યાં છે કે કોંગ્રેસ ભૂંડી રીતે હારી રહી છે અને ભાજપ ત્રીજીવાર હેટ્રીક મારવામાં સફળ રહેશે.
આ પણ વાંચોઃ વડોદરામાં જ્યોતિ પંડ્યા બાદ પણ આ નેતાએ ખોલ્યો મોરચો, રંજન ભટ્ટની મુશ્કેલીઓ વધશે
સત્તાવિરોધી ભાવના : રાજકીય જાણકારોનું માનવું છે કે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ, કેન્દ્રમાં ભાજપના છેલ્લા 10 વર્ષના શાસન દરમિયાનની સત્તા વિરોધી લહેરનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. તેને લાગે છે કે વિચારધારાના આધાર પર મત ન આપનાર લોકોને યોગ્ય વિકલ્પ રજૂ કરી વિપક્ષ દ્વારા પ્રભાવિત કરી શકાય છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે આ કોંગ્રેસ માટે એક મોટી તક હોઈ શકે છે.
મોંઘવારી : મોંઘવારીના પ્રભાવના સંદર્ભમાં ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારો સૌથી વધુ પ્રભાવિત થાય છે. તેથી મોંઘવારી આ ચૂંટણીમાં એક પરિબળ હોઈ શકે છે કે છેલ્લા 10 વર્ષમાં ભાવ વધારાએ કઈ રીતે લોકોના જીવનને પ્રભાવિત કર્યું છે. આ મુદ્દાને લઈને વિપક્ષ સતત મોદી સરકાર પર નિશાન સાધી રહ્યો છે.
આ પણ વાંચોઃ ક્યારે આવશે કોંગ્રેસ અને ભાજપનું નવું લિસ્ટ? રેસમાં ચાલી રહ્યાં છે આ નામો
બેરોજગારી : આ એક મુદ્દો એવો છે જેનો ઉપયોગ કોંગ્રેસ સતત કેન્દ્ર સરકાર પર હુમલો કરવા માટે કરી રહી છે. કારણ કે આ મુદ્દો સીધી રીતે સામાન્ય લોકોના જીવનને અસર કરે છે, તેથી મતદાતા જ્યારે પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે તો તેના મનમાં આ વાત સૌથી ઊપર હશે.
ખેડૂતોના મુદ્દો : રાજકીય જાણકારોનું કહેવું છે કે વધુ વરસાદને કારણે પાકને નુકસાન માટે યોગ્ય વળતરની કમી, ખાતરની અછત અને પરિયોજનાના વિકાસ માટે જમીન અધિગ્રહણ જેવા મુદ્દા પણ મતદારોને પ્રભાવિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.