બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાતના થિયેટર અને મલ્ટીપ્લેક્સ (multiplex) માં હવેથી ખાણીપીણીની વસ્તુઓ લઈ જઈ શકાય છે. ખાણીપીણીની વસ્તુઓ થિયેટરમાં ન લઈ જવા દેવાય તો ફરિયાદ કરી શકાશે. આ મામલે હવે ગ્રાહકો કલેક્ટર સ્તરે ફરિયાદ કરી શકે છે. ગ્રાહકો આ મામલે કેન્દ્રીય સત્તામંડળ સ્તરે પણ ફરિયાદ કરી શકે છે. ગ્રાહકને અસરકરતાં કોઇ પણ વિષય અંતર્ગત ગ્રાહક કે ગ્રાહક વર્ગ, ગ્રાહક સુરક્ષા (consumer rights) અધિનિયમ ૨૦૧૯ અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળની સ્થાપના કરવામાં આવી છે. જેમાં જે-તે જિલ્લા કલેક્ટરને સત્તા આપવામાં આવી છે. આ ફરિયાદના આધારે જિલ્લા કલેક્ટર નિર્ણય લઈ શકે છે. તેમજ જો તમને કોઈ મલ્ટીપ્લેક્સમાં રોકે તો તમે ફરિયાદ કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રાહકોને તેમના અધિકારો વિષે જાગૃતિનો અભાવ હોય છે જેના લીધે મોટી સંખ્યામાં ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બને છે. ગ્રાહકના અધિકારો ગ્રાહકની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. એક માન્યતા એવી છે કે મનોરંજનના સ્થળે લોકો પોતાની સાથે ખાવા પીવાની વસ્તુઓ તો ઠીક પરંતુ પીવાનુ પાણી પણ લઇ જઇ શક્તા ન હતા. પરંતુ વાસ્તવિકતા એ છે કે, કાયદાકીય રીતે આવો કોઇ પ્રતિબંધ નથી. મનોરંજન આપતા સ્થળો જેવા કે થિયેટર, મલ્ટીપ્લેકસ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્કના માલિકો દ્વારા પોતાની રીતે જ આવા પ્રતિબંધો લગાડવામાં આવ્યા છે. જેને કાયદાનું કોઇ સમર્થન મળ્યું નથી. ઉલ્ટુ આવુ કરીને તેઓ ગ્રાહકોને અંધારામા રાખે છે, તેમજ છેતરે છે.


તાજેતરમાં 24 ડીસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક દિવસ મનાવવામાં આવ્યો હતો. જેમાં ગ્રાહકોએ પોતાના અધિકારો માટે જાગૃત થવું પડશે તે અંગે ચર્ચા કરાઈ હતી. મલ્ટીપ્લેક્સ થિયેટરો પણ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ આવી જાય છે, તેમાં કોઇ પણ ગ્રાહકને પોતાનો જ માલ ખરીદે તેવી બળજબરી ન કરી શકાય. ગ્રાહક પોતાની પસંદગીની મૂવી જોવા થિયેટરમાં આવે ત્યારે તેને પોતાની પસંદગીનો ખોરાક મળવો જોઇએ, તેના ઉપર થિયેટર માલિકો કોઇપણ શરતો ના થોપી શકે.


આમ, ગ્રાહકને અસરકરતાં કોઇ પણ વિષય અંતર્ગત ગ્રાહક કે ગ્રાહક વર્ગ ( As a class ) ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ ( CCPA ) ની સ્થાપના કરવામાં આવી છે. તેમા જિલ્લા કલેક્ટરને સત્તા આપવામાં આવી છે. ગ્રાહકો આવી કોઇપણ ફરિયાદ કેન્દ્રીય સત્તામંડળ કે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી શકશે અને જિલ્લા કલેક્ટર તે અંતર્ગત નિર્ણય લઇ શકશે. આથી આ પ્રકારની પ્રવૃત્તિઓએ ગ્રાહકોની સુરક્ષા સંબંધી કાયદાઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે અને એ ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી પણ થઇ શકે.