ભાજપ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતમાં વિવાદ, પ્રમુખ ભુપત બોદરથી સમિતિના ચેરમેન નારાજ
રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા આવી તેને આગામી 16 માર્ચના 1 વર્ષ પૂર્ણ થશે. જોકે તે પહેલાં જ ભાજપના સભ્યો વચ્ચે અસંતોષ અને નારાજગી જોવા મળી. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર સામે બાંધકામ સમિતિના ચેરમેન પી.જી.ક્યાડાએ નારાજગી વ્યક્ત કરી.
રાજકોટઃ ભાજપ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતમાં આંતરિક ખટરાગ સામે આવ્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર સામે બાંધકામ સમિતિના ચેરમેન પી.જી. ક્યાડાએ નારાજગી વ્યક્ત કરી અને સંકલન ન રાખતા હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે આજે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખ ખાચરિયા મધ્યસ્થી થઈને સંકલનની બેઠકમાં ઘી ના ઠામમાં ઘી રેડી દીધું હોય તેવો ઘાટ ઘડાયો હતો.
રાજકોટ જિલ્લા પંચાયતમાં જૂથવાદ
રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા આવી તેને આગામી 16 માર્ચના 1 વર્ષ પૂર્ણ થશે. જોકે તે પહેલાં જ ભાજપના સભ્યો વચ્ચે અસંતોષ અને નારાજગી જોવા મળી. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર સામે બાંધકામ સમિતિના ચેરમેન પી.જી.ક્યાડાએ નારાજગી વ્યક્ત કરી. એટલું જ નહીં જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયા સમક્ષ અન્ય સભ્યોને સાથે રાખી રજૂઆત કરી હતી. જેને લઈને આજે રાજકોટ જિલ્લા પંચાયતમાં સંકલન સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર ઉપર ઉપસ્થિત સભ્યોએ તડાફડી મચાવી હતી અને નારાજગી વ્યક્ત કરી હતી. સભ્યોની આ નારાજગી દૂર કરવા જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા મધ્યસ્થી બન્યા હતા. અને ભાજપનો આંતરિક ખટરાગ બહાર ન આવે તેવા પ્રયાસો કરાયા હતા. ત્યારે સમગ્ર ઘટનાથી મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું.
તો બીજી તરફ રાજકોટ જિલ્લા પંચાયતની સંકલન સમિતિની બેઠકમાં 13 મહિલા સભ્યો પૈકી માત્ર ૩ મહિલાઓ હાજર રહ્યા હતા. ચૂંટાયેલા મહિલા સદસ્યોના પતિને વહીવટ ન કરવાની PMની ટકોરનો જિલ્લા પંચાયતમાં ઉલાળિયો થતો જોવા મળ્યો હતો. બાકીના ૧૦ સદસ્યોના પતિ સંકલનમાં હાજર રહ્યા હતા.
આ પણ વાંચોઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો સાવધાન! 9 દિવસ બંધ રહેવાનું છે તમારું નજીકનું માર્કેટ યાર્ડ
જે ચૂંટાયેલા છે તેઓ હાજર રહ્યા નથી. દક્ષા રાદડિયાના બદલે પતિ પરેશ રાદડિયા હાજર રહ્યા, સુમીતા ચાવડાના બદલે પતિ રાજેશ ચાવડા હાજર રહ્યા, અલ્પા તોગડિયાના બદલે પતિ મુકેશ તોગડિયા સહિત અનેક સદસ્યોના પતિ હાજર રહ્યા હતા. રાજકોટ જિલ્લા પંચાયતની બેઠકમાં જંનકભાઈ ડોબરીયા અશ્વિનાબેન ડોબરીયા હાજર રહ્યા હતા. મોટા ભાગના પતિઓએ કહ્યું પત્નિઓ બીમાર છે અને હોસ્પિટલના કામમાં હોવાના બહાના આગળ ધર્યા હતા. તો કોઈએ બધો વહીવટ પોતે જ સાંભળતા હોવાનો સ્વીકાર કર્યો હતો.
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયાએ પણ સંકલન સમિતિની બેઠકમાં મહિલા સભ્યોને બદલે તેના પતિ ઉપસ્થિત રહેવા બાબતે બફાટ કર્યો હતો. પ્રમુખે સ્વીકાર્યું મહિલાઓ અશિક્ષિત હોવાથી પુરુષો જ તમામ કામ કરતા હોય છે અને બેઠકોમાં હાજરી આપી સંચાલન કરતા હોઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube