ઝી બ્યુરો/ખેડા: તિરુપતિ મંદિર પ્રસાદના વિવાદ બાદ હવે ગુજરાતમાં આવેલું ડાકોરના મંદિરમાં વિવાદ ઉભો થયો છે. ડાકોરના રણછોડજી મંદિરના પ્રસાદ પર હવે સવાલો ઉઠ્યા છે. જેમાં મંદિરના પુજારી દ્વારા જ ભક્તોને અપાતા લાડુના પ્રસાદની તપાસ કરવા માંગ કરાઈ છે. ડાકોરના રણછોડરાયજી મંદિરના પૂજારીએ ભક્તોને આપવામાં આવતા લાડુના પ્રસાદની યોગ્ય તપાસ થાય તેવી માગ કરતા ખળભળાટ મચ્યો છે. આશિષ સેવકે સોશિયલ મીડિયામાં પ્રસાદીનો વીડિયો અપલોડ કરીને કહ્યું- અગાઉ મહિનાઓ સુધી પ્રસાદ રહેતો હવે 3થી 4 દિવસમાં બગડી જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેવી રીતે તિરૂપતિ બાલાજીના મંદિરના પ્રસાદની તપાસ થઈ તેવી જ રીતે ડાકોર મંદિરના પ્રસાદની તપાસ થવી જોઈએ. આ અમે નથી કહેતા. પરંતુ ખુદ ડાકોર રણછોડજી મંદિરના પૂજારી આશિષ સેવક કહી રહ્યા છે. મંદિરમાં અપાતી લાડુની પ્રસાદીની યોગ્ય તપાસ થાય તેવી પૂજારીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માગ કરી છે. પોસ્ટ મૂકી કોમેન્ટ બોક્સમાં લાડુ પ્રસાદીનો વિડીયો પણ અપલોડ કરવામાં આવ્યો છે. લાડુનો પ્રસાદ પહેલા મહિનાઓ સુધી સારો રહેતો હતો પરંતુ હવે ત્રણથી ચાર જ દિવસમાં લાડુ પ્રસાદ બગડી જાય છે. પૂજારીએ કરેલી પોસ્ટથી અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.



નોંધનીય છે કે ગુજરાતમાં આવેલું ડાકોરનું મંદિર તેના નામથી જ જાણીતું છે. તેને કોઈ અન્ય ઓળખની જરૂર નથી. અહીં ભગવાન રણછોડરાયજીને ધરાવવામાં આવતા ભોગ પ્રસાદનો વિવાદ વકર્યો છે. તમને જણાવી દઈએ કે તિરુપતિ મંદિરના લાડુના પ્રસાદમાં મિલાવટના મુદ્દાની ચર્ચા દેશભરમાં ચાલી રહી છે.


સુ્પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે વિતરણ કરવામાં આવતા પ્રસાદ વિશે પણ તપાસ હાથ ધરાઇ રહી છે. જેમાં ડાકોર રણછોડરાયજી મંદિરના મેનેજર દ્વારા મંદિરમાં બનાવાતા લાડુનો પ્રસાદ શુદ્ધ સામગ્રી અને શુદ્ધ ઘીમાંથી બનાવવામાં આવતો હોવાનું જણાવાયું હતું. લાડુનો પ્રસાદ વર્ષોની પ્રણાલિકા મુજબ ખાસ પ્રક્રિયાથી બનાવવામાં આવે છે. જેમાં પૂરતી તપાસ અને તકેદારી રાખવામાં આવતી હોવાનું પણ જણાવ્યું હતું.