કોરોનાની અસરઃ સુમસામ બન્યા પ્રવાસન સ્થળો, જુનાગઢમાં પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો
જુનાગઢ શહેરમાં અનેક ફરવાલાયક સ્થળો છે. તહેવારોની રજાઓમાં અનેક લોકો શહેરની મુલાકાતે આવતા હોય છે. પરંતુ કોરોના મહામારીને કારણે પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે.
સાગર ઠાકર/જુનાગઢઃ જન્માષ્ટમીના તહેવારમાં યાત્રાધામો સુમસામ બન્યા છે. ત્યારે જુનાગઢના ફરવાલાયક સ્થળો પણ તહેવાર દરમિયાન ખાલીખમ જોવા મળે છે. તહેવારમાં જ્યાં લાખો યાત્રીકો આવતા હતા તે સ્થળો આજે સુમસામ થતાં નાના મોટા વેપારીઓ મંદીનો સામનો કરી રહ્યા છે અને યાત્રાધામ ગણાતા જુનાગઢને તહેવાર દરમિયાન આર્થિક ફટકો પડી રહ્યો છે.
જુનાગઢ શહેરમાં ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર દરમિયાન રજાઓ આવતી હોય અને વાતાવરણ પણ રમણીય હોય મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતાં હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાને લઈને સરકાર દ્વારા જે પ્રતિબંધો મુકાયા છે તેને લઈને જૂનાગઢના ફરવાલાયક સ્થળો સુમસામ બની ગયા છે.
સાતમ આઠમના તહેવારમાં રજાનો લાભ લઈને સામાન્ય દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢના ગિરનાર, દામોદરકુંડ, ઉપરકોટ, સક્કરબાગ જેવા જોવાલાયક સ્થળોની મુલાકાત લઈને તહેવાર ઉજવતા હતા. પરંતુ ચાલુ વર્ષે કોરોના સ્થિતિમાં સરકારના નિર્દેશ અનુસાર તમામ જાહેર સ્થળો બંધ છે ત્યારે જૂનાગઢમાં તેની અસર જોવા મળી રહી છે અને ફરવાલાયક સ્થળો ખાલીખમ ભાસી રહ્યા છે. પ્રવાસન સ્થળો ખાલીખમ હોવાથી નાના મોટા ધંધાર્થીઓને પણ આર્થિક ફટકો પડ્યો છે.
ગિરનાર આવતાં યાત્રીકો માટે શ્રીફળ, પ્રસાદી, કંકું, ચુંદડી જેવા પૂજાના સામાન હોય કે પછી પાનના ગલ્લા હોય, નાના મોટા કોઈપણ વેપાર પર કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ ધંધા મંદીમાં સપડાયા છે. તહેવાર દરમિયાન યાત્રીકોથી ભરચક રહેતાં ભવનાથ તળેટી વિસ્તારમાં આજે એકલ દોકલ યાત્રીકો જોવા મળે છે તો પૌરાણિક દામોદર કુંડ પણ સુમસામ ભાસે છે.
જુનાગઢ આવતાં પ્રવાસીઓ ગિરનાર, દામોદરકુંડની સાથે ઉપરકોટ અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની પણ મુલાકાત લેતાં, પરંતુ સરકારના નિર્દેશ અનુસાર હાલ સક્કરબાગ ઝુ પણ બંધ છે અને ઉપરકોટમાં રીસ્ટોરેશનનું કામ ચાલતું હોવાને કારણે બંધ છે. તેથી લોકો ગિરનાર તળેટી અને દામોદર કુંડ આવતાં હોય છે પરંતુ તહેવારના દિવસોમાં પણ અહીંયા નહીંવત લોકો જોવા મળે છે.
ગત વર્ષે ઓગષ્ટ મહિનામાં ફક્ત સક્કરબાગ ઝુમાં જ 96 હજાર જેટલા પ્રવાસીઓ આવ્યા હતા. તેનાથી અંદાજ લગાવી શકાય કે તહેવાર દરમિયાન જુનાગઢમાં કેટલાં યાત્રીકો આવે છે. પરંતુ હાલ કોરોના સ્થિતીમાં આમ પણ ઝુ બંધ છે અન્ય સ્થળોએ પણ પ્રવાસીઓ નહીંવત જોવા મળે છે તેને લઈને જૂનાગઢના સ્થાનિક નાના મોટા વેપારીઓને પણ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube