ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત, બનાસકાંઠા અને મહીસાગરમાં નવા બે-બે કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 1700થી વધુ કેસ સામે આવ્યા છે. માત્ર અમદાવાદમાં જ 1100થી વધુ કેસ નોંધાયા છે.
બનાસકાંઠા/મહીસાગરઃ રાજ્યમાં કોરોના વાયરસનો વ્યાપ સતત વધી રહ્યો છે. અત્યાર સુધી રાજ્યભરમાં કોરોના વાયરસના 1700 કરતા વધુ કેસ સામે આવી ચુક્યાં છે. તો હવે બનાસકાંઠા અને મહીસાગર જિલ્લામાં વધુ બે-બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. પાલનગુર અને સંતરામપુરથી આ કેસો સામે આવ્યા છે. આ સાથે બનાસકાંઠા જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા 12 પર પહોંચી છે તો મહીસાગરમાં અત્યાર સુધી પાંચ કેસ સામે આવ્યા છે.
બનાસકાંઠામાં વધુ બે કેસ
બનાસકાંઠા જિલ્લામાં વધુ બે કેસ સામે આવતા અત્યાર સુધી 12 લોકો કોરોનાથી ઝપેટમાં આવ્યા છે. નવા બંન્ને કેસ પાલનપુરના ગઠામણ ગામમાં આવ્યા છે. આ ગામમાં અત્યાર સુધી કુલ 10 કેસ સામે આવ્યા છે. ગામ હાલ કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. કોરોનાને ડામવા માટે જિલ્લા વહીવટી તંત્ર 24 કલાક કામે લાગ્યું છે. પરંતુ આ વધતા કેસો જરૂર ચિંતાનો વિષય છે.
અમદાવાદ : ફાયરના કર્મચારીને કોરોના, પત્ની અને પુત્રી સુધી પહોંચ્યો ચેપ
શું છે મહીસાગર જિલ્લાની સ્થિતિ
મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં વધુ બે કેસો સામે આવતા કુલ સંક્રમિતોની સંખ્યા 5 પર પહોંચી ગઈ છે. આ બે નવા કેસમાં એક જ પરિવારના બે સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સસરા અને પુત્રવધુ કોરોના વાયરસનો શિકાર બન્યા છે. મહિલાની ઉંમર 32 અને પુરૂષની ઉંમર 60 વર્ષ છે. તો પરિવારના તમામ સભ્યોને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે.
શું છે ગુજરાતની સ્થિતિ
ગુજરાતમાં અત્યાર સુધી 1700થી વધુ કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 1101 કેસ સામે આવ્યા છે. તો સુરતમાં 242 અને વડોદરામાં 180 કેસ સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube