હિતલ પારેખ, ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 2 લાખ 11 હજારને પાર કરી ગઈ છે. દિવાળી બાદ કોરોનાના નવા કેસમાં મોટો વધારો થયો છે. દરરોજ રાજ્યમાં 1500થી વધુ કેસ સામે આવી રહ્યાં છે. તો કોરોનાના કેસ વધવાની સાથે મેડિકલ ઓક્સિજની જરૂરીયાતમાં મોટો વધારો થયો છે. રાજ્યની કોવિડ હોસ્પિટલોમાં દિવાળી બાદ મેડિકલ ઓક્સિજનની જરૂરીયાતમાં વધારો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળી બાદ વધી મેડિકલ ઓક્સિજનની માગ
ગુજરાતમાં દિવાળી પહેલા રાજ્યની કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓને દૈનિક ઓક્સિજનની જરૂરીયાત 129 મેટ્રિક ટન હતી. જે દિવાળી બાદ દૈનિક ઓક્સિજનની માગ વધીને 192 મેટ્રિક ટન થઈ ગઈ છે. રાજ્યમાં જ્યારે કોરોનાની શરૂઆત થઈ ત્યારે 30 જેટલા ઓક્સિજન ઉત્પાદકો હતા. આજે રાજ્યમાં કુલ 66 ઉત્પાદકોને ઓક્સિજનના નિર્માણ માટે લાયસન્સ આપવામાં આવ્યા છે. 


મુખ્યમંત્રીએ ભારે હૃદયે મિત્રને વિદાય આપી, પરિવારની હાજરીમાં અભય ભારદ્વાજના અંતિમ સંસ્કાર કરાયા


રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ઉપલબ્ધ
કોરોનાના ગંભીર દર્દીઓને ઓક્સિજનની ખુબ જરૂર પડે છે. કોરોના સંક્રમણની શરૂઆત બાદ રાજ્યમાં ઓક્સિજન ઉત્પાદનમાં પણ વધારોથયો છે. હાલ રાજ્યમાં ઓક્સિજનની કોઈ ઘટ કે અછત નથી. રાજ્યમાં દરરોજ 900 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે. તો રાજ્યમાં ઓક્સિજનની કૃત્રિમ અછત ન સર્જાય તે માટે ઉત્પાદકોને 50 ટકા જથ્થો મેડિકલ વપરાશ માટે રિઝર્વ રાખવાનું એક નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. 


રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 2 લાખ 11 હજાર 257 કેસ નોંધાયા છે. તો કોરોના સંક્રમણને કારણે 4 હજાર 4 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 1 લાખ 92 હજાર 468 દર્દીઓ સાજા થયા છે.