કોરોનાએ માનસિક બીમારીને કેસ ડબલ કર્યા, બાળકોથી લઈને વૃદ્ધો સૌ કોઈ શિકાર
- લોકડાઉનના કારણે ઘરમાં રહેવું મજબૂરી બન્યું ત્યારે લોકોમાં ડિપ્રેશનના કેસો પણ વધ્યા.
- આર્થિક સ્થિતિ તો સુધરી જશે પણ માનસિક મહામારી હજુ લાંબી ચાલશે.
- એ સમજવું અઘરું છે કે લોકોમાં અવેરનેસ વધી કે રોગ વધ્યા, પરંતુ દર્દીઓ વધ્યા એ સત્ય છે
અતુલ તિવારી/અમદાવાદ :કોરોના મહામારીઓ શહેરીજનોમાં માનસિક તકલીફોમાં વધારો કર્યો છે. કોરોનાના કેસો (corona virus) આવ્યા એ પહેલા અને હાલની પરિસ્થિતિમાં માનસિક બીમારીના કેસો લગભગ બમણા થઈ ચૂક્યા છે. કોરોનાના સતત સમાચારો જોઈ જોઈ લોકોમાં ડર પેદા થયો કે ‘મને પણ કોરોના તો નથી થયો ને’ એવા લોકોની સંખ્યા ખૂબ વધી છે. કોરોના પેનિકના દર્દીઓ ખૂબ મોટી સંખ્યામાં આવતા થયા છે.
સાથે રહીને સંબંધોની પોલ ખૂલી
સાઈક્રિયાટિસ્ટ ડો. પાર્થ વૈષ્ણવ આ વિશે જણાવે છે કે, લોકડાઉનના કારણે ઘરમાં રહેવું મજબૂરી બન્યું ત્યારે લોકોમાં ડિપ્રેશનના કેસો પણ વધ્યા છે. સતત લોકો સાથે રહેવા લાગ્યા એટલે રિલેશનશિપ પ્રોબ્લેમ વધ્યા છે. અન્ય મહિલાઓ સાથેના સંબંધોને લઈ કેટલાક લોકો ચિંતિત બન્યા અને એ સંબંધોની પોલ ખુલતા પણ લોકો માનસિક રીતે પરેશાન થયા છે. રિલેશનશિપમાં બ્રેકઅપ ખૂબ મોટી સંખ્યામાં થતા જોવા મળ્યા છે. તો આત્મહત્યાના કિસ્સા પણ વધ્યા છે. જેને એમ હતું કે અમારો પ્રેમ અગણિત ચાલશે, પણ ઓવર કમ્યુનિકેશન એ રિલેશનશીપ પ્રોબ્લેમ વધાર્યો છે.
માનસિક દર્દીઓની સ્થિતિ પહેલા કરતા વધુ કથળી
લોકોએ આર્થિક અને માનસિક એમ બે મહામારીનો સામનો કર્યો છે, આર્થિક સ્થિતિ તો સુધરી જશે પણ માનસિક મહામારી હજુ લાંબી ચાલશે. પણ આ સ્થિતિ સુધારવા સાઈકિયાટ્રિકની મદદ લેવાની જરૂર રહેશે. લોકડાઉનમાં વર્કફ્રોમ હોમ લોકોને ગમ્યું છે, પણ હવે લોકો સ્ક્રીનના એડિકટ થયા છે. બાળકો કે જેમને ઓનલાઈન અભ્યાસ માટે ફોન અને લેપટોપ આપવા ફરજિયાત થયા તેઓ અભ્યાસ સિવાયની બિનજરૂરી ચીજો નેટ પર સર્ચ કરતા થયા છે. હાલ બે ગણા દર્દીઓ વધ્યા છે એ જોતાં એ સમજવું અઘરું છે કે લોકોમાં અવેરનેસ વધી કે રોગ વધ્યા, પરંતુ દર્દીઓ વધ્યા એ સત્ય છે. અગાઉથી જેમને માનસિક બીમારી હતી, કોરોનાને કારણે તેમની સ્થિતિ વધુ કથળી છે.