બનાસકાંઠામાં પાટીલ બોલ્યા, કોંગ્રેસનો ગઢ ભૂતકાળ થશે, ઈતિહાસ જલ્દી જ બદલાશે
કોરોના કાળના સંક્રમણ વચ્ચે પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરવા માટે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા નાની કુમળી બાળાઓને લાવીને કલાકો સુધી બેસાડી રાખવામાં આવી હતી
અલ્કેશ રાવ/બનાસકાંઠા :ભાજપ પ્રમુખ સીઆર પાટીલના ઉત્તર ગુજરાત પ્રવાસની શરૂઆત માં અંબાના દર્શનથી થઈ. અંબાજીમાં ભવ્ય સ્વાગત કાર્યક્રમ સાથે પ્રમુખ સી આર પાટીલે (cr patil) કાર્યકરોને પાનો ચડાવ્યો હતો. અંબાજી, દાંતા માં કાર્યકરો અને સામાજિક આગેવાનોએ પ્રમુખનું ભવ્ય સ્વાગત કર્યું. પ્રમુખે પણ કાર્યકરોની વાતોને વાચા આપી. તેઓએ ભાજપના કાર્યકરોને મિશન 182 સાથે આગળ વધવાનો કોલ આપ્યો. તો તેની સાથે જ તમામ લોકો સાથે મળીને ચાલે તેની વાત કરી. તેઓએ કહ્યું કે, પૂર્વ ધારાસભ્યો કોઈ બહાનું કાઢ્યા વગર સંઘર્ષ કરે તે જરૂરી છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજથી ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. અંબાજીમાં દર્શન કર્યા બાદ તેઓ પાલનપુર આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. જોકે સીઆર પાટીલ પાલનપુર આવતા તેમના સન્માનમાં રોડ શોનું આયોજન કરાયું હતું. જ્યાં સી આર પાટીલની ઉપસ્થિતમાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા. તો પ્રદેશ પ્રમુખનું જે રોડ ઉપરના આંબેડકર હોલમાં સ્વાગત કાર્યક્રમ હતો, ત્યાંથી પસાર થતો સંજય ચોકથી હાઇવે તરફ જતો રસ્તો પોલીસની ગાડી આડી મૂકીને બ્લોક કરી દેતા વાહનચાલકો અટવાયા હતા. તો હોસ્પિટલમાં જતા લોકો પણ મુસબીતમાં મૂકાયા હતા.
આ પણ વાંચો : રાજકોટમાં રાજકીય ભૂકંપ, કોર્પોરેટર દક્ષા ભેંસાણિયા સહિત ભાજપના 20 સભ્યો કોંગ્રેસમાં જોડાયા
જોકે કોરોના કાળના સંકર્ણમ વચ્ચે પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરવા માટે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા નાની કુમળી બાળાઓને લાવીને કલાકો સુધી બેસાડી રાખવામાં આવી હતી. જેથી અનેક લોકોમાં રોષ વ્યાપ્યો હતો. પ્રદેશ પ્રમુખના જ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હોવાની મીડિયાએ સી આર પાટીલને પૂછતાં તેમણે કહ્યું હતું કે, અમે સરકારી ગાઈડ લાઈનનું પાલન કરીયે છીએ અને સોશિયલ ડિસ્ટન્સ રાખીએ છીએ. એ બધાએ રાખવું જોઈએ. બનાસકાંઠાએ કોંગ્રેસનો ગઢ છે તે પૂછતાં તેમને કહ્યું હતું કે એ હવે ભૂતકાળ હશે અને હવે ઇતિહાસ બદલાશે.
ભાજપ પ્રમુખે પાલનપુરમાં કાર્યકરોને સંબોધન કર્યું હતું. તેઓએ કાર્યકરોના મનની વાત કરી હતી. પોતાના મનના પ્રશ્નો-ફરિયાદો બંધ કવરમાં કમલમ પહોંચાડવા સૂચના આપી હતી. કાર્યકરોએ પ્રમુખની વાતને વધાવી લેતા પ્રમુખે કાર્યકરોને ખાતરી આપી હતી કે, જ્યાં પણ જરૂરી હોય ત્યાં પાટાપીંડી અને ઓપરેશન કરાશે. કાર્યકરોની ફરિયાદ અને વ્યથાના આધારે જરૂર પડે પાટાપીંડી અને ઓપરેશન કરવાની ભાજપ પ્રમુખની કાર્યકરોને ખાતરી આપી.
આ પણ વાંચો : ‘તારી બેન ક્યા છે?’ પૂછીને જમાઈએ સાસરીમાં પેટ્રોલથી આગ લગાવી