ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની દરિયાદિલી... પોતાની દીકરીના જન્મ પર 101 ગરીબ દીકરીઓની ઝોળીમાં ખુશી આપી
Ravindra Jadeja Initiative ; રિવાબા જાડેજા દ્વારા તેમની દીકરીના જન્મદિનની સમાજસેવા સાથે લોકકલ્યાણના કાર્યો સાથે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. ગરીબ દીકરીઓના ખાતામા જમા કરાવ્યા 11 હજાર રૂપિયા
મુસ્તાક દલ/જામનગર :જામનગરના વતની અને ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા તેમજ તેમના ધર્મપત્ની અને ભાજપનાં મહિલા નેતા રીવાબા જાડેજાની પુત્રી નિધ્યાનાબાનો ગઈકાલે જન્મદિવસ હતો. જેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્મદિવસના પ્રસંગની ઉજવણી સમાજસેવા તથા લોકકલ્યાણના કાર્યો કરીને કરાઈ હતી. આ દિવસને યાદગાર બનાવવા માટે આજે એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
જામનગરમાં ચાંદીબજાર ખાતે આવેલ હેડ પોસ્ટ ઓફિસ ખાતે રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં માતૃ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં સર્વે જ્ઞાતિના જરૂરિયાતમંદ પરિવારના 3 થી 6 વર્ષના પ્રત્યેક 101 દિકરીબાઓ માટે કેન્દ્ર સરકારની સુકન્યા યોજના હેઠળ રૂપિયા 11,000 ની રકમ જમા કરાવવામાં આવી હતી. દીકરીઓને પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલી, જમા કરાવીને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. રિવાબા જાડેજા દ્વારા તેમની દીકરીના જન્મદિનની સમાજસેવા સાથે લોકકલ્યાણના કાર્યો સાથે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : આણંદવાસીઓને નવા શોખનો ચસ્કો લાગ્યો, દરરોજ સવારે પહોંચી જાય છે પોલીસ સ્ટેશન
ઉલ્લેખનીય છે કે, ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની રીવાબા જાડેજા દર વર્ષે દીકરી નિધ્યાનાબાના જન્મદિવસે સમાજસેવાના કાર્યો કરતા હોય છે. આ વર્ષે દીકરીઓના ખાતામાં 11 હજાર રૂપિયા આપ્યા, જેથી ભવિષ્યમાં દીકરીઓને તેનો લાભ મળી શકે. આ પહેલા પણ દંપતીએ ગરીબ દીકરીઓને સોનાના ખડગ ભેટમાં આપ્યા હતા.