અમદાવાદના ગોમતીપુરમાં નિર્દોષ યુવકની હત્યા કરનાર બે આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્ત્વો બેફામ બની રહ્યાં છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગોમતીપુરમાં એક નિર્દોષ યુવકે જીવ ગુમાવ્યો છે...કોણ છે આ હત્યારા, શું હતો સમગ્ર મામલો, આરોપીએ કોની હત્યા કરવા આવ્યા હતા...જુઓ આ અહેવાલમાં.
અતુલ તિવારી, અમદાવાદઃ અમદાવાદનાં ગોમતીપુરમાં અંગત અદાવત રાખી કરાયેલા ફાયરિંગની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગણતરીના કલાકોમાં મુખ્ય બે આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. ફાયરિંગમાં ઈજાગ્રસ્ત બંને લોકોને સારવાર અર્થે પ્રથમ એલજી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત હિતેશ ગીરીશભાઈ વાઘેલાનું મોત નિપજ્યું હતું. ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ કલમ 302, 307, 506(2) તેમજ 114 તથા આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરાઇ છે.
અમદાવાદના ગોમતીપુર સુખરામ નગર રોડ પર આવેલા ગજરા કોલોનીમાં થયેલા ફાયરિંગની વાત કરીએ તો આરોપી મહેશ ઉર્ફે સુલતાન તેની જ ચાલીમાં રહેતા ભાવેશ સોલંકી સાથે અગાઉ ઝઘડો થયો હોય તેની અંગત અદાવત રાખી તેના મિત્રો સાથે ધર્મેશ ઉર્ફે રાજ વાલેરા, સાહિલ તથા વિજય મકવાણા ભેગા થઈને સ્કોડા ગાડી તેમજ એક્ટિવા ઉપર આવી રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. તેની ચાલીમાં રહેતા હિતેશ વાઘેલાને લમણાના ભાગે ઇજાઓ કરી તેમજ જીતેન્દ્ર ચાવડાને છરી વડે ઝાંગના ભાગે ઇજાઓ કરી ફરાર થયા હતા.
આ પણ વાંચોઃ સરકારનો મોટો નિર્ણય, વિધાનસભા સત્રમાં રખડતાં ઢોર નિયંત્રણ કાયદો પરત લેવાશે
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર નાયબ પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવતા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા આરોપી મહેશ ઉર્ફે સુલતાન તેમજ ધર્મેશ ઉર્ફે ધમાને શાંતિપુરા સર્કલ તથા નાના ચિલોડા ન્યુ શાહીબાગ પાસેથી ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દેશી બનાવટની 20,000 રૂપિયાની રિવોલ્વર, 100 રૂપિયાની ધારદાર મોટી છરી તેમજ 3 લાખ રૂપિયાની સ્કોડા ગાડી અને 500 રૂપિયાનો એક મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 3,20,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાયેલી પ્રારંભિક તપાસમાં આરોપી મહેશ ઉર્ફે સુલતાન અગાઉથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે વર્ષ 2012માં નારણપુરા પોલીસ સ્ટેશનમાં 376 અંતર્ગત તે ગુનામાં ઝડપાયો હતો તેમ જ વાડજ પોલીસ સ્ટેશનમાં ઇંગ્લિશ દારૂના કેસમાં પણ તે ઝડપાઈ ચુક્યો હતો. વાળસ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ મારામારીનો ગુનો પણ નોંધાયેલ હતો વર્ષ 2021 માં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં મહેશ ઉર્ફે સુલતાન વિરુદ્ધ અંગ્રેજી દારૂ ના વેચાણનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube