કાકી બની ગઈ કાળ ! મારી નાખ્યો 1 વર્ષના માસૂમને કારણ કે...
અમદાવાદમાં એક ચોંકાવનારી ક્રાઇમની ઘટના બની છે
અમદાવાદ : અમદાવાદમાં એક ચોંકાવનારી ક્રાઇમની ઘટના બની છે. અહીં લાંભા ગામમાં જેઠાણી સાથે બદલો લેવા દેરાણીએ 1 વર્ષના બાળકની હત્યા કરી દીધી છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ વાત આરોપી દેરાણીએ કબૂલી લેતા તેની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે. આમ, એક વર્ષના માસૂમ માટે કાકી કાળ સમાન સાબિત થઈ હતી.
આ ઘટનાની વિગતો જોઈએ તો લાંભા નજીકના લક્ષ્મીપુરા ગામના નટવરનગરમાં રેખાબહેન ધર્મેન્દ્રસિંહ વાઘેલા (ઉં.વ.૩૪) તેમના પતિ, મોટી દીકરી સંજના, નાની દીકરી કાવ્યા તેમજ એક વર્ષના દીકરા દિવ્યરાજ સાથે રહે છે. તેમની સાથે તેમના દિયર મનોજભાઇ, તેમની પત્ની ભાવના અને સાસુ-સસરા પણ રહે છે. ગત મહિનાની તા.20 તારીખના રોજ દક્ષ (દિવ્યરાજ) સવારે ઘરમાંથી ગુમ થયો હતો. તેની આસપાસ અને ઘરમાં શોધખોળ હાથ ધરી હતી. જે પછી ઘરની છત પર આવેલી પાણીની ટાંકીમાં તપાસ કરતાં દક્ષની લાશ મળી આવી હતી. જે બાદ તેને એલ.જી. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં ડોકટરે મૃત જાહેર કર્યો હતો.
આ મામલામાં પોલીસે દેરાણીની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે પરિવારજનો સમક્ષ કબૂલાત કરીને જણાવ્યું હતું કે, દશામાના વ્રત વખતે તમે બધાંએ મને બહુ હેરાન કરી હતી. મેં ના પાડવા છતાં ઘરમાં ન લાવવાની અપવિત્ર વસ્તુઓ લાવતાં હતાં. મારા પુત્ર વિવાનને પણ તમે સારી રીતે રાખતાં ન હતાં. જેથી મેં નક્કી કર્યું હતું કે ઘરના તમામ સભ્યને દશામાના વ્રત વખતે જ ધ્રુસ્કે ધ્રુસ્કે રડાવીશ. ઘરમાં દક્ષ સૌનો વહાલો હતો તેથી તેની હત્યા કરી નાંખી. અસલાલી પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.