ઝી મીડિયા/બ્યૂરો :દ્વારકામાં પકડાયેલા કરોડોના ડ્ર્ગ્સ મામલે દ્વારકાના રેન્જ આઈજી સંદીપ સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આખરે કેવી રીતે સ્થાનિક પોલીસે કરોડોના ડ્રગ્સનો પર્દાફાશ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મુંબઈના આરોપી સલીમ કારા અને અલી કારા પાસેથી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. પહેલીવાર સ્થાનિક પોલીસ દ્વારા આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

88 કરોડનું ડ્રગ્સ મળ્યું 
સંદીપ સિંહે જણાવ્યું કે, પોલીસને બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે, કેટલાક શખ્સના હિલચાલ શંકાસ્પદ છે. તેમની એક્ટિવિટી વિચિત્ર છે અને તે સ્થાનિક લાગતો નથી. વર્ણનના આધારે પોલીસ દ્વારા આરોપીઓને શોધવાનો પ્રયાસ કરાયો હતો. આરધના ધામ પાસેથી એક શખ્સ પકડાયો હતો. જેની પાસે ત્રણ બેગ હતા. પૂછપરછ કર્યા બાદ બેગની તપાસ કરતા 11.483 કિલો હેરોઈન મળી આવ્યું. 6.68 ગ્રામનું એમડી ડ્રગ્સ મળ્યું. કુલ મળીને 17 કિલો 651 ગ્રામ થાય છે. જેની કિંમત 88 કરોડની થાય છે. આ ડ્રગ્સ નાના પેકેટમાં પેક કરાયેલુ હતું. 


આ પણ વાંચો : દિવાળીની રાતે મંગેતર બની કાતિલ, પ્રેમી સાથે મળીને યુવકના કાંટો કાઢી નાંખ્યો


બીજા 47 પેકેટ ડ્રગ્સ મળ્યું 
શખ્સની પૂછપરછમાં તેમણે પોતાનું નામ શહેજાદ અને મુંબઈના રહેવાસી હોવાનું જણાવ્યુ હતું. તેઓ બે દિવસ પહેલા ખંભાળિયા આવીને આરતી ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો. બે દિવસથી તે કન્સાઈનમેન્ટ લેવાનો પ્રયાસ કરતો હતો. ગઈકાલે તેણે કન્સાઈનમેન્ટ મેળવ્યુ હતું. તેણે સલીમ કારા અને અલી કારાનું નામ લીધુ હતુ. આ બાદ પોલીસે સલીમ કારા અને અલી કારાની અટકાયત કરી છે. શહેજાદની જેમ જ સલીમ કારા અને અલી કારા પાસેથી 47 ડ્રગ્સના પેકેટ મળ્યા છે. તેની ગણતરી હજી ચાલી રહી છે. જેની માહિતી હજી સામે આવી નથી. જેથી ડ્રગ્સનો આંકડો વધી શકે છે. 



સલીમ અને અલીએ માલ મંગાવ્યો હતો 
દરિયાના રસ્તેથી ડ્રગ્સનો માલ સલાયા પહોંચ્યો હતો. તે સલીમ અને અલી કારાએ માલ મંગાવ્યો હતો. સલીમ અને અલી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. બંને પર ભૂતકાળમાં અનેક કેસ દાખલ થયા છે. તો શહેજાદ પણ મર્ડરનો આરોપી છે. પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.