કુખ્યાત ગેડિયા ગેંગના મોસ્ટ વોન્ટેડ આરોપી પિતા-પુત્રનું એન્કાઉન્ટર, પરિવારે મૃતદેહ લેવાનો ઈન્કાર કર્યો
નવા વર્ષે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. માલવણ નજીક પોલીસ એન્કાઉન્ટરમાં વોન્ટેડ આરોપી મુન્નો અને તેના પુત્ર મદીન ઠાર મરાયા છે. બંને સામે 86 થી વધુ ગુના નોંધાયા છે. જેમાંથી 59 ગુનામાં તેઓ પકડાયા નથી.
ઝી મીડિયા/બ્યૂરો :નવા વર્ષે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. માલવણ નજીક પોલીસ એન્કાઉન્ટરમાં વોન્ટેડ આરોપી મુન્નો અને તેના પુત્ર મદીન ઠાર મરાયા છે. બંને સામે 86 થી વધુ ગુના નોંધાયા છે. જેમાંથી 59 ગુનામાં તેઓ પકડાયા નથી. જોકે, પોલીસના એન્કાઉન્ટર પર પરિવારજનોએ સવાલ ઉઠાવ્યા હતા અને ન્યાય ન મળે ત્યા સુધી બંનેના મૃતદેહ લેવાનો ઈન્કાર કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસની ટીમ માલવણ ચોકડી પાસે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે વોન્ટેડ હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના પુત્ર મદીને પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. બંને પોલીસ હિરાસતથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમના પર ફાયરિંગ કર્યુ હતું. જેમાં બંને ઠાર મરાયા છે, બંને આરોપીઓ કુખ્યાત ગડિયા ગેંગના સભ્યો હતો.
આ પણ વાંચો : ખેડા પોલીસ સ્ટેશનની બહાર વિકરાળ આગ, 25 વાહનો બળીને ખાખ થયા
પોલીસને બાતમી મળી હતી કે, ગડિયા ગેંગના બંને આરોપી પિતા પુત્ર માલવણ આવ્યા છે. પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. જેમાં હનીફ ખાને પોલીસે પર ફાયરિંગ શરૂ કર્યુ હતું, જેના જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કર્યુ હતું. સામસામે ફાયરિંગમાં બંને પિતાપુત્ર આરોપી ઠાર મરાયા છે. તો સામે પીએસઆઈ વીએન જાડેજા પણ ઘવાયા હતા.
બીજી તરફ, ઘટનાની જાણ થતા જ બંને આરોપીના પરિવારજનો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. આરોપીના પરિવારજનોએ આ એન્કાઉન્ટર પર સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ ન્યાય ન મળે ત્યાં સુધી હનીફ અને મદીનાનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.