શુક્રવારે સવારે 6 વાગ્યાથી અમદાવાદ, રાજકોટ અને સુરતમાંથી હટાવી લેવાશે કર્ફ્યૂ, કડક લોકડાઉન અમલી
હાલમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે, તેમાંથી કોરોનાના 217 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 79 દર્દીઓ સાજા થયા છે. આ કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 9ના મોત થયા છે.
હિતલ પારેખ, ગાંધીનગર : આવતીકાલે સવારે 6 વાગ્યાથી અમદાવાદ, રાજકોટ અને સુરતમાંથી કર્ફ્યૂ હટાવી લેવામાં આવશે. મહત્વનું છે કે, કોરોનાને કંટ્રોલ કરવા માટે શિવાનંદ ઝાએ કર્ફ્યૂની જાહેરાત કરી હતી. જેનો સમયગાળો કાલે સવારે છ વાગે પૂર્ણ થશે. હવે રાજ્ય સરકાર દ્વારા કર્ફ્યૂ નહિ લંબાવવાનો નિર્ણય લેવાયો છે. જોકે કર્ફ્યુ વાળા વિસ્તારોમાં lockdown નો અમલ ચાલુ રહેશે અને રાજ્ય પોલીસ દ્વારા એનો કડક રીતે અમલ કરાવવામાં આવશે.
ગુજરાતમાં કોરોના વાયરસના જે રીતે કેસ વધી રહ્યા હતા તે ધ્યાનમાં રાખતા અમદાવાદ શહેરના કોટ વિસ્તાર (જૂના અમદાવાદ)માં તારીખ 15 એપ્રિલના રોજ એક અઠવાડિયાનો કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો જેની મુદત વધારીને તારીખ 24 એપ્રિલે સવારે 6 વાગ્યા સુધીમાં કરવામાં આવી હતી. મોડેથી સુરત અને રાજકોટ શહેરના અમુક વિસ્તારોમાં તારીખ 24 એપ્રિલે સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. હવે, આવતીકાલે સવારે 6 વાગ્યે અમદાવાદ, રાજકોટ અને સુરત શહેરના જે વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્ચો હતો તે ઉઠાવી લેવામાં આવશે. અમદાવાદ, સુરત અને રાજકોટ શહેરના જે વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે તે તમામ કોરોના વાયરસના હોટ સ્પોટ વિસ્તારો છે. અમદાવાદના કોટ વિસ્તાર (જૂના અમદાવાદ)માં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે ત્યાં વધુ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવતા કોરોના વાયરસના સૌથી વધારે દર્દીઓ મળી આવ્યા છે.
હાલમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે, તેમાંથી કોરોનાના 217 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 79 દર્દીઓ સાજા થયા છે. આ કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 9ના મોત થયા છે. આમ રાજ્યમાં કુલ દર્દી 2624 થયા છે. જેમાં 112ના મોત થયા છે અને 258 દર્દી સાજા થયા છે. નવા 217 કેસમાં અમદાવાદમાં 151, સુરતમાં 41, વડોદરામાં 7, આણંદમાં 3, બોટાદમાં 2, ભરૂચમાં 5, ખેડામાં 2 કેસ જ્યારે અરવલ્લી, ભાવનગર, ગાંધીનગર, પંચમહાલ, વલસાડ અને ડાંગમાં એક એક કેસ સામે આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube