સેલવાસમાં ફરસાણની દુકાનમાં થયો સિલિન્ડર બ્લાસ્ટ, 2 કિલોમીટર સુધી અવાજ સંભળાયો
દાદરા નગર હવેલીના સુરંગી ગામે એક ફરસાણ અને મીઠાઈની દુકાનમાં ગેસ ચાલુ કરવા જતા અચાનક આગ પકડી લીધી હતી. સેલવાસમાં ફરસાણની એક દુકાનમાં મૂકાયેલ સિલિન્ડરમા બ્લાસ્ટ થતા જોરદાર ધમાકો થયો હતો. સાથે સામાન દૂર સુધી ફંગોળાયો હતો અને દુકાનના સંચાલકને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. જેમનુ મોત નિપજ્યું છે.
નિલેશ જોશી/વાપી :દાદરા નગર હવેલીના સુરંગી ગામે એક ફરસાણ અને મીઠાઈની દુકાનમાં ગેસ ચાલુ કરવા જતા અચાનક આગ પકડી લીધી હતી. સેલવાસમાં ફરસાણની એક દુકાનમાં મૂકાયેલ સિલિન્ડરમા બ્લાસ્ટ થતા જોરદાર ધમાકો થયો હતો. સાથે સામાન દૂર સુધી ફંગોળાયો હતો અને દુકાનના સંચાલકને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. જેમનુ મોત નિપજ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરંગી ત્રણ રસ્તા નજીક નિલેશ દેવુ મિશાલના મકાનમાં મા ચામુંડા હોટલ અને સ્વીટ નામની દુકાન આવેલી છે. જેમાં ચાર દિવસ અગાઉ વહેલી સવારે 6:00 વાગ્યાના સુમારે દુકાનના સંચાલક દેરારામ ( હાલ રહેવાસી સુરંગી, મૂળ રહેવાસી રાજસ્થાન) એ દુકાન ખોલી હતી. દુકાન ખોલ્યા બાદ જેવો ગેસ ચાલુ કરવા ગયા તો અચાનક એમા આગ પકડી લીધી હતી. જેના કારણે દેરારામ દાઝી ગયા હતા. આ ગેસના પાઈપમાં આગ લાગવાને કારણે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા જ દુકાનનો સામાન બહાર ફંગોળાયો હતો. પતરા તૂટીને ફુરચેફુરચા થઇ ગયા હતા. આ બ્લાસ્ટનો અવાજ એટલો જોરદાર હતો કે, ગામથી બે કિલોમીટર દુર સુધી એનો અવાજ સંભળાયો હતો. આ ધમાકો થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઘાયલ થયેલ દેરારામને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમા લઈ જવામા આવ્યો હતો. પરંતુ 4 દિવસ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનામાં સિલિન્ડર લિકેજ હોવાને કારણે આ ઘટના બની હોવાનુ સ્થાનિક લોકોએ જણાવ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, આ એક અઠવાડિયામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટનો આ બીજો કિસ્સો બન્યો છે. થોડા દિવસ પહેલા સેલવાસના ઉલ્ટન ફળિયા ખાતે સિલિન્ડર બ્લાસ્ટ થતા ચાર કાચા ઘરો બળીને રાખ થઇ ગયા હતા. તેના બાદ સુરંગી ગામે દુકાનમા સિલિન્ડર લિકેજના કારણે જ આગ લાગી હતી.