ચિરાગ જોશી/ડભોઈ :સમગ્ર ગુજરાતભરમાં પ્રાથમિક શાળાઓનું સ્તર હવે દિવસેને દિવસે નીચે જતું જાય છે, ત્યારે ડભોઇ તાલુકામાં આવેલી વાયદપુરા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ બાળકોને અભ્યાસક્રમની સાથે સાથે અલગ જ્ઞાન પીરસી સમગ્ર ગુજરાતભરમાં નામના મેળવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડભોઈ તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી પ્રાથમિક શાળાઓ ક્યાંક જર્જરિત હાલતમાં હોય છે, તો બીજી બાજુ બે શાળાના વિદ્યાર્થીઓને એક વર્ગમાં બેસાડવાની ફરજ પડતી હોય છે. તેવામાં ડભોઇ તાલુકાના વાયદપૂરા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલે શાળાની અંદર કિચન ગાર્ડન કરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શુદ્ધ શાકાહારી ઓર્ગેનિક શાકભાજી ખવડાવી બાળકોમાંથી કુપોષણ દૂર કરવાનું અભિયાન હાથ ધર્યું છે. કોરોના બાદ સમગ્ર ગુજરાતભરમાં રાજ્ય સરકાર દ્વારા મધ્યાહન ભોજન બંધ કરવામાં આવ્યું હતું. ત્યારે આ શાળાના પ્રિન્સિપાલે આગવી સૂઝબૂઝથી શાળામાં ભણતા બાળકોને બપોરનું ભોજન પુરુ પાડ્યુ હતું. તેથી જ વડોદરા જિલ્લા સહિત ગુજરાતભરમાં પ્રાથમિક શાળાના સંચાલકો આવા હોવા જોઈએ તેઓ એક સૂર ઉઠયો છે.



એટલું જ નહીં વાયદ પૂરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શાળાના પ્રિન્સીપાલ દ્વારા શાકભાજીનું વાવેતર કેવી રીતે કરવાનું અને ભણતરની સાથે સાથે ખેતી કરીને વધુ કમાણી કેવી રીતે કરી શકાય તે માટેનું જ્ઞાન વાયદપુરા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા જ્ઞાન આપવામાં આવે છે.



 
હાલના યુગની છોકરીઓને 18 વર્ષ પૂર્ણ થાય તો પણ ઘરે જમવાનું કેવી રીતે બનાવવાનું તેની સમજ હોતી નથી, જેને ધ્યાનમાં લઇને શાળાની શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીનીઓને મેથીના ઢેબરા વિવિધ પ્રકારના શાક અને તેમાં મસાલા કેવી રીતે ઉપયોગ કરવાના એ બાબતનું સંપૂર્ણ અભ્યાસ સાથે સાથે જ્ઞાન આપવામાં આવે છે. બીજી બાજુ ગરમીની સીઝનની અંદર લીંબુ શરબત, કેરીનો બાફલો કેવી રીતે ચટાકેદાર બનાવી શકાય તે બાબતનું પણ જ્ઞાન આપવામાં આવે છે. તેથી જ વિદ્યાર્થીઓને શાળામાં આવું અને નવું નવું શીખવાનો શોખ બની ગયો છે. આ બધી પ્રવૃત્તિ કરવાના લઈને શાળાના વિદ્યાર્થીઓ શાળા શરુ થયાના એક કલાક પહેલાં જ સ્વૈચ્છિક રીતે શાળા ખાતે આવી પહોંચે છે અને પોતાને જે કામ વહેંચાયેલું છે તે કામ કરવા માંડે છે. તેથી જ આ શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો વડોદરા જિલ્લામાં વખણાઈ રહ્યાં છે.



તમને જાણીને આશ્ચર્ય થશે કે આ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષિકાઓ આટલા બધા આવું નવા વિચારો સાથે કામ કેમ કરી રહ્યા છે. તો તેનો જવાબ છે કે શાળામાં આવતાં શિક્ષક અને શિક્ષિકા બંને પતિ પત્ની છે અને બંને લોકો વાયદપૂરા ગામના બાળકોને એવી ઊંચાઈએ લઈ જવા માંગે છે. આ ગામનો છોકરો કે છોકરી કોઈ પણ ક્ષેત્રની અંદર પાછળ ના પડી શકે અને પતિ પત્ની છેલ્લા ઘણા વર્ષોથી વાયદપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા છે. નરેન્દ્રભાઈ ચૌહાણ પ્રિન્સીપાલ છે, તો તેમના પત્ની શકુંતલાબેન ચૌહાણ શિક્ષિકા છે. જેનો સીધો લાભ આ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. હાલ આ શાળાની અંદર ફ્લાવર, કોબીજ, દુધી, રીંગણ જેવા અનેક શાકભાજીઓ ઉગાડવામાં આવે છે અને શાળામાં રહેલી પડતર જગ્યાનો ઉપયોગ કરાય છે.