ઝી મીડિયા/બ્યૂરો :ડાકોરની વર્ષો જૂની પરંપરા તૂટી છે. ડાકોર (dakor temple) ના ઈતિહાસમાં પહેલીવાર આવુ બન્યું છે કે, એક સેવકે 7 મહિલાઓ સાથે રાજા રણછોડના નિજ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. આ સેવકે મંદિર નિતિ નિયમો વિરુદ્ધ જઇ મહિલાઓને ઠાકોરજીના ચરણ સ્પર્શ કરાવ્યા હતા. ત્યારે આ સેવકની તસવીર સામે આવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાઓએ રણછોડરાયજીના આરામથી દર્શન કરીને ચરણ સ્પર્શ કરવાનો નિષેધ હોવા છતા 7 મહિલાઓએ દ્વારકાધીશના ચરણ સ્પર્શ કરીને દક્ષિણા પણ ધરી હોવાનો બનાવ બન્યો છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે એક પછી એક સાતથી વધુ મહિલાઓ ડાકોર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશીને દર્શન કરતી જોવા મળી હતી. પરેશભાઇ રમેશચંદ્ર સેવક નામના વ્યક્તિએ આજે સવારના સમયે 7 મહિલાઓ સાથે રાજા રણછોડના નિજ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. ત્યાં હાજર પટાવાળાએ તેઓને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો, છતાં તેઓએ ચરણ સ્પર્શ કર્યા હતા. 


સમગ્ર મામલે વિવાદ થયો અને તેના સીસીટીવીના ફૂટેજ વાયરલ થયા છે. તેથી પોલીસ મથકે કમિટી પહોંચતા પોલીસે મેનેજરની ફરિયાદ લઇને કલમ 188 મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં કહેવાયુ કે, ડાકોર મંદિરની વર્ષોથી પરંપરા તોડીને આ મહિલા શ્રદ્ધાળુઓએ ઠાકોરજીના ચરણસ્પર્શ કર્યા. 


7થી વધુ મહિલાઓએ ગર્ભગૃહમાં દર્શન કરતા વિવાદ લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. તો બીજી તરફ, મંદિરમાં મહિલાઓને લઈ જનાર પરેશ રમેશચંદ્ર સેવકે જણાવ્યું કે,  આજે અમારા પરિવારનો સેવાનો વારો હતો. અમારો વારો હોય ત્યારે હું મારા પરિવારના કોઇપણ સભ્ય દર્શન કરવા લઇ જઇ શકું છું. મારા વારાદારીઓ કે સેવકો કોઇને કશું પુછવાનું હોતું નથી. અમે અમારા પરિવારના સભ્યોને નીજ મંદિરમાં લઇ જઇ શકીયે છીએ. જેમને હું મારી સાથે લઇ ગયો હતો. તે મારી પત્નિ અને મારા ભાભી સહિતના પરિવારના સભ્યો હતાં.