બનાસકાંઠામાં ધારદાર હથિયાર વડે પતિએ પત્નીનું ઢીમ ઢાળ્યું, ભેદ ઉકેલાયો તો ખબર પડી કે પ્રેમિકાને...
બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ગામના ઠાકોરવાસમાં રહેતા ગોપાળસિંહ વાઘેલાના લગ્ન 10 મહિના અગાઉ વડગામના અંધારીયા ગામે રહેતા બાલસિંઘ પૃથ્વીરાજસિંગ ડાભીની પુત્રી કીસુબા જોડે થયાં હતાં.
અલકેશ રાવ/બનાસકાંઠા: દાંતીવાડાના નાંદોત્રા ઠાકોરવાસમાં રહેતા એક પતિએ પ્રેમિકાને પામવા પોતાની પત્નીની જ હત્યા કરી દીધી હતી. આ હત્યાને અકસ્માતમાં ખપાવી પત્નીના અંતિમ સંસ્કાર પણ કરી દીધા. પરંતુ મૃતક મહિલાના પિયરિયાઓને દીકરીના મોત મામલે શંકા થતા તેમણે પોલીસ પાસે તપાસની માંગ કરી અને પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરી તો પોલીસ તપાસમાં આ પતિના કારનામાનો ભાંડો ફૂટી ગયો હતો. જેમાં પતિએ જ પ્રેમિકાને પામવા પોતાની પત્નીની હત્યા કરી હોવાનું કબુલતાં પોલીસે હત્યારા પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ગામના ઠાકોરવાસમાં રહેતા ગોપાળસિંહ વાઘેલાના લગ્ન 10 મહિના અગાઉ વડગામના અંધારીયા ગામે રહેતા બાલસિંઘ પૃથ્વીરાજસિંગ ડાભીની પુત્રી કીસુબા જોડે થયાં હતાં. જોકે પતિ પત્ની 4 ઑક્ટોબરે નવરાત્રિ દરમ્યાન ગરબા જોઈને પરત ઘરે ફરી રહ્યા હતા. તે દરમ્યાન પતિ પત્નીને કોઈ કારણસર ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં પતિએ જ તેની પત્નીને કપાળના ભાગે ધોકો મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
બાદમાં પુરાવાનો નાશ કરવા માર્ગ અકસ્માત દરમ્યાન પત્નીનું મોત નિપજયાની વાત પત્નીના પિયરિયાના લોકોને જણાવી બીજે દિવસે વહેલી સવારે જ પત્નીની અંતિમ વિધિ પૂર્ણ કરી દીધી હતી. જો કે દીકરીના મોતના સમાચાર સાંભળી દીકરીના સાસરે પહોંચેલા પિયરયાઓએ દીકરીનો મૃતદેહ જોતા કપાળના ભાગે ઘાના નિશાન નજરે પડ્યા અને તેને જ લઈ પિયરિયાઓને કીસુબાના મોત મામલે શંકા જતાં તેમણે દાંતીવાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
જો કે પીયરીયાઓની માંગ બાદ ડીસા ડીવાયએસપી કૌશલ ઓઝા દ્વારા દાંતીવાડા પોલીસને સાથે રાખી સઘન તપાસ કરી અને પતિ ગોપાળસિંહની કડક પૂછપરછ કરી તો પતિ ગોપાળસિંહે જ તેની પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી દીધી હતી.
જો કે પોલીસને પતિ ગોપાળસિંહના શર્ટ પર તેમજ ઘરના લીંપણ ઉપરથી લોહીના ડાઘ મળી આવતા એફએસલની ટીમે પુરાવા એકત્રિત કરી હત્યામાં વપરાયેલો ધોકો પણ કબ્જે કરી લીધો છે અને આ સમગ્ર મામલે પોલીસે પત્ની કીસુબાના હત્યારા ગોપાળસિંહની અટકાયત કરી તેને જેલના સળીયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.
જુઓ આ પણ વીડિયો:-