અતુલ તિવારી/અમદાવાદ: ધોરણ 6નાં દ્વિભાષી પુસ્તકો છાપવાના મામલે વિવાદનો વંટોળ શરૂ થયો છે. જી હા...શિક્ષણ વિભાગના વધુ એક નિર્ણયથી શિક્ષણ જગતમાં નારાજગી વ્યાપી ગઈ છે. દ્વિભાષી પુસ્તક છાપવા અંગે સરકારની અંતિમ મંજૂરીની રાહ જોવાઇ રહી છે. ધોરણ.6માં રાજ્ય સરકાર ગણિત અને વિજ્ઞાનનાં દ્વિભાષી પુસ્તકો છાપવા માટે પરવાનગી આપવાની છે તેની સામે વિરોધ શરૂ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આગામી બે મહિનામાં દ્વિભાષી પુસ્તકો પ્રકાશિત કરવાની તૈયારી ચાલી રહી છે. પરંતુ દ્વિભાષી પુસ્તકો અંગે વિચારણા કરવા મળેલી 15 સભ્યોની કમિટીમાં પણ વિવાદ થયો હતો. દ્વિભાષી પુસ્તકો છાપવા કે નહીં તે માટે મળેલી કમિટીના 5 સભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો, જેમાં પ્રોફેસર મહેન્દ્ર ચોટલીયા, હર્ષદ શાહ, કિરીટ જોશી અને હસમુખ પટેલનો સમાવેશ થાય છે. દ્વિભાષી પુસ્તક ના છાપવા અંગે વિરોધ કરનાર કમિટી સભ્યોને નજરઅંદાજ કરાયા.


સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માટે પાઠ્યપુસ્તકો અલગ અલગ હોવા છતાં એક જ પુસ્તકમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાવાળાં પુસ્તક છાપવાનો નિર્ણય શા માટે લેવામાં આવી રહ્યો છે? દ્વિભાષી પુસ્તકો છાપવાના નિર્ણયના કારણે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ પાસે હાલ જે 200 પાનાનું પુસ્તક છે તે 400 પાનાનું થઈ જશે. તો પછી ભાર વગરના ભણતરનો અર્થ શું રહી જશે? પુસ્તકનું કદ બમણું થતાં પુસ્તકનો ખર્ચ વાલીઓ માટે બમણો થશે. બાળકની બેગનું વજન પણ બમણું થશે. તો દ્વિભાષી પુસ્તકો છાપવાનો નિર્ણય શા માટે? સરકાર પાછલા બારણે ભણતરને વધારે ભારવાળું બનાવવા જઈ રહી છે તો શા માટે શું ભાર વિનાના ભણતરની વાતો થઈ રહી છે? 



દ્વિભાષી પુસ્તકો છાપવાના વિષયમાં જાણકારો કહી રહ્યા છે કે શિક્ષકોને કઈ ભાષામાં બાળકોને અભ્યાસ કરાવવો તે મુદ્દે પણ મુશ્કેલી સર્જાશે. દ્વિભાષી પુસ્તક છાપવમાં આવતા ડાબા પાને ગુજરાતી અને એની સામે જમણા પાને અંગ્રેજીમાં લખાણ લખેલું હશે તો પછી પરીક્ષા કઈ ભાષામાં લેવી તે અંગે પણ વિવાદ ઊભો થશે. જો કોઈ વિદ્યાર્થી અંગ્રેજીમાં પરીક્ષા આપવા માગે છે તો તેનું પેપર કોણ ચેક કરશે?


દ્વિભાષી પુસ્તક છાપવા અંગે મળેલી કમિટીના સભ્ય અને શિક્ષણવિદ કિરીટ જોષીએ કહ્યું છે કે, દ્વિભાષી પુસ્તક રાજ્યનાં બે કરોડ બાળકો માટે ભવિષ્યમાં બોજો સાબિત થશે. તેમના કહેવા પ્રમાણે ગુજરાતના વાલીઓ પહેલેથી જ પોતાના બાળક માટે માધ્યમની પસંદગી કરી લે છે તો પછી બાળકો પર પુસ્તકરૂપે દ્વિભાષાનો બોજ આપવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો છે? આટલા મોટા નિર્ણયમાં શિક્ષકોને શા માટે પૂછવામાં નથી આવ્યું? ભવિષ્યમાં દ્વિભાષી પુસ્તક અંગે સરકારે પોતાના જ શિક્ષકોનો વિરોધ સહન કરવો પડશે. શિક્ષણવિદોનું કહેવું છે કે, વાલીઓ અંગ્રેજી માધ્યમમાં બાળકને રાખવા માંગે તો એનો વિરોધ નથી, પણ પુસ્તક દ્વિભાષી કરવા યોગ્ય નથી. 


કિરીટ જોષીએ કહ્યું છે કે, સરકાર પ્રજાના હિતમાં કામ કરે છે એટલે અપીલ કરું છું કે દ્વિભાષી પુસ્તકોની જરૂર નથી, એ છાપવા અંગે સરકાર વિચારે છે તો એ નિર્ણય સરકારે માંડી વાળવો જોઈએ. જો સરકાર દ્વિભાષી પુસ્તક છાપવાની વિચારણા કરતી હોય તો તેની પર રોક લગાવે. રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવાની વાત કહેવામાં આવી છે. એક તરફ MBBS અને એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ ગુજરાતીમાં કરાવવાનો પ્રચાર થઈ રહ્યો છે તો પછી પ્રાથમિક ધોરણમાં બાળકોનાં પુસ્તકો દ્વિભાષી કરવાનો નિર્ણય શા માટે લેવાઈ રહ્યો છે? 


દ્વિભાષી પુસ્તકને કારણે એક જ વર્ગના બે વર્ગ ઉભા થશે. શુ શાળાઓ એક જ વિષય માટે બે શિક્ષક રાખશે ખરી? દ્વિભાષી પુસ્તક છાપવાને કારણે કાગળની જરૂરિયાત બમણી થશે. કાગળની જરૂરિયાત બમણી થતા વૃક્ષો પણ બમણા કપાશે, પર્યાવરણ માટે પણ નુકસાની સાબિત થશે. એટલું જ નહીં, સરકાર ભલે બાળકોને પુસ્તક મફત આપે પરંતુ આ પુસ્તકો છાપવાનો સરકારનો ખર્ચ બમણો થઈ જશે. 200 રૂપિયાનું એક પુસ્તકનું કદ બમણું થતાં પુસ્તકની કિંમત વધીને 450 રૂપિયા થઈ જશે.


સરકાર માટે પ્રજાનાં નાણાનો ખર્ચ વ્યર્થ સાબિત થશે. 
દ્વિભાષી પુસ્તક છાપવા અંગે સરકારની અંતિમ મંજૂરીની રાહ જોવાઇ રહી છે ત્યારે સરકાર વિદ્યાર્થીઓના હિતમાં, જાહેર હિતમાં દ્વિભાષી પુસ્તકોનો નિર્ણય રદ કરે તે જરૂરી છે. કોને ફાયદો કરાવવા માટે દ્વિભાષી પુસ્તકોનો નિર્ણય લેવા જઈ રહી છે સરકાર? સરકારની મંજૂરી મળતા ગણિત અને વિજ્ઞાનના દ્વિભાષી પુસ્તકો તૈયાર કરાશે પરંતુ વિદ્યાર્થીઓએ તો પહેલેથી જ પોતાનું ભણવાનું ભાષાનું માધ્યમ નક્કી કરી લીધું હોય છે તો પછી એક જ પુસ્તકમાં બે ભાષાઓમાં પાઠ્યક્રમ છાપવાનો મતલબ શું છે. 


પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આગામી બે મહિનામાં દ્વિભાષી પુસ્તકો પ્રકાશિત કરવાની તૈયારી...
દ્વિભાષી પુસ્તકો અંગે વિચારણા કરવા મળેલી 15 સભ્યોની કમિટીમાં પણ  વિવાદ થયો હતો. દ્વિભાષી પુસ્તકો છાપવા કે નહીં તે માટે મળેલી કમિટીના 5 સભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો, જેમાં પ્રોફેસર મહેન્દ્ર ચોટલીયા, હર્ષદ શાહ, કિરીટ જોશી અને હસમુખ પટેલનો સમાવેશ થાય છે. દ્વિભાષી પુસ્તક ના છાપવા અંગે વિરોધ કરનાર કમિટી સભ્યોને નજરઅંદાજ કરાયા છે.