અર્પણ કાયદાવાલા/અમદાવાદ :રાજનાથસિંહે લોકોને સશક્ત બનાવતા લોક કેન્દ્રિત સુધારાઓની પ્રશંસા કરી હતી. સંરક્ષણ મંત્રીએ રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ પર વિશેષ ભાર મૂક્યો હતો. સંરક્ષણ મંત્રી  રાજનાથસિંહે 15 જુલાઇ 2021ના રોજ નવી દિલ્હીમાં એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંચાલિત ફરિયાદ વ્યવસ્થાપન એપ્લિકેશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ એપ્લિકેશન સંરક્ષણ મંત્રાલયે IIT- કાનપુરની મદદથી તૈયાર કરી છે. આ પ્રસંગે કાર્મિક અને લોક ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) ડૉ. જિતેન્દ્રસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફરિયાદ નિવારણમાં સુધારા માટે વિકસાવવામાં આવેલી સૌથી પહેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્રણાલી છે. આ પહેલ અંતર્ગત વિકસાવવામાં આવેલા AI ટૂલમાં ફરિયાદમાં લખેલી બાબતોના આધારે ફરિયાદને સમજવાની ક્ષમતા છે. પરિણામે તે ઉલ્લેખ કરવામાં આવેલી ફરિયાદો અથવા સ્પામની ઓળખ આપમેળે જ કરી શકે છે. ફરિયાદના અર્થના આધારે તે વિવિધ શ્રેણીઓની ફરિયાદોને વર્ગીકૃત કરી શકે છે, ભલે આવી શોધ માટે સામાન્યરૂપે ઉપયોગમાં લેવામાં આવતા કીવર્ડ ફરિયાદમાં ઉપલબ્ધ ના હોય. આ એક શ્રેણીમાં ફરિયાદોના ભૌગોલિક વિશ્લેષણની સુવિધા પૂરી પાડે છે જેમાં એવું વિશ્લેષણ પણ સામેલ છે કે, ફરિયાદના સંબંધિત કાર્યાલય દ્વારા યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો છે કે નહીં. સરળ અને ઉપયોગકર્તાઓ માટે અનુકૂળ સર્ચ કરવાની સુવિધા આ એપ્લિકેશનનો ઉપયોગ કરનારાઓને વ્યવસ્થાપનની આવશ્યકતાઓના આધારે પૂછવામાં આવેલા પ્રશ્નના આધારે પોતાના પ્રશ્નો/શ્રેણીઓ તૈયાર કરવા સમર્થ બનાવે છે અને પ્રશ્નોના આધારે પરફોર્મન્સનું પરિણામ પ્રાપ્ત કરવા પણ સક્ષમ બનાવે છે. પ્રશાસનિક સુધારા અને લોક ફરિયાદ વિભાગ (DARPG)ના CPGRAMS પોર્ટલ પર લાખો ફરિયાદો પ્રાપ્ત થાય છે તે બાબતને ધ્યાનમાં રાખીને, ફરિયાદોની પ્રકૃતિ સમજવા માટે તેમજ જ્યાંથી આ ફરિયાદો આવી રહી છે તે સ્થાનોને સમજવામાં આ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી નીવડશે તેમજ આ ફરિયાદોના નિવારણ માટે પદ્ધતિસર સુધારા બનાવવા માટે લાવી શકાય તેવા નીતિગત ફેરફારો કરવા માટે પણ તેનો ઉપયોગ થઇ શકે છે.


આ પ્રસંગે સંબોધન આપતા સંરક્ષણ મંત્રીએ એપ્લિકેશનને સુશાસનનું પરિણામ ગણાવી હતી જે સરકાર અને શિક્ષણવિદો વચ્ચે વધી રહેલો તાલમેલ દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે, આ પહેલ સરકારનો વધુ એક લોક કેન્દ્રિત સુધારો છે જેનો ઉદ્દેશ મોટાપાયે લોકોને સશક્ત બનાવવાનો છે. રાજનાથસિંહે લોક ફરિયાદ નિવારણ તંત્રના સુધારામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા બદલ પ્રશાસનિક સુધારા અને લોક ફરિયાદ વિભાગ (DARPG)ની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, લોકોની ફરિયાદોનો ઉકેલ લાવવો એ પોતાની રીતે એક મહાન સેવા છે. તેમણે કહ્યું કે, IIT કાનપુર જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓની સક્રિય ભાગીદારી આ પ્રણાલીને વધારે મજબૂત બનાવશે અને લોકોની ફરિયાદોનું પારદર્શક અને અસરકારક રીતે નિવારણ લાવી શકાશે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એપ્લિકેશન લોકોની ફરિયાદોને સ્વયંચાલિત રીતે જોઇને તેનું વિશ્લેષણ કરશે અને માનવીય હસ્તક્ષેપ વગર કામ કરશે, સમય બચાવશે તેમજ તેના દ્વારા આપવામાં આવેલા ઉકેલોમાં વધારે પારદર્શિતા પણ હશે.


4 ઑગસ્ટ 2020ના રોજ સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ વિભાગ, પ્રશાસનિક સુધારા અને લોક ફરિયાદ વિભાગ તેમજ IIT કાનપુર વચ્ચે આ પરિયોજના બાબતે એક ત્રિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ એપ્લિકેશનનો પ્રારંભ સુશાસન અને પ્રશાસનમાં AI આધારિત આવિષ્કારોની શરૂઆતનું પ્રતિક છે. આ પરિયોજના ફરિયાદ નિવારણમાં AI, ડેટા સાયન્સ અને મશીન લર્નિંગ ટેકનિકોનો ઉપયોગ કરવા માટે સરકારની પોતાની રીતે અનોખી પહેલ છે. સંરક્ષણ મંત્રાલયમાં આ પરિયોજનાની સફળતા અન્ય મંત્રાલયોમાં તેના વિસ્તરણનો માર્ગ મોકળો કરશે. સંરક્ષણ મંત્રાલય અને IIT કાનપુર આવનારા વર્ષોમાં પારસ્પરિક સહયોગ વધારવાનો ઇરાદો રાખે છે.


જેથી નાગરિકોની ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગનો વધુ બહેતર લાભ ઉઠાવી શકાય. વેબ આધારિત એપ્લિકેશનને સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ વિભાગ; પ્રશાસનિક સુધારા અને લોક ફરિયાદ વિભાગ અને IIT કાનપુરની એક ટીમ કે જેમાં પ્રોફેસર શલભ, નિશીથ વાસ્તવ અને પીયૂષ રાય સામેલ છે, તેમના દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશનના પ્રારંભ પ્રસંગે સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમાર, DARPGના અધિક સચિવ  વી. નિવાસ, સંરક્ષણ મંત્રાલયના અધિક સચિવ મતી નિવેદિતા શુક્લા વર્મા, IIT કાનપુરના નિદેશક પ્રોફેસર અભય કરંદીકર અને સંરક્ષણ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube