ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ આવ્યું મેદાને, મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો કરવા સરકારને કરી રજૂઆત
કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપતા દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. હવે રાજ્ય સરકારના કર્મચારીઓ પણ સરકાર પાસે મોંઘવારી ભથ્થું વધારવાની માંગ કરી રહ્યાં છે.
ગાંધીનગરઃ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બુધવારે 3 ટકાનો વધારો કર્યો હતો. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકારની જાહેરાત પ્રમાણે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 53 ટકા થઈ ગયું છે. હવે ગુજરાતમાં પણ દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે.
ગુજરાતમાં મોંઘવારી ભથ્થું વધારવાની માગ
ગુજરાત સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો આપવાની કર્મચારી મહામંડળે માગ કરી છે. મોંઘવારી અને દિવાળીને ધ્યાને રાખીને કર્મચારી મહામંડળે નાણામંત્રી કનુ દેસાઈએ પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થુ 50% થી વધારી 53% કરવાની માંગણી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરતા કર્મચારી મંડળે આ માગ કરી છે.
આ પણ વાંચોઃ માવઠું, ચક્રવાત, ગાજવીજ સાથે વરસાદ..... અંબાલાલ પટેલે કરી દીધી ડરામણી આગાહી
કેન્દ્ર સરકારે વધાર્યું મોંઘવારી ભથ્થું
બુધવારે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કર્મચારીઓને હવે 53 ટકાના દરે મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. આ ભથ્થાની જાહેરાત ભલે ઓક્ટોબરમાં કરવામાં આવી હોય પરંતુ તેને લાગૂ 1 જુલાઈથી માનવામાં આવશે. એટલે કે દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને ત્રણ મહિનાનું એરિયર પણ ચૂકવવામાં આવશે.
વર્ષમાં બે વખત વધે છે મોંઘવારી ભથ્થું
મહત્વનું છે કે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વખત વધારો કરવામાં આવે છે. આ મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી લાગૂ પડે છે. મોંઘવારીથી રાહત આપવા માટે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે.