લવ જેહાદ પર નીતિન પટેલનું મોટું નિવેદન, વિધર્મી યુવાનો આપણી બહેન-દીકરીઓ પર નજર બગાડે છે
- એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, આપણી સંસ્કૃતિનું રક્ષણ આપણે જ કરવાનું છે
- કેટલીક સંકુચિત માનસિકતા વાળા પોતાના ધર્મ સિવાય બીજા કોઈનું અસ્તિત્વ રહેવા દેવા માંગતા નથી
- ભવિષ્યમાં જરૂર પડે તો ગુજરાત સરકાર લવ જેહાદનો કાયદો લાવવા વિચારણા કરશે
બ્રિજેશ દોશી/અમદાવાદ :ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી લવ જેહાદનો કાયદો (love jihad) લાવવાની માંગ ઉઠી છે. આ મામલે ભાજપના અનેક નેતાઓ મુખ્યમંત્રીને પત્ર પણ લખી ચૂક્યા છે. ત્યારે લવ જેહાદ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (nitin patel) નું મોટુ નિવેદન સામે આવ્યું છે. રામ મંદિર નિર્માણ નિધિ અભિયાનના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, આપણી સંસ્કૃતિનું રક્ષણ આપણે જ કરવાનું છે. શા માટે લવજેહાદ વિરોધી કાયદાઓની જરૂર પડે છે? શા માટે વિધર્મી યુવાનો આપણી બહેન-દીકરીઓ પર નજર બગાડી જાય છે. કેટલીક સંકુચિત માનસિકતા વાળા પોતાના ધર્મ સિવાય બીજા કોઈનું અસ્તિત્વ રહેવા દેવા માંગતા નથી, પણ આવું થવાનું નથી. ભગવા ઝંડાની આપણી ભારતીય સંસ્કૃતિ હંમેશા રહેશે. હજારો વર્ષોથી આ સંસ્કૃતિ ચાલતી આવી છે.
જરૂર પડશે તો ગુજરાત સરકાર લવ જેહાદનો કાયદો લાવશે
આ વિશે વધુમાં તેમણે કહ્યું કે, કેટલાક વિધર્મી યુવાનો હિન્દુ છોકરીઓને ફોસલાવીને લગ્ન કરે છે અને સરકારના ધ્યાનમાં આવ્યા પ્રમાણે એ દીકરીઓ દુઃખી થાય છે. તેનાથી સમાજમાં પણ દુર્ભાવના ફેલાય છે. આવા લોકોના કારણે જુદા જુદા ધર્મ, સંપ્રદાય વચ્ચે અશાંતિ ફેલાય છે. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સરકારે આ અંગે કાયદો બનાવ્યો છે. આ પ્રમાણેનો કાયદો બનાવવા ગુજરાત સરકાર સમક્ષ અનેક વ્યક્તિઓ, સંગઠનોએ રજૂઆત કરી છે. બે રાજ્યોના કાયદાઓ, અસરકારતા અંગે અભ્યાસ ચાલી રહ્યો છે. ભવિષ્યમાં જરૂર પડે તો ગુજરાત સરકાર લવ જેહાદનો કાયદો લાવવા વિચારણા કરશે.
આજે જવાહરલાલ નેહરૂ ભૂલાઈ ગયા
તો સાથે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જવાહરલાલ નેહરૂ પર પણ મોટું નિવેદન આપ્યું હતું. નીતિન પટેલે કહ્યું કે, બિનસાંપ્રદાયિકતાની વાતો કરવાથી આજે જવાહરલાલ નેહરૂ ભૂલાઈ ગયા છે. જ્યારે સોમનાથ મંદિર બનાવીને સરદાર પટેલ અમર થઈ ગયા છે. ભગવા ઝંડાની આપણી સંસ્કૃતિ છે જે હંમેશા રહેવાની છે. પરંતુ કેટલાક નબળી માનસિકતાવાળા લોકો આ વાતને સમજી નથી શકતા. જ્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે લોખંડ ઉઘરાવ્યું ત્યારે પણ કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ભંગારનો ભૂક્કો કહ્યું હતું. આવા જ કેટલાક લોકો હવે રામ મંદિરમાં એવી જ વાતો કરશે. પરંતુ આવા લોકોની વાતોથી ગેરમાર્ગે ન દોરાવવા હિન્દુોને અપીલ કરી હતી.
આવતીકાલથી વેક્સીનેશન શરૂ થશે
આજથી દેશભરમાં રામ મંદિર નિર્માણ નિધિ અભિયાનની શરૂઆત થઈ છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં કહ્યું કે, ભવ્ય રામમંદિરના નિર્માણ માટે દરેક હિન્દુઓના ઘરેથી VHP, સંઘ પરિવાર સમર્પણ નિધિ એકત્ર કરશે. દરેક હિન્દુ પરિવારનું આ મંદિર છે એવા ભાવથી આ અભિયાનની શરૂઆત થઈ છે. કરોડો હિન્દુઓના ઘર સુધી કાર્યકરો પહોંચશે. વેક્સીનેશન માટે આવતીકાલથી પ્રધાનમંત્રી શરૂઆત કરશે. સૌથી મોટું વેકસીનેશનનું અભિયાન તમામ જિલ્લા રાજ્યોને આવરી લેશે. કોરોના વોરિયર્સને વેક્સીન આપવાની શરૂઆત થશે. પ્રાથમિકતા પ્રમાણે વેક્સીન આપવામાં આવશે. મુખ્યમંત્રી અને હું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાજર રહીશું.