ગાંધીનગરઃ રાજ્યના વિકાસ માટે સરકાર એક બાદ એક નિર્ણયો કરી રહી છે. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરવા શહેરી જન સુખાકારી વૃદ્ધિના વિવિધ વિકાસ કામો માટે 453.72 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવણીને મંજૂરી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રકમ રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ બોરસદ, કડી, ચોટીલા, સાવરકુંડલા, વિરમગામ, વેરાવળ- પાટણ સંયુક્ત નગરપાલિકા, વડનગર, રાજુલા, પ્રાંતિજ, સોજીત્રા, દેવગઢબારીયા, હાલોલ, ઉમરેઠ અને બારેજા નગરપાલિકાઓ માટે ફાળવી છે.


વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યની સ્થાપનાના સ્વર્ણિમ જયંતી વર્ષ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં નગરોના સર્વગ્રાહી વિકાસની નેમ સાથે આ યોજના શરૂ કરી હતી. આ યોજના અન્વયે ૨૦૦૯ થી ૨૦૧૪ ના પાંચ વર્ષના પ્રથમ તબક્કામાં રૂ. ૭ હજાર કરોડ તથા ૨૦૧૨ થી ૨૦૧૭ ના બીજા તબક્કામાં રૂ. ૧૫ હજાર કરોડની જોગવાઈઓ કરવામાં આવી હતી.


આ પણ વાંચોઃ રાહુલ ગાંધીની 3 દિવસ ગુજરાત મુલાકાત પહેલાં ભાજપે પાડ્યો ખેલ : શક્તિસિંહની ધૂળ નિકળશે


ત્યારબાદ ૨૦૧૭ થી ૨૩-૨૪ના વર્ષમાં ઉત્તરોત્તર ગ્રાન્ટની રકમ આ યોજનામાં ફાળવવામાં આવેલી છે. શહેરી જનજીવન સુખાકારીમાં મહત્વનું પ્રદાન કરતી આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વધુ ત્રણ વર્ષ એટલે કે ૨૦૨૬-૨૭ સુધી ચાલુ રાખવામાં આવી છે. 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના માટે આ વર્ષના બજેટમાં રૂ. ૮,૬૩૪ કરોડની જોગવાઈઓ કરેલી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યત્વે ભૌતિક આંતર માળખાકીય સુવિધાઓ, સામાજિક આંતર માળખાકીય સુવિધાઓ, અર્બન મોબિલિટી, આગવી ઓળખના કામો, ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના, આઉટગ્રોથ વિસ્તાર કામો જેવા ઘટકો નિયત કરવામાં આવ્યા છે.


મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે તદઅનુસાર, ગાંધીનગર મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ વિસ્તારોના પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર વ્યવસ્થાના કામો માટે ૩૦૮.૭૫ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. એટલું જ નહીં, ભૌતિક આંતર માળખાકીય સુવિધાના કામો અન્વયે ૯ નગરપાલિકા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો માટે ૧૧૮.૫૩ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.


આ પણ વાંચોઃ કોંગ્રેસને 'રામ-રામ' : મોઢવાડિયા અને અંબરીશ ડેર પણ હવે 'મોદીનો પરિવાર'


મુખ્યમંત્રીએ વિકાસ કામો માટે વિશેષ ગ્રાન્ટ અન્વયે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાને સોમનાથ મંદિર આસપાસના વિસ્તારના ડામર રોડ કામો, પેવર બ્લોક ફીટીંગ કામો, મોટા વૃક્ષોના કુંડા મુકવાના તથા સાંસ્કૃતિક ચિત્ર કળા અને સૌંદર્ય કળાના કામો માટે ૮.૭૪ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.


સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આઉટગ્રોથ વિસ્તારના કામો એટલે કે નગરપાલિકાઓની નજીકમાં બહારના વિકસી રહેલા વિસ્તારોમાં જન સુવિધાના કામો માટે પણ નાણાં ફાળવવાનું પ્રાવધાન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર કડી, ચોટીલા, સાવરકુંડલા અને વિરમગામ નગરપાલિકાઓને આર.સી.સી. રોડ, LED સ્ટ્રીટ લાઇટ નાંખવી, સી.સી. રોડ અને પેવર બ્લોક, નાળું, ટાંકી તથા સમ્પ વગેરેના ભૌતિક આંતર માળખાકીય સુવિધાના કામો માટે કુલ  ૧૭.૨૦ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે.


આ ઉપરાંત ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજનામાં બોરસદ અને કડી નગરપાલિકાને સોસાયટીમાં પેવર બ્લોક તથા આર.સી.સી. પાણીની પાઇપલાઇન નાંખવાના કામો વગેરે મળીને ૪૯.૯૩ લાખ રૂપિયા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રીએ મંજૂર કર્યા છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્‍વયે ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના અંતર્ગત સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં ૪૩,૧૯૯ કામો મંજૂર થયા છે તેમાંથી ૩૯,૬૨૫ પૂર્ણ થઈ ગયા છે અને ૧,૪૪૮ કામો પ્રગતિમાં છે.


આ પણ વાંચોઃ વડોદરામાં ભાજપ કોને આપશે ટિકિટ? આ નામ આવ્યા ચર્ચામાં.... સરપ્રાઇઝની તૈયારી!


આ હેતુસર, અત્યાર સુધીમાં મહાનગરપાલિકાઓને રૂ. ૨૦૨૪.૩૯ કરોડ અને નગરપાલિકાઓને રૂ. ૩૦૫.૩૦ કરોડની રકમ ગ્રાન્ટ તરીકે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે ચૂકવી છે. હવે, મુખ્યમંત્રી સમક્ષ શહેરી વિકાસ વિભાગે રજૂ કરેલી ૪૫૩.૭૨ કરોડ રૂપિયાની વિવિધ વિકાસ કામોની દરખાસ્તોને તેમણે અનુમતિ આપતા સંબંધિત નગરોમાં નાગરિકોની સુખાકારીના કામો વધુ વેગવંતા બનશે.