રાહુલ ગાંધીની 3 દિવસ ગુજરાત મુલાકાત પહેલાં ભાજપે પાડ્યો ખેલ : શક્તિસિંહ, અમિત ચાવડાની ધૂળ નીકળશે

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા અને લોકો સાથે સંપર્ક કરવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રામાં છે. આ ન્યાય યાત્રા હવે ગુજરાતમાં પ્રવેશવાની છે. પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના એક બાદ એક નેતાઓ પાર્ટી છોડી રહ્યાં છે. 

રાહુલ ગાંધીની 3 દિવસ ગુજરાત મુલાકાત પહેલાં ભાજપે પાડ્યો ખેલ : શક્તિસિંહ, અમિત ચાવડાની ધૂળ નીકળશે

અમદાવાદઃ લોકસભા ચૂંટણી નજીકમાં છે ત્યારે ગુજરાતમાં નબળી પડેલી કોંગ્રેસને મજબૂત કરવા રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. પાર્ટીને મજબૂત કરવા નીકળેલા રાહુલ ગાધી ગુજરાત પહોંચે તે પહેલાં જ પાર્ટીમાં ફૂટ પડવા લાગી છે. ત્યારે ગુજરાતમાં કેવી હશે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જોઈએ આ અહેવાલમાં... 

માત્ર ગુજરાત જ નહીં લગભગ આખાય દેશમાં કોંગ્રેસની સ્થિતિ કથળી ચુકી છે. ત્યારે વિકટ સ્થિતિમાં આવેલી કોંગ્રેસ પાર્ટીને બચાવવા માટે રાહુલ ગાંધી દેશના અલગ અલગ રાજ્યોમાં ફરી રહ્યા છે, અને કોંગ્રેસ પાર્ટીને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં હવે ભારત જોડો, ન્યાય યાત્રા લઈને નીકળેલા રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. ચાર દિવસની ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરીને મહારાષ્ટ્ર તરફ રવાના થઈ જશે. પરંતુ રાહુલ ગાંધી લોકોને જોડવા માટે ગુજરાતમાં પહોંચે તે પહેલાં પાર્ટીમાં ઘમાસાણ શરૂ થઈ ગયુ છે. કોંગ્રેસમાંથી તેમના જ દિગ્ગજ નેતાઓ એક બાદ એક પાર્ટીને અલવિદા કરી રહ્યા છે. સ્થિતિ એવી આવી ચુકી છે કે કોંગ્રેસ સાથે લોકોને જોડવા નીકળેલા રાહુલ ગાંધી તેમના જ નેતાઓને બચાવી શક્યા નથી. રાહુલની 3 દિવસ ગુજરાતમાં ન્યાયયાત્રા પહેલાં ગુજરાતના દિગ્ગજ નેતાઓના રાજીનામાથી શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા ભરાયા છે. એમની પાસે રાહુલને જવાબ આપવા માટે વિકલ્પ બચ્યા નથી. ભાજપે રાહુલ ગુજરાતમાં આવે એ પહેલાં મોટો ખેલ પાડી દીધો છે. 

તૂટતી કોંગ્રેસને બચાવવા રાહુલના પ્રયાસ
રાહુલ ગાંધીની ભારત જોડો, ન્યાય યાત્રા 7 માર્ચના રોજ ગુજરાતમાં પ્રવેશ કરશે. અને 10 માર્ચે મહારાષ્ટ્રમાં જવા માટે નીકળી જશે. ત્યારે રાહુલ ગાંધી ગુજરાત આવે તે પહેલા જ ભાજપ નેતા અજય મિશ્રાએ પ્રહાર કરતા કહ્યુ કે રાહુલ ગાંધીને ગંભીરતાથી લેવાની જરૂર નથી. ભાજપમાં તેમના નેતાઓ અને કાર્યકરો હંમેશા પાર્ટી માટે કામ કરતા રહે છે.   

રાહુલ ગાંધી ચાર દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે તેમાં પ્રથમ દિવસ એટલે કે 7 માર્ચે, ઝાલોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે. ઝાલોદમાં જાહેર સભાને સંબોધી લીંમડી પહોંચશે જ્યાં રાત્રી રોકાણ કરશે....તો બીજા દિવસે 8 માર્ચે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા કરશે. દાહોદથી ન્યાય યાત્રા લીમખેડા પહોંચશે. જ્યાં સ્થાનિક કાર્યકરો સાથે મુલાકાત કરશે. લીમખેડા બાદ રાહુલ ગાંધી પીપલોદ પહોંચશે, ત્યારબાદ પંચમહાલના ગોધરા પહોંચશે. જ્યાં કાર્યકરો સાથે મુલાકાત બાદ હાલોલ પહોંચશે. હાલોલમાં થોડા રોકાણ બાદ પાવાગઢ પહોંચશે...પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન પણ કરી શકે છે. પાવાગઢથી શિવરાજપુર અને પછી જાંબુગોડા પહોંચશે. અહીં ન્યાય યાત્રાનું બોડીલી ખાતે રાત્રિ રોકાણ થશે....

ત્રીજા દિવસે 9 માર્ચે બોડેલીથી યાત્રાનો પ્રારંભ થશે અને નસવાડી પહોંચશે. નસવાડીમાં કાર્યકરો સાથે મુલાકાત બાદ રાજપીપળા પહોંચશે, રાજપીપળામાં બપોરનું ભોજન લેશે. ત્યારપછી તેઓ કાલાઘોડા જશે, જ્યાં બેંક ઓફ બરોડા સર્કલ ખાતે રાહુલ ગાંધીનું સ્વાગત કરાશે. બેંક ઓફ બરોડા સર્કલથી યાત્રા નેત્રંગ પહોંચશે, જ્યાં અઢી કલાકે કોર્નર બેઠક થશે....તો ચોથા દિવસે એટલે કે 10 માર્ચે માંડવીમાં યાત્રાનું આગમન થશે. રાહુલ ગાંધી માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે. બારડોલીથી બાજીપુરા અને બાજીપુરાથી વ્યારા પહોચશે. વ્યારા ખાતે પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠક યોજાશે. વ્યારાથી ન્યાય યાત્રા સોનગઢ પહોંચશે, જે બાદ 10 માર્ચે નવાપુરાથી ન્યાય યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. ગુજરાતમાં કોંગ્રેસ હાલ મૃતપાય બની રહી છે. કેમ કે કોંગ્રેસમાં હાલ એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાહુલ ગાંધીની યાત્રા બાદ ગુજરાત કોંગ્રેસમાં કેટલા પ્રાણ ફૂંકાયા, તે તો ચૂંટણીના પરિણામ પરથી જ ખબર પડશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news