શરીરમાં ફીટ કરાયેલા ફિસ્યુલાના રણકાર માટે ધનેશ કહેતો કે “આ તો મારો પર્સનલ મોબાઇલ છે જે અંદર વાગે છે”
સુરતના ૬ વર્ષના બાળક ધનેશની બંને કિડની ફેઇલ થઈ ગઈ હતી. અદમ્ય જુસ્સા અને દૃઢ સંકલ્પ સાથે ધનેશે આઠ મહિના સુધી અતિ વિકટ ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનનો સામનો કરી મોતને હંફાવી દીધું હતું
અમદાવાદ: એક નાનું બાળક પણ પોતાના જુસ્સા અને અદમ્ય ઉત્સાહથી મોતને પણ હંફાવી શકે છે તેનું ઉત્તમ દૃષ્ટાંત સ્થાપિત કરે તેવી એક ઘટનામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસિઝિસ ઍન્ડ રિસર્ચ સેન્ટર – IKDRCમાં જોવા મળી હતી.
સુરતના ૬ વર્ષના બાળક ધનેશની બંને કિડની ફેઇલ થઈ ગઈ હતી. અદમ્ય જુસ્સા અને દૃઢ સંકલ્પ સાથે ધનેશે આઠ મહિના સુધી અતિ વિકટ ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનનો સામનો કરી મોતને હંફાવી દીધું હતું અને હવે નવજીવન પ્રાપ્ત કર્યું છે. એક ગરીબ પરિવાર માટે પોતાના બાળકની આવી જટિલ સારવાર કરાવવી ખુબ જ કપરું હોય છે, ત્યારે ગુજરાતની સંવેદનશીલ સરકારની બાળ આરોગ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાના કારણે આ ગરીબ પરિવાર પોતાના બાળકનો સારો ઇલાજ કરાવી શક્યો છે. સાથે સાથે IKDRCના તબીબોએ પણ ખુબ જ ચીવટ અને તજજ્ઞતા સાથે આ બાળકને ફરી હસતો રમતો કરીને વધુ એકવાર પોતાના નૉબૅલ પ્રોફૅશનને ઉચ્ચ ગૌરવ પ્રદાન કર્યું છે.
નાની વયના બાળકોમાં ડાયાલિસિસ અતિ મુશ્કેલ ગણાય છે, તેમ છતાં IKDRCના તજજ્ઞ તબીબોએ આ પડકાર આબાદ ઝીલ્યો અને બાદમાં આ બાળકમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરીને તેને હસતો ખેલતો કર્યો છે, જે ગુજરાતના સમગ્ર તબીબી જગત માટે ગૌરવરૂપ ઘટના છે.
ધનેશને પોસ્ટીરિયર યુરેથ્રલ વાલ્વની જન્મજાત બિમારી હોવાના કારણે તેની કિડની ફેઇલ થઇ ગઇ હતી. જેના નિરાકરણ માટે ઓપરેશન તો હાથ ધરવામાં આવ્યુ પરંતુ ક્રોનિક ફેલ્યોર થઇ જતા તેને નિયમિત ડાયાલિસિસ પર રહેવાની ફરજ પડી. બાળકોમાં ડાયાલિસીસ અત્યંત ગંભીર માનવામાં આવે છે. ડાયાલિસિસ મશીનમાં લોહીના દબાણ (પ્રેશર) જેટલું જ શરીરમાંથી લોહીનું દબાણ સર્જાવવાની જરૂરિયાત અતિઆવશ્યક હોય છે. ધનેશના કિસ્સામાં તે નબળું પાસું હતું.
પરંતુ કિડની હોસ્પિટલના તબીબોના જ્ઞાન અને ધનેશના જુસ્સા સામે કંઇપણ અશક્ય ન હતું. અમદાવાદ સિવિલ સંકુલની કિડની હોસ્પિટલમાં ધનેશની સારવાર શરૂ કરવામાં આવી. હોસ્પિટલના પિડિયાટ્રિક નેફ્રોલોજીસ્ટ વિભાગના ડૉ. કિન્નરી વાળા અને તેમની ટીમે ધનેશને ગમે તે ભોગે આ સમસ્યામાંથી ઉગારવા અને તેના જીવનમાં ઉલ્હાસના રંગો પુરવાનો દૃઢ સંકલ્પ કર્યો.
તબીબોની ટીમે પિડિયાટ્રીક નેફ્રોલોજીના સ્થાપિત ધોરણો મુજબ પૅરિટોનિયલ (પેટના ભાગમાં) ડાયાલિસિસ કરવાનું નક્કી કર્યું. આ ડાયાલિસિસ કર્યા બાદ બાળકને નિયમિત સમયસર પોષણયુક્ત આહાર મળી રહેવો ખૂબ જ આવશ્યક હતો. જો તે ન મળે તો બાળકને ચેપ લાગવાની પ્રબળ શક્યતાઓ રહેલી હોય છે. ઘનેશના કિસ્સામાં આવું જ બન્યું.
ગરીબ પરિવાર માટે દરરોજ કમાઇ ને દરરોજ ગુજરાન ચલાવવાની પરિસ્થિતિ હોય છે ત્યારે પોષણયુક્ત આહાર મેળવવો મુશકેલ હોય છે. તે કારણોસર જ ધનેશને કમનસીબે ચેપ લાગ્યો અને તેની જટિલતાને અટકાવવા કેથેટરને નીકાળવું પડ્યું. પરંતુ કેથેટર નીકાળ્યા બાદ પણ તબીબોની ટીમે પુખ્ત વયના લોકો માટે રચાયેલી પ્રક્રિયા હેમોડાયાલિસિસનો વિકલ્પ બાકી રાખ્યો હતો.
ત્યારબાદ માનવસર્જિત કેથેટર દ્વારા ડાયાલિસિસ શરૂ કર્યુ. પરંતુ ૬ વર્ષીય બાળકમાં ડાયાલિસિસ કરવું ખૂબ જ પડકારજનક બની રહ્યું હતું. ડાયાલિસિસ મશીનમાં લોહીનું દબાણ (પ્રેશર) જેટલું જ શરીરમાંથી લોહીનું દબાણ સર્જાવાની જરૂરિયાત અતિઆવશ્યક હોય છે. ધનેશના કિસ્સામાં તે નબળું પાસું હતુ. જેના કારણે ધનેશને ફક્ત ૩ મહિના જ સામાન્ય ડાયાલિસિસ થઈ શક્યું.
તેના કારણે કિડની હોસ્પિટલના તબીબો દ્વારા ફિસ્યુલા કરવામાં આવ્યું. ફિસ્યુલા એક પ્રકારની સર્જરી જ છે જેમાં બાળકના શરીરમાં એક યંત્ર કામચલાઉ ધોરણે ફીટ કરવામાં આવે છે, જેના થકી શરીરમાં ડાયાલિસિસ મશીનની જરૂરિયાત પ્રમાણે માફક આવે તેવી રીતે લોહીનું પ્રેશર બને છે. આ યંત્ર થકી ધનેશને ૮ મહિના સુધી ડાયાલિસિસ કરાવવામાં આવ્યુ.
અત્રે ઉલ્લેખનીય છે કે બાળક ધનેશમાં મોતને હંફાવવાનો જુસ્સો પણ કાબિલેદાદ હતો. ફિસ્યુલા ઘનેશના શરીરમાં ફીટ કરવામાં આવ્યુ ત્યારે તેના રણકારથી ધનેશ કહેતો કે “આ તો મારો પર્સનલ મોબાઇલ છે જે અંદર વાગે છે”.ફિસ્યુલા થકી ઘનેશનું ૮ મહિના સુધી ડાયાલિસીસ થતું રહ્યું તે દરમિયાન કિડની હોસ્પિટલ દ્વારા કાર્યરત કેડેવર પ્રોગ્રામમાં ધનેશને મેચ થાય તેવી કિડની દાતા મળી રહે તેવા લગાતાર પ્રયત્નો કરાતા રહ્યાં. અંતે આ પ્રયત્નો ફળ્યાં. ૮ મહિનાના ડાયાલિસીસ બાદ ગત વર્ષે નવેમ્બર મહિનામાં ધનેશનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. અંતે ડાયાલિસિસ પર રહેવાની ઘનેશની જરૂરિયાતનો અંત આવ્યો.
હવે આ ટ્રાન્સપ્લાન્ટ સફળ થયુ છે કે નહીં તેની આડઅસર તો નથી થઇ તે જોવાનું રહ્યું હતું, જે કારણોસર ધનેશને સમયાંતરે દેખરેખમાં રાખવામાં આવ્યો, તેનું ફોલોઅપ લેવામાં આવતું હતું. આજે એક વર્ષ બાદ ધનેશ સંપૂર્ણ સ્વસ્થ છે. સામાન્ય બાળકોની જેમ જ જીવન જીવી રહ્યો છે... રમી રહ્યો છે... ચિંતામુક્ત બની ભણી રહ્યો છે... અને પોતાના સ્વપ્નના શિખરો સર કરવા તૈયાર થઇ રહ્યો છે.
"ગુજરાત સરકાર દ્વારા સંચાલિત શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત મહત્વપૂર્ણ અંગોની બિમારીઓવાળા દરેક બાળકને તેમની સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના આઈકેડીઆરસી ખાતે વિના મૂલ્યે સારવાર આપવામાં આવે છે."- તેમ આઈકેડીઆરસીના નિયામક ડૉ. વિનીત મિશ્રાએ જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube