કેતન બગડા/અમરેલી :લાઠી તાલુકાના નાનકડા એવા દુધાળા ગામના ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકીયાએ એવો સંકલ્પ કર્યો કે મારે મારા ગામને સોલાર એનર્જીથી મઢી લેવું છે અને આ નિર્ણયને પરિવારે વધાવીને દુધાળા ગામને સોલાર એનર્જી આપવાનુ નક્કી કર્યું. આજે ગામમાં 50 ટકા જેટલું કામ પૂર્ણ થયું છે. આવનારા દિવસોમાં આખું ગામ સોલાર સિસ્ટમથી સજ્જ થઈ જશે અને સમગ્ર ગામ સોલાર સિસ્ટમથી ઝળહળી ઉઠશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે લાઠી તાલુકાનું દુધાળા ગામ. આ નાનકડા એવા ગામમાં 300 જેટલા મકાનો આવેલા છે અને દુધાળા ગામના વતની ઉદ્યોગપતિ એવા ગોવિંદભાઈ ધોળકિયાએ ગામ માટે કંઈક કરી છૂટવાનો સંકલ્પ કર્યો હતો. તેમણે સંકલ્પ કર્યો કે, તેમના ગામને સોલાર એનર્જીથી સજ્જ કરવુ જોઈએ. ધોળકિયા પરિવારે આ સંકલ્પને વધાવી લીધો અને પોતાના જ ગામમાં આવેલા 300 મકાનોમાં પોતાના ખર્ચે સોલર એનર્જી આપવાનું કામ શરૂ કર્યું. હાલમાં દુધાળામાં 160 મકાનો ઉપર સોલાર સિસ્ટમ ફીટ કરી દેવાઈ છે અને હાલ પણ આ કામ પૂરજોશમાં ચાલુ છે. જેનો સમગ્ર ગ્રામજનોને ખૂબ આનંદ છે.


આ પણ વાંચો : માંડણ ગામ પાસે નર્મદા નદીમાં ન્હાવા પડેલા એક જ પરિવારના 5 ડૂબ્યા


ગ્રામજનો ધોળકિયા પરિવારને અભિનંદન અને આશીર્વાદ પાઠવતા કહે છે કે અમારે 800 રૂપિયાથી 1500 રૂપિયા જેટલું લાઈટ બિલ આવતું હતું. એ હવે નહીવત આવશે અથવા તો નહિ આવે. અને જે વીજ બિલમાંથી પૈસાની બચત થશે તે અમારા પરિવારના બાળકોના અભ્યાસ કે અન્ય ખર્ચ માટે ઉપયોગ કરી શકાશે. મહત્વની વાત એ છે કે કોઈપણ એક વ્યક્તિના પોતાના જ દાનમાંથી આખું ગામ સોલાર સિસ્ટમથી સજ્જ થઈ રહ્યું હોય તો કદાચ આ દેશમાં પ્રથમ દુધાળા ગામ હોઈ શકે. ત્યારે દુધાળા ગામનો ધોળકિયા પરિવાર એવી અપેક્ષા રાખે છે કે, અમારામાંથી પ્રેરણા લઈને અનેક ઉદ્યોગપતિઓ પોતાના ગામ માટે કંઈક કરે તો ગુજરાત અને દેશમાં એક નવો ચીલો પાડ્યો ગણાશે. 


દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારતની વાત કરી રહ્યા છે ત્યારે હવે દુધાળા ગામ વીજ બિલ માટે આત્મનિર્ભર બની ગયું છે તેનો પણ ધોળકિયા પરિવારને આનંદ અને ગૌરવ છે. ગ્રામજનો અને ધોળકિયા પરિવારની એવી પણ અપેક્ષા છે કે જ્યારે આખું ગામ સોલારથી સજ્જ થઈને આત્મનિર્ભર બને. દેશના વડાપ્રધાનના આ વિચારને ધોળકિયા પરિવારએ અને દુધાળા ગામે સંપૂર્ણપણે સ્વીકારીને અમલમાં મૂક્યો છે, ત્યારે તેઓ એવી પણ અપેક્ષા રાખી રહ્યા છે કે અમારા ગામમાં માનનીય વડાપ્રધાન આવી અને સમગ્ર દુધાળાની ઝળહળતું કરે તેમના હાથે જ લોકાર્પણ થાય.


આ પણ વાંચો : છોટાઉદેપુરમાં લગ્નમાં જમ્યા પછી 200 ને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા


દાતા પરિવારમાંથી ઈશ્વરભાઈ ધોળકિયા કહે છે કે, ધોળકીયા પરિવારના અભૂતપૂર્વ યોગદાન સ્વરૂપે ગામને સોલરથી મઢવાનો પ્રયાસ કર્યો છે. હવેથી સમગ્ર ગામનું જે લાઈટ બિલ એક લાખ જેટલું આવતું હતું તે હવે ઝીરો આવશે. અને મહત્વની વાત એ છે કે આગામી 30-35 વર્ષ સુધી સમગ્ર ગામ આ વિનામૂલ્યે વીજળીનો ઉપયોગ કરી શકશે. 


વતન માટે અઢળક પૈસા વાપરીને ઋણમુક્તિના કામ કનાર ધોળકિયા પરિવારને ગ્રામજનોએ આવકારી આશીર્વાદ આપ્યા છે. દુધાળા ગામને સોલારથી સજ્જ કરવા માટે સ્થાનિક લોકોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે. કારણ કે, આવનારા દિવસોમાં અનેક લોકોને જે વીજબિલ આવતું હતું તે બંધ થઈ જશે અને વીજળીના વપરાશ બાદ તેમને જે વીજળીની બચત કરી છે તેના પૈસા પોતાના બેંક એકાઉન્ટમાં જમા થશે. આમ લાઠી તાલુકાના દુધાળા ગામમાં ગોવિંદભાઈ ધોળકિયા સમગ્ર ગામને સોલાર સિસ્ટમ ભેટમાં આપતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. 


પોતાના વતનનું ઋણ ચૂકવવા દુધાળાના ગોવિંદભાઈ ધોળકિયા જે આત્મનિર્ભર દુધાળા બનાવ્યું છે તે ખરેખર સમગ્ર દેશ માટે અનુકરણીય કદમ અને દાખલો બેસાડયો છે કે અમારું ગામ એનર્જી માટે આત્મનિર્ભર બનશે.