નવનીત દલવાડી, ભાવનગરઃ અખંડ ભારતની સ્થાપના માટે પોતાનું પ્રથમ રઝવાડુ અર્પણ કરનાર રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલના ભાવનગરમાં જ્યાં ત્યાં ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરાના કારણે હેરિટેજ સ્મારકોને ખૂબ મોટું નુકશાન થઈ રહ્યું છે. હેરિટેજ સ્મારકોમાં અનેક જગ્યા પર તિરાડો પડી ગઈ છે. જાળવણીના અભાવે ગંગાદેરી, પ્રાચીન આયુર્વેદ કોલેજ, દરબારી કોઠાર અને દરબાર ગઢ સહિતના હેરિટેજ સ્મારકોમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યાં છે તેમજ જ્યાં ત્યાં કચરાના ગંજ ખડાયેલા છે. ત્યારે આવા સ્મારકોની યોગ્ય રીતે જાળવણી થાય એ ખૂબ જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરની સ્થાપના 1723માં ભાવસિંહજી ગોહીલ દ્વારા કરવામાં આવી હતી. ભારતનાં ગણતંત્રમાં ભળ્યુ એ પહેલા સુધી ભાવનગર એક અલગ રજવાડુ હતું. જ્યારે ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહ ગોહિલ હતા. અને તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલ (બીજા) ના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા. સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ અર્પણ કર્યું હતું. તેઓના સમયકાળ દરમ્યાન તેમણે ગંગાદેરી, આયુર્વેદ કોલેજ (જૂની શામળદાસ કોલેજ જ્યાં ગાંધીજી ભણ્યા હતા. દરબારી કોઠાર, દરબાર ગઢ, અને મોતીબાગ ટાઉન હોલ (મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો લગ્ન મંડપ) જેવા અનેક સુંદર કલાત્મક સ્થાપત્યોની ભાવનગરને ભેટ આપી હતી. પરંતુ હાલ આ તમામ સ્થાપત્યો ની માઠી દુર્દશા જોવા મળી રહી છે. 


આ પણ વાંચોઃ જનતાને વધુ એક ઝટકો, હવે ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં કર્યો વધારો


ગંગાદેરી અને આયુર્વેદ કોલેજમાં જ્યાં ત્યાં ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યાં છે. તેમજ જ્યાં ત્યાં ગંદકીના થર સાથે વિદેશી દારૂની બોટલો પણ જોવા મળી રહી છે. કલા કારીગરીના ઉત્તમ નમૂનારૂપ દરબારી કોઠાર જ્યાં હાલમાં અભિલેખાગાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. જ્યાં ભાવનગરનો ઈતિહાસ ભડારાયેલો છે, ત્યાં પણ ગંદકી જોવા મળી રહી છે. તેમજ તેની દીવાલને અડીને મહાનગરપાલિકા દ્વારા જાહેર યુરીનલ બનાવવામાં આવ્યું છે. જેના કારણે હેરિટેજ સ્થાપત્યની શોભા ઘટી રહી છે. દરબાર ગઢ કે જ્યાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી દરબાર ભરીને બેસતા હતા ઈમારતની બહાર રેડીમેઇડ ગારમેન્ટનું વેચાણ કરતા લારીવાળાનો રાફડો જોવા મળી રહ્યો છે. જેના કારણે તેની પાછળનું સ્થાપત્ય લોકોની નજરે નથી ચડી રહ્યું, હવે જ્યારે આગામી 18 એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગરની સ્થાપત્યકળાને પુનર્જીવન મળે અને તેની યોગ્ય રીતે જાળવણી કરવામાં એ ખૂબ જરૂરી છે.


ભાવનગર શહેરમાં ગંગાદેરી, પર્સિ‌વલ ફુવારો, દરબારગઢ, દિવાનપરા રોડ પરના જૂના ઢબની હવેલી સમા નમૂનેદાર બાંધકામ, બાર્ટન લાઈબ્રેરી, સિહોરમાં બ્રહ્મકુંડ અને સાતશેરી સહિ‌તના આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતાં નમૂનેદાર સ્થાપત્યો આવેલા છે. જેને સરકાર દ્વારા રક્ષિત સ્મારકો જાહેર કરવામાં આવ્યાં છે. ત્યારે પુરાતત્વ ખાતાની ઉદાસીન નીતિને કારણે ભાવનગરની આગવી ઓળખમાં થોડી ઝાંખપ લાગી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube