બાવળિયા બાદ દિલીપ ઠાકોરના સમર્થકો ભાજપ સામે બગાવત પર ઉતર્યા, રાજીનામાની ઉચ્ચારી ચીમકી
ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરને નવા પ્રધાન મંડળમાં પડતા મૂકવામાં આવનાર હોવાની જાણ થતાં તેમના સમર્થકો રીતસર ભાજપ સામે બગાવત પર ઉતરી આવ્યા હતા અને હારીજ ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા
પ્રેમલ ત્રિવેદી/ પાટણ: ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરને નવા પ્રધાન મંડળમાં પડતા મૂકવામાં આવનાર હોવાની જાણ થતાં તેમના સમર્થકો રીતસર ભાજપ સામે બગાવત પર ઉતરી આવ્યા હતા અને હારીજ ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને જો દિલીપ ઠાકોરને પુનઃમંત્રી બનાવવામાં નહીં આવે તો સામૂહિક રીતે પક્ષમાંથી રાજીનામાં આપવાની ચીમકી ઉચ્ચારી હતી.
પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પૈકી એક માત્ર ચાણસ્મા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા અને ભાજપનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય દિલીપ ઠાકોર મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી હતા. પરંતુ નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં તેમની બાદબાકી કરવામાં આવનાર હોવાની જાણ તેમના સમર્થકોને થતાં હારીજ ખાતે તાલુકા પંચાયત કચેરીએ એકઠા થયા હતા. જ્યાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ દોડી આવ્યા હતા અને શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષના કાર્યકરોએ શિસ્તના લીરેલીરા ઉડાવી બગાવતનું બ્યૂગલ ફુંક્યું હતું.
દિલીપ ઠાકોરના સમર્થમાં હારીજ અને ચાણસ્મા ખાતે સમર્થકોમાં ભારે રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે તો ચાણસ્મા ખાતે સમર્થકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ હાઇવે માર્ગ પર ચક્કાજામ કરવાના પ્રયાસ સાથે સુત્રોચાર કર્યા હતા. નવીન મંત્રી મંડળમાં દિલીપ ઠાકોરને સ્થાન આપવા અંગેની માંગ ઉચ્ચારી હતી અને જો તેમ નહીં થાય તો આવનાર 2022 ની ચૂંટણીમાં ભાજપને માઠા પરિણામો ભોગવવાની તૈયારી રાખે સાથે યોગ્ય નિર્ણય નહિ લેવામાં આવેતો સમર્થકો મોટી સંખ્યામાં ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
નવીન મંત્રી મંડળની રચના થવા જઈ રહી છે તે પૂર્વે જ ભાજપમાં વિરોધના સુર ઉઠવા પામ્યા છે. ત્યારે નવીન મંત્રી મંડળમાં નો રિપીટની થીયરી પક્ષ દ્વારા અપનાવામાં આવી રહી છે જેને લઈ મોટા નેતાઓના નામ કપાવવાની સંભાવના વ્યક્ત થવા પામી છે તેને લઈ હવે વિરોધના સુર ઉઠવા પામ્યા છે. ત્યારે હવે નવીન મંત્રી મંડળમાં દિલીપ ઠાકોરને સ્થાન મળે છે કે કેમ તે તો જોવાનું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube