હાર્દિક દીક્ષિત, વડોદરાઃ માનવતા હજુ મરી નથી પરવારી. હજુ પણ લોકો પોતાની જીવના જોખમે બીજાનો જીવ બચાવવા માટે આ મહામારીમાં સાથ આપી રહ્યાં છે. તેવા અનેક ઉદાહરણ આપણને જોવા મળે છે. કોરોના કાળમાં એક તરફ જ્યાં દવાઓની કાળાબજારી અને દર્દીઓને પડતી હાલાકીના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યાં બીજી તરફ એવી પણ એવા પણ તબીબો અને આરોગ્ય કર્મીઓની સેવાના કિસ્સાઓ જોવા મળ્યાં છે જે દર્દીઓ માટે દેવદૂત બનીને આવ્યાં છે અને તેમને મોતના મુખમાંથી ઉઘારીને જીવનદાન અપાવવા માટે મથી રહ્યાં છે. આવો જ એક વીડિયો હાલ સોશલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


જેમાં તબીબો, નર્સ અને હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓનું મનોરંજન કરીને તેમનું મનોબળ વધારવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ વીડિયો વડોદરાની પારૂલ સેવાશ્રમ હોસ્પિટલનો છે. Corona ના દર્દીઓને મોતને મ્હાત આપવાનું શીખવી રહ્યો છે આ વીડિયો. સન્ની દેઓલના અભિનયવાળી ફિલ્મ ઘાયલનું આ ગીત ખુબ જ પ્રચલિત છે. "સોચના ક્યા જોભી હોગા દેખા જાયેગા..." કલ કે લિએ આજ કો ન ખોના આજ યે ન કલ આયેગા... જો હોના હોગા, હોગા વહી, સોચકે તુ ક્યા પાયેંગા... ગીતની આ પંક્તિઓથી દર્દીઓનું દર્દ દૂર કરવાનો અને તેમનામાં રહેલાં મોતના ડરને ભગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 



તબીબો, નર્સ અને હોસ્પિટલનો સ્ટાફ આ ગીત પર ડાન્સ કરીને કોરોનાના દર્દીઓનું મનોરંજન પુરુ પાડી રહ્યાં છે. સાથે સાથે દર્દીઓ પણ આ ગીત સાંભળીને મોતને મ્હાત આપવા પોતાના મનોબળને મજબૂત બનાવી રહ્યાં છે. ગીતની પંક્તિઓ અને આરોગ્ય કર્મીઓ દ્વારા દર્દીઓનું મનોબળ વધારવાનો આ ઉમદા પ્રયાસ જોઈને તમારી પણ આંખો ભરાઈ આવશે. 


એક તરફ કોરોનાના દર્દીઓથી તેમના સ્વજનોએ પણ દૂર રહેવું પડે છે. ત્યારે બીજી તરફ આ તબીબો અને હોસ્પિટલનો સ્ટાફ આ દર્દીઓની પોતાના સ્વજનોની જેમ સેવા કરી રહ્યો છે. દર્દીઓ પણ મોબાઈલમાં આ વીડિયો ઉતારીને પોતાના સ્વજનોને મોકલી રહ્યાં છે. આ દોઢ મિનિટના વીડિયોમાં તમને 75 થી 80 વર્ષના માજી બેડ પર બેઠાં બેઠાં ડાન્સ કરતા દેખાઈ રહ્યાં છે. સારવારની સાથે તબીબો અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા કરવામાં આવતું આ પ્રકારનું મનોરંજન કોરોના દર્દીઓનું મનોબળ વધારશે. અને આ કોરોનાના રક્ષસને હરાવવાનો એક જ ઉપાય છે, ડર કે આગે જીત હૈ...


હાલ ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના મોટા શહેરોમાં સ્થિતિ વધુને વધુ વણસી રહી છે. સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. એવામાં દર્દીઓનો જીવ બચાવવા હોસ્પિટલ સ્ટાફ દ્વારા કરવામાં આવેલો આ પ્રકારનો પ્રયાસ ખરેખર પ્રસંશાને પાત્ર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube